હિન્દુ-મુસ્લિમ ‘ફેવિકોલ’ની જરુર કેમ પડી?

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર : RSSના વડા મોહન ભાગવતને ‘દિવ્ય જ્ઞાન’ થયું છે ! 4 જુલાઈ 2021 ના રોજ ‘મુસ્લિમ રાષ્ટ્રીય મંચ’ના કાર્યક્રમમાં તેમણે કહ્યું : “હિન્દુ અને મુસ્લિમ અલગ છે; તેવી વાતો ભ્રામક છે. તમામ લોકો ભારતીય છે. તમામનું DNA એક જેવું જ છે. દેશમાં રહેતા લોકોની એકતા જ લોકશાહીનો પાયો છે. જે લોકો મોબ લિન્ચિંગ જેવી જઘન્ય કામગીરી સાથે સંકળાયેલા છે તે હિન્દુત્વ વિરોધી છે.” મોહન ભાગવતના વિચારો માટે ધન્યવાદ આપવા જ પડે; પરંતુ વ્યવહારમાં જુદું કેમ જોવા મળે છે? બોલવાનું અલગ અને અમલ પણ અલગ?

આ પણ વાંચો : કોંગ્રેસમાં મોટા બદલાવની શક્યતા ગાંધી પરિવારની બહારના વ્યક્તિને અધ્યક્ષ પદ સોંપી શકે છે

થોડાં પ્રશ્નો : [1] સત્તાપક્ષના IT Cell અને ગોદી મીડિયા મારફતે મુસ્લિમો પ્રત્યે નફરત ફેલાવી બહુમતી હિન્દુઓનું ધ્રુવીકરણ કરવાની અતિ ખર્ચાળ કસરત શામાટે? કોમી દંગાઓ/લિંચિગ પાછળ મુખ્ય પરિબળ નફરત નથી? [2] ભાગવતજીનું આ દિવ્ય જ્ઞાન એમના શિષ્યો સુધી કેમ પહોંચતું નથી? ‘આગ લગાડનારા કોણ છે; એ તો કપડાંથી જ ઓળખાઈ જાય;’ એમ વડાપ્રધાન શામાટે કહે છે? ‘અમે તાજીયા કાઢવા નહીં દઈએ; જો તેઓ તાજીયા કાઢશે તો અમે હોળી ખેલીશું;’ એમ યોગી આદિત્યનાથ શામાટે કહે છે? [3] 2002માં ગુજરાતમાં થયેલ કોમી દંગાઓમાં મોટા ભાગે મુસ્લિમો ભોગ બન્યા, એવું કેમ બન્યું? [4] હિન્દુ-મુસ્લિમ અલગ અલગ ન હોય તો CAA/NRCનું સમર્થન કેમ કરો છો? [4] જમાતીઓને ખોટી રીતે કોરોના બોમ્બ શામાટે કહેલ? [5] મુસ્લિમ વિરોધી વડાપ્રધાન/ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ/પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠનું સમર્થન કેમ કરો છો? [6] ભાગવતજીએ હિન્દુ-મુસ્લિમ એક જ છે તેમ કહ્યું; એ દિવસે જ હરિયાણા સત્તાપક્ષના પ્રવક્તા ‘સૂરજ પાલ અમૂ’એ મુસ્લિમ સમુદાયનું નામ લીધા વિના મહાપંચાયમાં કહેલ કે “આ હરામજાદોને આ દેશમાંથી કાઢો. આને મકાન કે દુકાન ભાડે ન આપો !” આ એ સૂરજ પાલ છે જેમણે 2017માં પદ્માવતી ફિલ્મના સંદર્ભમાં કહ્યું હતું કે “જે કોઈ દીપિકા પદૂકોણ અને સંજય લીલા ભનશાળીનું માથું કાપીને લાવશે તેને 10 કરોડનું ઈનામ આપીશ !” [7] ભાગવતજીને હાલે હિન્દુ-મુસ્લિમ ‘ફેવિકોલ’ની જરુર કેમ પડી? ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમોને સત્તાપક્ષ તરફ ખેંચવાની યુક્તિ તો નથીને?

સવાલ એ છે કે મુખ મેં રામ, બગલ મેં છૂરી, એવું કેમ? સંદિગ્ધતા/ડબલ થિંક કેમ? સંદિગ્ધતા એટલે? મંદિર નિર્માણની વાતો કરનારા રેશનલ ભગતસિંહને આદર્શ માને ! એક તરફ ‘સમરસતા’ની વાતો કરે; બીજી તરફ વર્ણવ્યવસ્થાનું સમર્થન કરે છે ! ’રાષ્‍ટ્રવાદી’ લોકો માને છે કે ‘હિન્‍દુત્વ’ પોતે લોકશાહી ધરાવે છે, સહિષ્‍ણુ છે, આ ભ્રમ છે. હિન્‍દુવાદી સંગઠનોએ અંધશ્રઘ્‍ઘાનો, વહેમોનો, ધાર્મિક શોષણનો વિરોધ ન થઇ શકે તેવું વાતાવરણ ઉભું કર્યું છે. પોલીસે આશારામને એરેસ્ટ કર્યો ત્યારે હિન્દુ સંગઠનો અને યોગગુરુ રામદેવે વિરોધ કર્યો હતો ! અમુક ફિલ્‍મ હિન્‍દુ વિરોધી છે, એમ કહીને હિંસા કરે છે. ‘હિન્‍દુત્‍વ’ એ વિરોધાભાસનો સમૂહ છે.આર્યસમાજ મૂર્તિપુજામાં ન માને, તો કોઇને મૂર્તિપૂજા વિના ન ચાલે. કોઇ જ્ઞાનની ગાદીમાં, તો કોઇ જન્‍મની ગાદીમાં માને. કોઈ દ્વૈતમાં તો કોઈ અદ્વૈતમાં માને. કોઈ ભગવા વસ્ત્રોમાં માને તો કોઈ દિગમ્બરમાં ! વૈદિક હિન્દુત્વ અવતારવાદનો વિરોધ કરે છે; જ્યારે પૌરાણિક હિન્દુત્વ અવતારવાદ આધારિત છે. કોઇપણ બિનપ્રગતિવાદી અને આ૫ખુદતંત્ર માટે એ જરુરી છે કે ૫રસ્‍પર વિરોધી એવા બે વિધાનો એક સાથે સ્‍વીકારે અને બન્‍નેને સાચા માને ! ધર્મ રાજકીય સત્તા હાંસલ કરવાનું ‘સાધન’ બની ગયો છે. હિન્દુ અને મુસ્લિમ નેતાઓ નફરતની ઉલટી કર્યા કરે છે. ધાર્મિક રાષ્ટ્રવાદ ખતરનાક છે. ધર્મ આધારે એકતા ટકી શકે નહીં; જો એમ બનતું હોત તો પાકિસ્તાન અને બાંગલાદેશ જુદા પડ્યા ન હોત ! સેક્યુલર નેશનાલિઝમથી જ સમાજની પ્રગતિ શક્ય બને.rs

One thought on “હિન્દુ-મુસ્લિમ ‘ફેવિકોલ’ની જરુર કેમ પડી?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *