વડાપ્રધાનના નામ સાથે જોડાયેલ ક્રિકેટ સ્ટેડિયમને રણજિતસિહનું નામ અપાશે?

રમેશ સવાણી, ભૂતપૂર્વ આઈપીએસ ઓફિસર : વડાપ્રધાને 6 ઓગષ્ટ 2021ના રોજ , 30 વરસ બાદ, રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારનું નામ બદલીને ધ્યાનચંદ ખેલ રત્ન નામ કર્યું; તે આવકારદાયક છે. ખેલ ક્ષેત્રનું આ સર્વોચ્ચ સન્માન છે. હાલ સુધીમાં 45 ખેલાડીઓનું સન્માન આ પુરસ્કારથી કરવામાં આવેલ છે. પ્રશસ્તિપત્ર અને 25 લાખ રુપિયા આપવામાં આવે છે. 1928, 1932 અને 1936ની ઓલિમ્પિક્સમાં મેજર ધ્યાનચંદે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ત્રણે ય વખત ભારતે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. 1928 માં એમ્સટર્ડમ ઓલિમ્પિકમાં તેમણે 14 ગોલ કર્યા હતા ત્યારે સ્થાનિક અખબારે ‘હોકીના જાદુગર’ કહ્યા હતા ! 1936 ની ઓલિમ્પિકમાં ભારતે જર્મનીને 8-1 થી હરાવી દીધેલ. એ સમયે હિટલરે ધ્યાનચંદને જર્મનીની સેનામાં જોડાઈને જર્મની તરફથી હોકી રમવાની ઓફર કરી હતી; પરંતુ ધ્યાનચંદે તે ઓફર સ્વીકારી ન હતી. ધ્યાનચંદે 22 વર્ષની હોકી કેરિયરમાં 400 ગોલ કરી તરખાટ મચાવી દીધો હતો ! તેમના જન્મ દિવસને [29 ઓગષ્ટ 1905] રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે મનાવવામાં આવે છે. વડાપ્રધાનનો આભાર પણ માનવો પડે કે ખેલ રત્ન સાથે દીનદયાળ ઉપાધ્યાય કે ગોડસેના નામને બદલે ધ્યાનચંદનું નામ જોડ્યું ! પરંતુ વડાપ્રધાનને ખેલ પ્રત્યે આદર છે; ધ્યાનચંદ પ્રત્યે આદર છે એટલે ખેલ રત્નનું નામ બદલ્યું; લોકોની ઈચ્છા હતી એટલે નામ બદલ્યું; તે માની શકાય તેમ નથી. વડાપ્રધાન માત્ર ખેલ રત્ન એવોર્ડનું નામ બદલીને વાહવાહી મેળવે છે; પરંતુ ખરું કામ તો ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કર્યું છે. 2018 માં; જ્યારે પુરુષ હોકી ટીમ અને મહિલા હોકી ટીમને સ્પોન્સર કરવા કોઈ તૈયાર ન હતું ત્યારે બન્ને ટીમની જવાબદારી ઓરિસ્સા સરકારે 5 વરસ માટે લીધી અને 150 કરોડ ફાળવ્યા ! જ્યારે વડાપ્રધાનનું યોગદાન શૂન્ય હતું ! વડાપ્રધાને 2020-21 ના બજેટમાં, ખેલ વિભાગમાં 230.78 કરોડનો કાપ મૂક્યો હતો ! ટોકિયો ઓલિમ્પિકમાં ભારતની મહિલા હોકી ટીમ પ્રથમ વખત સેમી ફાઈનલમાં પહોંચી; ભલે તે કાંસ્ય પદક ન જીતી શકી પરંતુ ગ્રેટ બ્રિટન સામે બરાબર મુકાબલો કર્યો અને ભારતીયોના દિલ જીતી લીધા. ભારતની પુરુષ હોકી ટીમે 41 વરસ બાદ જર્મનીને 5-4 થી હરાવીને કાંસ્ય પદક જીતી લીધો ! ક્રેડિટ ખેલાડીઓને/તેમના પરિવારોને અને નવીન પટનાયકને જાય છે !

Modi stadium

જો વડાપ્રધાનને ખેલ સાથે રાઈના દાણા જેટલો સંબંધ હોત તો અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમ સાથે પોતાની હયાતીમાં જ પોતાનું નામ જોડ્યું ન હોત ! અને ગુજરાતના અવ્વલ દરજ્જાના ક્રિકેટરનું નામ જોડ્યું હોત ! જો લોકાની ઈચ્છાના કારણે ખેલ રત્નનું નામ બદલ્યું હોય તો ક્રિકેટ સ્ટેડિયમ ઉપર વડાપ્રધાનનું નામ છે તે ભૂંસી નાખવાની લોકોની ઈચ્છાનો આદર કરવાનો કે નહીં? લોકોની ઈચ્છાનો આદર કરો છો તો કિસાનોની ઈચ્છા ધ્યાને કેમ લેતા નથી? શું અદાણી/અંબાણીની ઈચ્છા જ ધ્યાને લેવાની? દેશમાં સુવિધાઓ માટે પૈસા ખર્ચવા જોઈએ; તેના બદલે વડાપ્રધાન/મુખ્યમંત્રીઓની ટીવી/અખબારી/આઉટડોર હોર્ડિંગની જાહેરખબરો પાછળ રોજે કરોડો રુપિયા ખર્ચાય છે; તે બંધ કરવા લોકોની ઈચ્છા છે જ; તેનો અમલ વડાપ્રધાન કેમ કરતા નહીં હોય?

Modi stadium

રાજીવ ગાંધી દેશના વડાપ્રધાન હતા; આતંકવાદમાં જીવ ગુમાવ્યો હતો. દેશના વિકાસમાં તેમનું કંઈક યોગદાન હતું. પરંતુ જેમણે કંઈ યોગદાન આપ્યું નથી; તે દીનદયાળ ઉપાધ્યાયના નામ ચારે તરફ કેમ? સવાલ એ છે કે અમદાવાદના વડાપ્રધાનના નામાવળા ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલીને જેના નામે રણજી ટ્રોફી રમાય છે; ક્રિકેટના અવ્વલ દરજ્જાના ખેલાડી જામનાગર નરેશ રણજિતસિંહનું નામ વડાપ્રધાન જોડશે ખરા? શું ‘રણજી સ્ટેડિયમ’ થશે?rs

Leave a Reply

%d bloggers like this: