વડાપ્રધાનના પીઠબળ વિના ડોક્ટર્સ અને એલોપથી સામે આટલું ઝેર રામદેવ ઓકી શકે?

રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર : દેશમાં કાનૂનનું રાજ્ય છે કે આપખુદશાહીનું? જેનો કંઈ વાંક નથી તેની સામે નેશનલ સીક્યુરિટી એક્ટ હેઠળ જેલમાં પૂરવાનાં આવે છે અને જેમનો ઉઘાડો ગુનો છે તેમને સરકાર છાવરે છે. સરકારના મંત્રીઓ તેમની સાથે બેસીને તેમને સમાજની કુસેવા કરવાનો મોકો આપે છે !

મણિપુરમાં સત્તાપક્ષના પ્રમુખ ટિકેન્દ્રસિંહનું અવસાન 12 મે 2021ના રોજ કોરોના સંક્રમણના કારણે થયું હતું પત્રકાર કિશોરચંદ્ર વાંગખેમ અને કાર્યકર્તા એરેન્દ્રો લીચોમ્બામે પોતાના ફેસબૂક એકાઉન્ટથી શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે “ગાયના છાણ કે મૂત્રથી કોવિડ-19થી બચાવ ન થઈ શકે; ઈલાજ વિજ્ઞાન અને કોમન સેન્સ છે.” મણિપુર પોલીસે કિશોરચંદ્ર અને એરેન્દ્રોને 17 મે ના રોજ એરેસ્ટ કર્યા પરંતુ બન્નેને જામીન મળી ગયા હતા. પોલીસને /સરકારને સંતોષ ન થયો એટલે ફરી વખત નેશનલ સીક્યુરિટી એક્ટ હેઠળ અટક કરી બન્નેને જેલમાં પૂર્યા ! ગુનો એક પણ એરેસ્ટ બે વખત કર્યા ! આ નાગાઈ છે. સરકાર કાયદાનો દુરુપયોગ કરે છે. સવાલ એ છે કે આ બન્નેએ ફેસબૂક ઉપર જે ટિપ્પણી કરી તેમાં રાષ્ટ્રને ક્યું નુકશાન પહોંચાડ્યું હતું? કોરોનાનો ઈલાજ વિજ્ઞાન છે; છાણ-મૂત્ર નથી; તેમ કહીને બન્નેએ વૈજ્ઞાનિક અભિગમ કેળવવાની બંધારણીય ફરજ બજાવી હતી; છતાં તેને જેલ?

આ પણ વાંચો – ગોવામાં ઓક્સિજન વગર થયેલ મોત સરકાર નહીં ભાગ્ય જવાબદાર – બીજેપી અધ્યક્ષ સદાનંદ શેત તનવડે

બીજી તરફ ચિત્ર સાવ જુદું જ છે. ઉદ્યોગપતિ બાબા રામદેવને સરકાર કઈ રીતે છાવરે છે તેનું ઉદાહરણ આપણી સામે છે. બાબા રામદેવ કહે છે કે “વેક્સિનના ડબ્બલ ડોઝ લીધા હતા છતાં 1000 ડોક્ટરના મોત કોરોના સંક્રમણથી થયા; ડોક્ટર પોતાને બચાવી શકતા નથી; તે બીજાને શું બચાવે? એલોપથી સ્ટુપિડ સાસન્સ છે; બેકાર છે; તમાશા છે ! ડોક્ટર બનવું હોય તો સ્વામી રામદેવ બનો; જેની પાસે કોઈ ડીગ્રી નથી; છતાં બધાંના ડોક્ટર છે ! ડિવિનિટી/ડિગ્નિટી સાથે હું ડોક્ટર છું !” રામદેવ મંચ ઉપર જાહેરમાં આવું યોગ શિખવતી વેળાએ કહે છે; આ કેવી વિદ્યા? આ કેવા યોગગુરુ? રામદેવ ભગવા કપડા પહેરે છે, એટલે લોકો તેમની વાત માને છે. આ દેશમાં ભગવા કપડાંની જાદૂઈ અસર થાય છે ! મંચના બેનરમાં વડાપ્રધાનનો ફોટો છે. ડબ્બલ ડોઝ લીધા છતાં 1000 ડોક્ટરના મોત; એવી થીયરીમાં કરોડો લોકો વેક્સિન લઈ રહ્યા છે; તે વેક્સિનની મજાક નથી? જે ડોક્ટર્સે પોતાના જીવના જોખમે કોરોના દર્દીઓની સારવાર કરી; તેની મજાક ઉડાડવાની? આ કેવી માનસિકતા? પોતાના આયુર્વેદિક ઉત્પાદનો વેચવા જૂઠ બોલવાનું? આયુર્વેદની ડીગ્રી નથી છતાં ફેંકમફેંક કરવાનું? રામદેવ એલોપથી ઉપર દોષનો ટોપલો ઢોળે છે; તેની પાછળ કોરોના મહામારી સામે લડવામાં વડાપ્રધાનની નિષ્ફળતાને ઢાંકવાની ચેષ્ટા નથીને? એટલું ખાત્રીથી કહી શકાય કે વડાપ્રધાન બીમાર પડશે ત્યારે રામદેવને નહીં બોલાવે; એલોપથી ડોક્ટરને જ બોલાવશે ! એ પણ ખાત્રી છે કે રામદેવ ગંભીર બીમાર થશે ત્યારે એલોપથી હોસ્પિટલમાં દાખલ થઈને સારવાર કરાવશે ! સવાલ એ છે કે IMA-ઈન્ડિયન મેડિકલ એસોસિએશન રામદેવ સામે કાનૂની કાર્યવાહી કરવા લેખિત માંગણી કરી છે; છતાં રામદેવના આ ખાખંડ અને નિર્લજ્જતા સામે સરકાર કેમ કોઈ કાર્યવાહી કરતી નથી? Epidemic Disease Act 1897 હેઠળ તેમની સામે કેમ કોઈ કાર્યવાહી થતી નથી? શું રામદેવ અને સરકારની નાગાઈ સામે બોલવું તે ગુનો છે? વડાપ્રધાનના પીઠબળ વિના ડોક્ટર્સ અને એલોપથી સામે આટલું ઝેર રામદેવ ઓકી શકે? જબ સૈંયા ભયે કોતવાલ તો ડર કાહે કા!rs

Leave a Reply

%d bloggers like this: