નિવૃત્તિ ચાર દિવસ પહેલા રાકેશ અસ્થાનાને દિલ્હીના પોલીસ કમિશ્નર તરીકે કેમ નીમવામાં આવ્યા?

રમેશ સવાણી, ભૂતપૂર્વ IPS ઓફીસર : રાકેશ અસ્થાના 1984 બેચના, ગુજરાત કેડરના IPS અધિકારી છે. તેઓ વડોદરા ખાતે ફરજ ઉપર હતા ત્યારે સાંડેસરા ગૃપ પાસેથી 300 કરોડની લાંચ લેવાના આક્ષેપ સબબ તેમનું નામ અખબારોમાં ચમક્યું હતું ! ગોધરાકાંડની તપાસનું સુપરવિઝન તેમણે કર્યું હતું. તેમની નિમણૂંક CBIમાં સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે થઈ હતી; ત્યારે CBI ચીફ આલોક વર્માએ રાકેશ અસ્થાના સામે ભ્રષ્ટાચાર બાબતે તપાસ શરુ કરતા વડાપ્રધાને આલોક વર્માને જ CBI માંથી હટાવી દીધા હતા. આલોક વર્માએ 15 ઓક્ટોબર 2018 ના રોજ રાકેશ અસ્થાના સામે કરપ્શન અંગે FIR નોંધાવી હતી; જેમાં આરોપ હતો કે મોઈન કુરેશીના કેસમાં એક શકમંદ પાસેથી વહીવટદાર મારફતે 2.95 કરોડ રુપિયા રાકેશ અસ્થાનાએ લીધા હતા ! ફેઈક એન્કાઉન્ટર કેસ/ત્રિપલ મર્ડર કેસમાં; હાલના કેન્દ્રીય ગૃહમંત્રીને જ્યારે CBIએ એરેસ્ટ કરી સાબરમતી જેલમાં પૂરેલ ત્યારે રાકેશ અસ્થાના તેમની સાથે ઊભા રહ્યા હતા.

સુપ્રિમકોર્ટે માર્ચ 2019માં ચૂકાદો આપેલ કે “એવા કોઈ અધિકારી, જેમને વયનિવૃતિ થવાને 6 મહિના કરતા ઓછો સમય બચ્યો હોય તેમને DGP/પોલીસ કમિશ્નર તરીકે મૂકી શકાય નહીં.” આ કારણસર રાકેશ અસ્થાના CBI ચીફના હોદ્દા માટે અનફિટ થયા હતા ! વડાપ્રધાન તેમને CBI ચીફ તરીકે મૂકવા ઈચ્છતા હતા પરંતુ સુપ્રિમકોર્ટના ચીફ જસ્ટિસે વાંધો લેતા વડાપ્રધાનના મનની ઈચ્છા મનમાં રહી ગઈ હતી !

આ પણ વાંચો : ઉત્તરપ્રદેશની ‘વેક્સિનેશન ડ્રાઈવ’ની જાહેરખબર ગુજરાતમાં કેમ?

અસ્થાના 31 જુલાઈ 2021ના રોજ વયનિવૃત થાય છે; ત્યારે તેમને એક વર્ષનું એક્સટેન્શન આપી દિલ્હીના પોલીસ કમિશ્નર તરીકે કેન્દ્ર સરકારે નિમણૂંક કરી છે. અસ્થાનાએ નવો હોદ્દો સંભાળી લીધો છે. રાકેશ અસ્થાનાની કામ કરવાની સામંતવાદી શૈલી વિવાદાસ્પદ રહી છે; તેઓ સત્તાપક્ષ સમક્ષ અતિ ઝૂકી જાય છે; અને તાબાના અધિકારીઓ પ્રત્યે અતિ રોફ દાખવે છે ! તેઓ વડોદરા પોલીસ કમિશ્નર હતા ત્યારે પોલીસ ઈન્સ્પેક્ટર આર. એલ. સંઘાણીએ ચાર વરસ સુધી સરકારી રીવોલ્વર વિના જ ફરજ બજાવી હતી. સંઘાણી માનતા હતા કે “અસ્થાના તાબાના અધિકારીઓ સાથે ઉધ્ધત વર્તન કરતા હતા અને ન બોલવાના શબ્દો બોલતા હતા; એટલે ઉગ્ર બની હું કોઈ પગલું ભરી ન લઉં તે માટે રીવોલ્વર ઈસ્યુ કરાવી ન હતી !” ગુજરાતમાં જે થઈ શકે તે દિલ્હીમાં કરવું મુશ્કેલ છે. એટલે એમનો રસ્તો સરળ નથી. તેઓ છીંડેથી ઘૂસ્યા છે એટલે વિપક્ષોની કરડી નજર તેમની ઉપર રહેવાની છે. સવાલ એ છે કે ચાર દિવસ પછી નિવૃત થનાર રાકેશ અસ્થાનાને દિલ્હીના પોલીસ કમિશ્નર તરીકે કેમ નીમવામાં આવ્યા? શું રાહુલ ગાંધી ટ્રેક્ટર લઈ ત્રણ કૃષિ કાનૂનોનો વિરોધ કરતા સંસદ સુધી પહોંચી ગયા તેના કારણે ગૃહમંત્રી/વડાપ્રધાન ચિંતામાં મૂકાઈ જવાથી તેમની નિમણૂંક કરી હશે? ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી ધ્યાનમાં રાખી કિસાન નેતાઓ કિસાન આંદોલનને તેજ કરવાની રણનીતિ ઘડી રહ્યા હતા એટલે કિસાન આંદોલનને કચડવા માટે અસ્થાનાની નિયુક્તિ કરવામાં આવી હશે? મુદ્દાની વાત એ છે કે વડાપ્રધાનને સ્વચ્છ ઈમેજવાળા મિનિસ્ટર મળતા નથી, પ્રદેશ પ્રમુખ મળતા નથી, તે સમજી શકાય; પરંતુ અધિકારીઓ પણ મળતા નહીં હોય?rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *