કર્ણાટકના મુખ્યમંત્રીપદેથી યેદિયુરપ્પાનું રડતાં રડતાં રાજીનામું : નવા સીએમ અંગે હજું કોઈ જાહેરાત નહીં

(પીટીઆઈ) : કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી બીએસ યેદિયુરપ્પાએ આખરે રાજીનામું આપી દીધું હતું. વિધાનસભામાં સરકારની બે વર્ષની સિદ્ધિઓ ગણાવ્યા પછી યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપતાં હોવાની જાહેરાત કરી હતી. કર્ણાટકના રાજકારણમાં સક્રિય રહેવાનું પણ કહ્યું હતું.

કર્ણાટકના ભાજપની સરકાર બની તેને બે વર્ષ પૂરા થયા હતા. યેદિયુરપ્પા તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળની સિદ્ધિઓ વિધાનસભામાં ગણાવતા હતા. એ વખતે તેમણે કહ્યું હતુંઃ મેં મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. કાર્યકાળ દરમિયાન મારે હંમેશા અગ્નિપરીક્ષા જ આપવી પડી છે. યેદિયુરપ્પાએ રડતાં રડતાં વિધાનસભામાં રાજીનામાની જાહેરાત કરી હતી અને ઉમેર્યું હતુંઃ અટલ બિહારી વાજપેયી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે મને કેન્દ્રીય મંત્રી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ મેં રાજ્યના હિતમાં કર્ણાટકમાં જ સક્રિય રહેવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. યેદિયુરપ્પાએ ભાવુક થઈને કહ્યું હતું કે છેલ્લાં બે વર્ષમાં મને મારી ધારણા પ્રમાણે કામ કરવાની તક મળી નહી. કોરોનાના કારણે બધું ઠપ થઈ ગયું હોવાથી રાજ્યના ઘણાં વિકાસલક્ષી કાર્યો અટકી પડયા છે.

આ પણ વાંચો : માત્ર ૩ વર્ષની ઉંમરથી અભિનયની દુનિયામાં પ્રવેશી પોતાની કળાનો પરિચય આપનાર બાળ કલાકાર ખનક ઠક્કર

વિધાનસભામાં ભાષણ આપ્યા પછી યેદિયુરપ્પાએ રાજ્યપાલને મળીને રાજીનામું આપ્યું હતું. રાજ્યપાલે યેદિયુરપ્પાનું રાજીનામું સ્વીકારી લીધું હતું. યેદિયુરપ્પાના રાજીનામાની સત્તાવાર જાહેરાત થઈ પછી તેમના સમર્થકોએ રાજીનામાની વિરૃદ્ધમાં પ્રદર્શનો કર્યા હતા. ખાસ તો લિંગાયત સમુદાયના લોકોએ વિરોધ પ્રદર્શનો કર્યા હતા. યેદિયુરપ્પા લિંગાયત સમુદાયમાંથી આવે છે અને આ સમુદાયના યેદિયુરપ્પા મજબૂત નેતા છે. સમુદાય ઉપર તેમની મજબૂત પક્કડ છે.

આ પણ વાંચો : આપણા જીવનમાં કોઈ નવી સવાર કેમ થતી નથી?

અગાઉ બીએસ યેદિયુપ્પાએ દિલ્હી જઈને હાઈકમાન્ડના નેતાઓ સાથે વાતચીત કરી હતી. ત્યારથી જ તેમના રાજીનામાની અટકળો વહેતી થઈ હતી. એ પછી ખુદ યેદિયુરપ્પાએ મુખ્યમંત્રીપદેથી હટી જવાના સંકેત આપ્યા હતા. જોકે, યેદિયુરપ્પાએ રાજીનામાની જાહેરાત કરી ત્યારે કર્ણાટકના રાજકારણમાં સક્રિય રહેવાનું નિવેદન કર્યું તેનાથી આગામી દિવસોમાં નવા સમીકરણો રચાય એવી પણ શક્યતા નકારી શકાતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *