ગાળો મહિલાને ઉદ્દેશીને કેમ?

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર : કવિયત્રી પારુલ ખખ્ખરે 14 પંક્તિની કવિતા- ‘શબવાહિની ગંગા’ લખી તો તેમને 28 હજારથી વધુ મા-બહેનની ગાળો આપવામાં આવી ! આને સંસ્કાર કહેવાય? સોશિયલ મીડિયામાં ગાળો લખનારી ટ્રોલસેના છે. બીજા અંધભક્તો પણ ગાળો આપે છે. ગાળોની વિશેષતા એ છે કે તેમાં મા-બહેનને ઉદ્દેશીને વિકૃતિ ઠાલવવામાં આવે છે. મહિલાના ચારિત્ર્યને વચ્ચે લાવવામાં આવે છે. સોશિયલ મીડિયા ઉપર ટ્રોલસેનાનું મુખ્ય હથિયાર છે-ગાળો ! દુ:ખની બાબત એ છે કે ટ્રોલસેનાને સત્તાપક્ષનું સંરક્ષણ છે. ટ્રોલસેના માટે મોટું બજેટ ફાળવે છે. આ બેહદ શરમજનક કહેવાય; ગાળો આપવા/નફરતી ઝેર ઓકવા પૈસા આપવામાં આવે ! ગાળો આપવાનો ‘કોન્ટ્રાક્ટ’ આપવામાં આવે છે. સત્ય બોલનારને ચૂપ કરવા માટે ગાળોનો ઉપયોગ થાય છે. આશ્ચર્યની વાત એ છે કે ગાળો આપનારાની પ્રોફાઈલ ઉપર ભારતમાતાનો ફોટો હોય છે ! ગાળો નીચે ‘જયશ્રી રામ’ લખેલું હોય છે ! પોતાને નારીપૂજક સંસ્કૃતિના સ્વઘોષિત રખેવાળ માને છે !

મહાભારતમાં આટલી હિંસા/રક્તપાત/મારકાટની વાત છે; પરંતુ ગાળનો ઉલ્લેખ નથી. ગાળોમાં મહિલાઓને ઢસડી લાવવાની મેન્ટાલિટી કેમ? ગાળના શબ્દો જૂઓ; પિતૃસત્તાત્મક માનસિકતા જોવા મળશે. મહિલાઓને આપણે ખાનગી સંપત્તિ માનીએ છીએ. આદિમ સમાજમાં મહિલાને શારીરિક સંબંધની આઝાદી હતી; તે દરેક કામમાં આત્મનિર્ભર હતી. સમાજમાં તેને બરાબર માન આપવામાં આવતું. જેમ જેમ સમાજે ખાનગી સંપત્તિનો વિકાસ કર્યો; તેમ તેમ મહિલા ઘરમાં બંધક બનતી ગઈ. પુરુષ વર્ચસ્વ હાવી થતું ગયું. સ્ત્રીને, પુરુષને આધિન બનાવી દીધી. ઘરમાં બંધ સ્ત્રી સાથે પરિવારની ઈજ્જત જોડી દીધી. સભ્યતાએ સ્ત્રીને પરિવાર પર નિર્ભર રહેવાનું શિખવાડ્યું. સ્ત્રીને પરિવારની માન-મર્યાદાની રક્ષિતા માનવામાં આવી. જૂના જમાનામાં પરાજિત રાજાને નીચો દેખાડવા તેમની રાણીઓ, વિજેતા ઉઠાવી જતો !

આ પણ વાંચો : શિક્ષણ : બાળકોના ભવિષ્ય સામે ગંભીર સવાલો. ‘ઓનલાઇન શિક્ષણ’

સંસદમાં મહિલાઓને 50% સ્થાન આપવામાં આપણે સફળ થઈ શક્યા નથી; પરંતુ ગાળોમાં 100% સ્થાન મા-બહેનને આપી દીધું છે ! ગાળો આપનારા એ પણ જોતા નથી કે સામે પુરુષ છે કે મહિલા; વૃધ્ધ છે કે બાળક ! ગાળો આપવા પાછળનો હેતુ સામેની વ્યક્તિનું ખરાબ રીતે અપમાન કરવાનો હોય છે; નીચા દેખાડવાનો હોય છે. સ્ત્રી શરીરના યૌનઅંગો જ ગાળોનું કેન્દ્ર હોય છે. એટલા માટે યુધ્ધ અને સાંપ્રદાયિક દંગાઓમાં સૌથી પહેલા મહિલાઓને નિશાન બનાવવામાં આવે છે. મહિલાઓના ચારિત્ર્ય/યૌન અંગોને ઉદ્દેશીને ગાળો આપનારાઓને શરમ પણ હોતી નથી. કેટલાંક સાંસ્કૃતિક સંગઠનો/સાંસ્કૃતિક ‘સેના’ઓ ગાળો આપવાની ફરજ બજાવે છે ! સવાલ એ છે કે શું આવા લોકો સંસ્કૃતિના વાહક હોઈ શકે? ગાળો આપનારી ટ્રોલસેના ઊભી કરનાર; વિશ્વગુરુની વાત કરે તે કેટલું હાસ્યાસ્પદ કહેવાય?rs

Leave a Reply

%d bloggers like this: