નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનના વડાની નિમણૂંક શામાટે ચોંકાવનારી છે?

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર : NHRC-નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનના ચેરમેન તરીકે જસ્ટિસ અરુણ મિશ્રાની નિમણૂંક થતા ઊહાપોહ મચ્યો છે. સરકારે એમને ‘ઈનામ’ આપ્યું છે ! 71 બુધ્ધિજીવીઓ/માનવઅધિકાર કર્મશીલોએ વિરોધ કર્યો છે. તેમણે 2 જૂન 2021થી ત્રણ વર્ષ માટે હોદ્દો સંભાળી લીધો છે. આ હોદ્દો 6 મહિનાથી ખાલી હતો ! એક આંતરરાષ્ટ્રીય સ્તરની જ્યુડિશિયલ કોન્ફરન્સમાં તેમણે 22 ફેબ્રુઆરી 2020ના રોજ વડાપ્રધાનની પ્રશંસા (વાંચો; ચાપલૂસી) કરતા કહ્યું હતું કે ‘વડાપ્રધાન તો બહુમુખી પ્રતિભાના ધણી-versatile genius છે ! He thinks globally and acts locally !”

જસ્ટિસ મિશ્રા કોણ છે? તેમના ચૂકાદાથી જ ઓળખીએ : [1] ફેબ્રુઆરી 2019માં વન સંરક્ષણ અંગે PIL-Public interest litigation ની સુનાવણી દરમિયાન જસ્ટિસ મિશ્રાએ રાજ્યોને આદેશ કર્યો હતો કે “વન ક્ષેત્રોમાં રહેતા આદિવાસીઓને/વનવાસીઓને; જંગલમાં રહેતા હોવાનું ‘સાબિત’ ન કરી શકે તેમને તુરંત હાંકી કાઢવા ! દેશના લાખો વનવાસીઓ હેરાન થયા; રાજ્ય સરકારો તેમની પાછળ પડી. તેમના માટે જંગલની જમીન ઉપર પોતાનો દાવો સાબિત કરવો મુશ્કેલ હતો; કેમકે જુદા જુદા પુરાવાઓ માંગવામાં આવતા હતા. આદિવાસીઓએ દેશભરમાં વિરોધ કર્યો; પ્રદર્શનો કર્યા. કેન્દ્ર સરકારે, સુપ્રિમકોર્ટમાં આદેશ ઉપર સ્ટે માટે જવું પડ્યું ! [2] આંધ્ર અને તેલંગાણા સરકારની એક યોજના હતી કે આદિવાસી ક્ષેત્રોની શાળાઓમાં માત્ર આદિવાસી ટીચર જ રાખવા; જેથી આદિવાસી બાળકોને તેમના સાંસ્કૃતિક સંદર્ભમાં અને તેમની ભાષામાં શિક્ષણ મળે. આંધ્રપ્રદેશ હાઈકોર્ટે પણ આ યોજના માન્ય રાખી હતી. પરંતુ જસ્ટિસ મિશ્રાએ આ યોજના રદ કરી અને કહ્યું કે આ તો આદિવાસી માટે 100% અનામત છે ! આંધ્ર અને તેલંગાણા સરકારે રીવ્યુ પીટિશન દાખલ કરી છે. [3] Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013ની એક સુવ્યવસ્થિત વ્યાખ્યાને જસ્ટિસ મિશ્રાએ રદ કરી હતી. તેમણે સરકાર અને જમીન અધિગ્રહણ કરનારાઓની તરફેણ કરી હતી; ખેડૂતોની નહી. આ કાયદાથી એ સુનિશ્ચિત કર્યું છે કે જમીન ગુમાવનારાઓને અનિશ્ચિત સમય સુધી મુશ્કેલીઓ સહન ન કરવી પડે. કાયદાનું આ સારું પાસું છે; પરંતુ જસ્ટિસ મિશ્રાએ સરકારની તરફેણમાં વ્યાખ્યા કરી. સરકાર ગમે ત્યારે વળતર ચૂકવે; ગમે ત્યારે જમીન કબજે કરી શકે ! [4] જસ્ટિસ મિશ્રાની ખંડપીઠે, 2019 થી 2020 વચ્ચે અદાણીની તરફેણમાં 7 ચૂકાદાઓ આપ્યા હતા ! નિવૃત્તિના બે દિવસ પહેલા 31 ઓગસ્ટ 2020ના રોજ તેમણે અદાણી પાવરની તરફેણમાં છેલ્લો ચૂકાદો આપ્યો હતો. અદાણી પાવર કંપની સામે રૂપિયા 8000 કરોડ વળતર અને દંડનો કેસ હતો. જસ્ટિસ મિશ્રાએ રાજસ્થાન સરકારની દલીલ ગ્રાહ્ય રાખી ન હતી અને 8000 કરોડનો ભારે વીજવધારો જયપુર, જોધપુર અને અજમેર શહેરના વીજગ્રાહકો પર નાખવાનો ચૂકાદો આપ્યો હતો ! 2019માં જાણીતા એડવોકેટ દુષ્યંત દવેએ CJIને પત્ર લખ્યો હતો કે જસ્ટિસ મિશ્રા પાસે જ અદાણીના કેસોની સુનાવણી કેમ?

આ પણ વાંચો : મદદ લેનારની મનોદશા – હિતેશ યાદવ 

સવાલ એ છે કે લોકોને અન્યાય કરનાર હવે માનવ અધિકારનું કઈ રીતે રક્ષણ કરશે? તેમણે કાયદાનો ઉપયોગ સરકાર અને કોર્પોરેટ હાઉસની તરફેણમાં કર્યો છે. આદિવાસીઓ/દલિતો/બહુજન/નાના કિસાનોની તરફેણ કરી ન હતી. એમના ચૂકાદાઓમાં આમ લોકો માટે જગ્યા ન હતી. માનવઅધિકાર સંસ્થા-PUCL- પીપલ યુનિયન ફોર સિવિલ લિબર્ટિઝે કહ્યું હતું કે જસ્ટિસ મિશ્રાએ આદિવાસીઓના અધિકારોનું હનન કરતા ચૂકાદા આપ્યા છે. માનવઅધિકારો વિરુધ્ધ ચૂકાદાઓ માટે તેઓ કુખ્યાત છે. જાન્યુઆરી 2018 માં ન્યાયતંત્રના ઇતિહાસમાં એક અસાધારણ ઘટના બની. સુપ્રિમકોર્ટના ચાર જજોએ પ્રેસ કોન્ફરન્સ કરીને તત્કાલિન CJI દીપક મિશ્રા સામે મોરચો ખોલ્યો હતો. એ સમયે ચાર જજોએ કહ્યું હતું કે મહત્વના કેસ જુનિયર જજને સોંપવામાં આવે છે. આ જુનિયર જજ એટલે જસ્ટિસ અરુણ મિશ્રા ! તેમણે કોલેજિયમમાં પોતાના ભાઈ વિશાલ મિશ્રાને મધ્યપ્રદેશ હાઈકોર્ટ જજ બનાવેલ; તે પણ 45 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપીને ! સંવેદનશીલ કેસોમાં હંમેશા સરકાર તરફી ચૂકાદા આપ્યા; લોયા કેસ/સહારા બિરલા ભ્રષ્ટાચાર કેસ/સંજીવ ભટ્ટ કેસ/હરેન પંડ્યા કેસ/CBI આંતરિક સંઘર્ષ કેસ/ભીમાકોરગાંવ- આનંદ તેલતુમડે-ગૌતમ નૌલખા કેસ/વકીલ પ્રશાંત ભૂષણને એક રુપિયાનો દંડ વગેરે તેના ઉદાહરણો છે. ન્યાયિક ક્રૂરતાવાળા વ્યક્તિને NHRCના ચેરમેન બનાવવા એ તો બિલાડીને દૂધનું રખોપું સોંપવા બરાબર છે ! હવે એ સવાલ પૂછવાની જરુર નથી કે વડાપ્રધાને જસ્ટિસ અરુણ મિશ્રાની નિમણૂંક શામાટે કરી હશે?rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *