મિઝોરમ પોલીસે આસામના 6 પોલીસની હત્યા કેમ કરી? શું આ રીતે ભારત જોડાશે?

રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર : આપણો દેશ અલગ અલગ રાજ્યોનો બનેલો છે. દેશનું સંચાલન સમવાયતંત્ર મારફતે થાય છે. રાજ્યોમાં રાજ્ય સરકાર અને કેન્દ્રમાં કેન્દ્ર સરકાર હોય છે. તેમની સત્તાના વિષયો બંધારણમાં નક્કી કરેલા છે. કેન્દ્ર સરકારને જે વિષયોમાં સત્તા છે તેને માટે કેન્દ્ર-યાદી છે; જે વિષયોમાં રાજ્યોને સત્તા છે તેને રાજ્ય-યાદી કહે છે. જે વિષયોમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને સત્તા છે તેને સંયુક્ત-યાદી કહે છે. કેન્દ્રમાં જે પક્ષ સરકાર ચલાવે; તે પક્ષ રાજ્યમાં વિપક્ષ પણ હોય; જેમકે કેન્દ્ર સરકાર અને પશ્ચિમ બંગાળ. કેટલાંક રાજ્યોમાં એક જ પક્ષની સરકાર હોય; જેમકે મિઝોરમ અને આસામ

આ પણ વાંચો : શા માટે આપણે ચૂપ છીએ? સમર્થ લોકોને કાયદો લાગુ ન પડે?

26 જુલાઈ 2021ના રોજ આઝાદ ભારતમાં એક નિંદનીય/શરમજનક ઘટના પ્રથમ વખત બની. મિઝોરમ પોલીસે આસામ પોલીસના 6 જવાનો ઠાર કરી દીધા ! કારણ શું? સરહદની જમીનનો ઝઘડો ! એક દેશને બીજા દેશ સાથે જમીનનો ઝઘડો હોય અને યુધ્ધ થાય તે સમજી શકાય; પરંતુ એક જ દેશના બે રાજ્યો જમીન માટે ઝઘડે અને તેમાં 6 પોલીસ શહીદ થઈ જાય તે ચિંતાજનક ઘટના છે. બે દિવસ પહેલા 24 જુલાઈના રોજ કેન્દ્રીય ગૃહમંત્રીએ સીમા વિવાદ અંગે બન્ને રાજ્યો સાથે મીટીંગ યોજી હતી; છતાં બન્ને રાજ્યો ઝઘડ્યા ! આ ઘટના અંગે ગોદી મીડિયા ચૂપ છે; કેમકે મિઝોરમ અને આસામમાં સત્તાપક્ષની જ સરકાર છે ! ‘વન નેશન’ની વાત કરનાર આ રીતે ઝઘડે? આસામના CM કહે છે કે “અમે એક ઈંચ જમીન છોડીશું નહીં ! મિઝોરમ સાથે જોડાયેલ આસામની સીમા ઉપર 4000 કમાન્ડો તૈનાત કરીશું !” આસામના CM જાણે દુશ્મન દેશ/પાકિસ્તાન સાથે ઝઘડતા હોય તે રીતે વાત કરે છે ! મિઝોરમ કહે છે કે આસામ અમારી જમીનનો કબજો કરવા માંગે છે ! મિઝોરમની વસતિ 13 લાખ અને આસામની વસતિ 3.5 કરોડની છે. બન્ને રાજ્યોની સરહદ પર જંગલો છે. મિઝોરમ કહે છે કે બંગાળ ઈસ્ટર્ન ફ્રન્ટિયર રેગ્યુલેશન એક્ટ 1873 હેઠળ 1875ની અધિસૂચના મુજબ સીમાઓ નક્કી થવી જોઈએ. જ્યારે આસામ સરકાર 1933માં થયેલ સીમા વિભાજનને માને છે. જંગલની જમીન સાથે લોકો જોડાયેલ છે એટલે સૌ પ્રથમ લોકો વચ્ચે ઝઘડો થાય છે અને પછી બન્ને રાજ્યની સરકાર જોડાય છે. રાજકીય રીતે નકશા ઉપર સીમાઓ ખેંચાઈ ગઈ પરંતુ સ્થાનિક લોકો જંગલના હક્કો જતા કરવા તૈયાર નથી.

સવાલ એ છે કે કેન્દ્ર/મિઝોરમ/આસામ ત્રણેય જગ્યાએ એક જ પક્ષની સરકાર છે; છતાં સીમા વિવાદ કેમ શાંત થતો નથી? સૂઝ અને નિષ્ઠાનો અભાવ છે. ‘સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન’ની રચના કરી લોકોના આર્થિક હિતોની રખેવાળી નહીં થાય ત્યાં સુધી સંઘર્ષ બંધ થવાનો નથી. સત્તાપક્ષ/વડાપ્રધાનની ઊંઘ ઉડે તો પોલીસના જીવ બચે ! વડાપ્રધાન એક ઈંચ જમીન ચીનને આપીશું નહીં એવું ખોંખારીને બોલી શકતા નથી; પરંતુ પોતાના મુખ્યમંત્રી એક ઈંચ જમીન આપીશું નહીં તેવું રાજ્યના લોકોને ગેરમાર્ગે દોરવા કહે છે; તેને અટકાવી શકતા નથી ! વડાપ્રધાન કહે છે કે ‘ભારત જોડો.’ શું આ રીતે ભારત જોડાશે? શું આ રીતે ‘વન ઈન્ડિયા’ બનશે?rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *