આપણા જીવનમાં કોઈ નવી સવાર કેમ થતી નથી?

Ramesh Savani

રમેશ સવાણી, ભૂતપૂર્વ આઈ.પી.એસ ઓફીસર :  ઓસ્ટ્રેલિયામાં રહેતા ફેસબૂક મિત્ર ઉત્પલ યાજ્ઞિક મારફતે ‘Break The Rule-બ્રેક ધ રુલ’ના ફાઉન્ડર અને તાજગીસભર વિચારો ધરાવનાર જોગા સિંઘનો પરિચય થયો. બન્ને પરિચય રુબરુ નહીં, પણ વિચારો થકી; ફેસબૂક મારફતે. જોગા સિંઘ અંગ્રેજીના પ્રાધ્યાપક છે. તેમના વિચારો જાણીએ-

“એક વખત એક ધોબી પોતાના ગધેડા ઉપર કપડા મૂકીને રાતે જઈ રહ્યો હતો. અચાનક ગધેડો ઊંડા ખાડામાં પડી ગયો. ધોબીએ ગધેડાને બહાર કાઢવા ઘણી કોશિશ કરી પણ તેને બહાર કાઢી શકાયો નહીં. ધોબીએ વિચાર્યું કે ગધેડો આમેય વૃધ્ધ થઈ ગયો છે, બહાર નીકળે તેમ નથી; એટલે દાટી દઉં. ધોબીએ પાવડાથી માટી ખાડામાં ફેંકવાની શરુ કરી. માટી ગધેડા ઉપર પડતાં જ ગધેડો શરીરને ઝાટકીને માટી નીચે પાડી દેતો. અને માટી ઉપર ચડી જતો. આખી રાત આમ ચાલ્યું. સવાર થતાં ગધેડો ખાડાની બહાર આવી ગયો ! શરુઆતમાં માણસ જંગલમાં રહેતો હતો ત્યારે શિસ્ત નહીં હોય. તેને કાબૂ કરવા કોઈ રસ્તો ન હતો; કોઈ કામ પણ ન હતું કે તેને વ્યસ્ત રાખી શકાય. શાતિર લોકોએ; માણસોને કાબૂમાં રાખવા માટે ધર્મ/ભગવાનની કલ્પના ઊભી કરી; ડર/ભ્રમ ઊભો કર્યો. રીતરિવાજો/રુઢિઓ/અંધવિશ્વાસો/વહેમો રુપી માટી જનમાનસ ઉપર ફેંકતા રહ્યા. માણસમાં જો સમજ હોત તો ઉપર પડતી માટી ઝાટકીને નીચે પાડી દેત અને માટી ઉપર ચડી જાત ! માણસે આગળ જોવાની જરુર હતી; રીવાજો/રુઢિઓને તોડવાની જરુર હતી-‘બ્રેક ધ રુલ’ની જરુર હતી. પરંતુ થયું ઉલટું. ગધેડાની જેમ આપણી ઉપર કચરો ફેંકાતો રહ્યો ત્યારે આપણને મજા પડી ગઈ ! આરામ મળતો હતો ! પરિણામે આપણે ધારણાઓ/પરિપાટીઓ/કર્મકાંડોમાં દબાઈ ગયા ! સદીઓથી માણસ ઉપર કચરો ફેંકાઈ રહ્યો છે. પ્રથમ વખત કચરો માણસ ઉપર પડ્યો ત્યારે જ વિદ્રોહ કરવાની જરુર હતી; હવે તો સહન કરવાની ટેવ પડી ગઈ છે. આપણી જિંદગીને કર્મકાંડો/ધારણાઓ/શ્રદ્ધાઓએ બહુજ જટિલ કરી મૂકી છે. પરંતુ આપણને એનાથી કોઈ પરેશાની પણ નથી ! બીજો કોઈ વિકલ્પ નજરે પડતો નથી.”

આ પણ વાંચો : શું આ રીતે ‘નેશન ફર્સ્ટ’ બનશે?

“જે ખોટું હતું તેને આપણે જિંદગીમાંથી નીચે ફેંક્યું નહી. હવે ગંદકીના હજારો પોપડા આપણી ઉપર ચડી ગયા છે. ધર્મના ઠેકેદાર બિલકુલ ઈચ્છતા નથી કે આપણે કૂવામાંથી બહાર આવીએ ! આજે દેશની હાલત ગંભીર છે. પ્રવચન/કથાઓ/સાધુ/યોગી/સ્વામિ/બાપૂ હજાર ગણા વધી ગયા છે. છતાં ચારે તરફ લૂંટફાટ/બળાત્કાર/ઠગાઈ/ભ્રષ્ટાચાર થાય છે; શોષણ થાય છે; ભેદભાવ થાય છે. સવાલ એ છે કે આપણે બધું ઠીક કરીએ છીએ; આદર્શવાદી છીએ; તો આપણી સાથે ખરાબ વ્યવહાર કેમ થાય છે? કોણ પૂછે? પૂછવા વાળી બુધ્ધિ/સમજ તો સેંકડો ફૂટ નીચે ગધેડાના પગ હેઠળ દબાઈ ચૂકી છે ! દરેક માણસ વિચારે છે કે એક દિવસ બધું ઠીક થઈ જશે; પરંતુ એ દિવસ હજારો વરસ પછી આજ સુધી નથી આવ્યો અને આવશે પણ નહીં. આજે એક જ ઉપાય છે; જે કચરો આપણા ખભા ઉપર લદાયેલો છે તેને નીચે પાડો ! તો આપણી બુધ્ધિ/સમજનો વિકાસ થશે. આજે પણ આપણે ‘બ્રેક ધ રુલ’ વડે આ બોજથી મુક્ત થઈ શકીએ તેમ છીએ. શરત એટલી જ કે પાછળ જોવાને બદલે આગળ જોવાનું છે ! જ્યારે ગધેડો આટલો બુધ્ધિમાન થઈ શકતો હોય તો આપણે કેમ નહીં? જે પણ આદર્શ/ગુરુ/ફકીર/દેવતા/ગ્રંથ/પરંપરા આપણી જિંદગીમાં દાખલ થઈ ત્યારે તેને એ સમયે જ, સમજી વિચારીને એક બાજુ હડસેલીને આગળ નીકળી જવાનું હતું. જો આપણે આગળ નીકળ્યા હોત તો એક નવી સવારના દર્શન થાત. આ ગુરુ/દેવતા/પેગમ્બર આપણા જીવનમાં રોકાઈ ગયા એટલે એક નવી સવાર આપણા જીવનમાં ન આવી. જે રીતે આપણા દાદા,પરદાદા ખાતાપીતા હતા; પહેરતા હતા, પૂજાપાઠ કરતા હતા; લગ્ન કરતા હતા; એ જ રીતે આપણે કરીએ છીએ. કોઈ તાજગી નહીં, કોઈ બદલાવ નહીં. એનો અર્થ એ થયો કે કોઈ નવી સવાર ન ખીલી. જીવનની નવી સવાર ત્યારે થાય જ્યારે આપણે ગુરુઓ/ફકીરો/ગ્રંથો/મર્યાદાઓને ગંગામાં વહાવી દઈએ. જ્યારે આપણે આગળ નીકળી જઈએ, અતીત પાછળ રહી જાય, જ્યાં તે રહેવો જોઈએ, જ્યા સુધી તે સંબંધ રાખતો હતો. આપણો સંબંધ આજથી છે, અત્યારથી છે. આપણી જરુરિયાત શું છે? આપણને સારું શું લાગે છે? મહત્વ આપણું હોવું જોઈએ; નહીં કે ભૂતકાળના મહાપુરુષોનું. જીવન બહુ નાનું છે, આપણે જૂના રુલ તોડવા પડશે.”

જોગા સિંઘના વીડિઓ યૂટ્યુબ ઉપર ઉપલબ્ધ છે. તેમનું હિન્દીમાં પુસ્તક છે- ‘જિંદગી કો અપની શરતો પર કૈસે જિયેં.’ આ પુસ્તક યુવાનો/બુધ્ધિજીવીઓએ વાંચવા જેવું છે. આ પુસ્તકમાં એવા બીજ છે; જે આગળ જતા ઘેઘૂર વૃક્ષમાં પરિવર્તિત થઈ શકે છે. તેમની શૈલી; સરળ અને ધારદાર છે. આ પુસ્તકની ખાસિયત એ છે કે વાંચ્યા બાદ વિચારોમાં બદલાવ મહેસૂસ થઈ શકે છે. વ્યક્તિની અંદર બદલાવ આવ્યા બાદ સમાજમાં બદલાવ આવે છે. આપણી અંગત સમસ્યાઓ ઉકેલી શકીએ છીએ અને બહુ જ મોટા સામાજિક બદલાવની પૃષ્ઠભૂમિ તૈયાર થાય છે. આ પુસ્તકની PDF ઉપલબ્ધ છે; અને એમેઝોન પરથી પુસ્તક મેળવી શકાય છે. શું છે આ પુસ્તકમાં? [1]અસલ આધ્યાત્મિક કોણ છે? [2] શું તમે એક રોબોટિક જીવનના શિકાર છો? [3] મારી પત્નીના દિલમાં કોણ રહે છે? [4]આપણા જીવનમાં કોઈ નવી સવાર કેમ થતી નથી? [5] ધાર્મિક લોકો દુખી કેમ થાય છે? [6] આપણે હંમેશા કંઈક બનવામાં શામાટે લાગેલા રહીએ છીએ? [7] કઈ રીતે ઘર્મ મગજ વગરની ભીડ છે? [8] ભારતમાં કોઈ ખોજ કેમ નથી થતી? [9] કોઈ બીજાનો અનુભવ તમારો ન થઈ શકે ! [10] આપણે શામાટે મહાપુરુષોની હત્યા કરી નાખવી જોઈએ? [11] માણસની જિંદગી એટલી નાખુશ કેમ છે? [12] સમાજમાં આપણે કેટલા સ્વતંત્ર છીએ? [13] માનસિક ગુલામી એટલી ખરાબ કેમ હોય છે? [14] છેવટે માણસ જીવવાથી એટલો કેમ ડરે છે? [15] ધાર્મિક કબજિયાત શું છે? [16] છેવટે ઉકેલ શું છે?rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *