મહિલાઓ વધુ અંધશ્રદ્ધાળુ કેમ હોય છે?

રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર : એક શિક્ષિકા બહેન કહે છે : “પુરુષોમાં અંધશ્રદ્ધા વિશે ખૂબ જાગૃતતા આવી છે. પણ સ્ત્રીઓમાં ભાગ્યે જ જોવા મળે છે. એનું શું કારણ? હું લગભગ છેલ્લા 15 વર્ષથી સ્ત્રીઓ, દીકરીઓમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરું છું. પરંતુ જોઈએ તેવું પરિણામ મળતું નથી. શિક્ષણ થકી જ પરિવર્તન લાવવા હું માગુ છું. પરંતુ ઘરે જાય એટલે વડીલોની આજ્ઞાનું પાલન. અને ફરી ધીમે ધીમે આદત. મમ્મીઓ જ વધારે દીકરીઓને વારસામાં અંધશ્રદ્ધા આપે છે !” બીજા ફેસબૂક મિત્ર કહે છે : “હું રેશનલ છું. પરંતુ મારા પત્ની માતાજી વગેરેમાં માને છે. મને એક વખત પથરીના કારણે ભયંકર દુખાવો ઉપડ્યો. પત્ની કહે ‘માતાજીની માનતા માનું છું.’ મેં કહ્યું કે ‘હું 10 મિનિટ આપું છું. માનતાથી દુખાવો દૂર થઈ જાય તો માનતા પાછળ 1 લાખનો ખર્ચ કરીશ.’ પત્ની કંઈ ન બોલી. તાત્કાલિક હોસ્પિટલે પહોંચ્યો અને પથરી દૂર કરાવી.”

સવાલ એ છે કે મહિલાઓ વધુ અંધશ્રદ્ધાળુ કેમ હોય છે? તે અંધશ્રદ્ધામાંથી બહાર કેમ નીકળતી નથી? [1] ભારતમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓને અભ્યાસની તક ઓછી મળે છે. ચર્ચા-સંવાદની તક ઓછી મળે છે. કેટલીક મહિલાઓ રેશનલ હોય છે; પરંતુ પતિ તથા ઘરના વડિલો અંધશ્રદ્ધાળુ હોવાથી સાથે જોડાઈ જાય છે. [2] મહિલાઓ સ્વતંત્ર ન રહે તેવી પુરુષવાદી વિચારધારાવાળા ધર્મગ્રંથોએ મહિલાને ગુલામ બનાવી; ગુલામીનું બીજ માતા પોતાના બાળકોમાં રોપે છે; જે આગળ જતા તર્કવાદી બનવાને બદલે અંધશ્રદ્ધાળુ બની ધર્મગુરુઓમાં પોતાનો ઉદ્ધાર શોધે છે ! ષડયંત્ર એ છે કે કોઈને ગુલામ બનાવવા હોય તો તેને ધાર્મિક બનાવી દો; શિક્ષણ છીનવી લો અને શ્રધ્ધાજડતામાં ધકેલી દો. [3] મહિલાઓ વધુ ડરે છે. મોક્ષની લાલચ અને નરકના ડરના કારણે પૂજાપાઠ/વ્રતકથાઓ/જાગરણ/ઉપવાસ /આખ્યાન/કથાશ્રવણ વધુ કરે છે. કોર્પોરેટ કથામાં ભીડ જોતાં જ અભિભૂત થઈ જાય છે; સામૂહિક સંમોહનની અસર વધુ થાય છે.[4] મહિલાઓને અંધશ્રદ્ધાળુ બનાવે તેવી ધર્મકથાઓના સર્જક પુરુષો છે. તેમને એ હદે અંધશ્રદ્ધાળુ બનાવી દીધી છે કે તે પોતાના પતિનું નહીં માને; પણ ધર્મકથાઓનું માનશે; ધર્મગુરુનું માનશે ! સત્યનારાયણની કથાની લીલાવતી અને કલાવતી માફક મોટા ભાગની મહિલાઓ અંધશ્રદ્ધાળુ હોય છે; મહિલાઓ માને છે કે કથાશ્રવણ અને પ્રસાદ ગ્રહણ કરવાથી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે ! [5] મહિલાઓ ટીવીમાં/અખબારોમાં/મહિલા સામયિકોમાં જ્યોતિષ/ગ્રહ/ચમત્કાર/મૂઠચોટ/સંતાનપ્રાપ્તિ/ધનપ્રાપ્તિ વગેરેની જાહેરખબરો વાંચે છે, જૂએ છે. તેના કારણે ગેરમાર્ગે દોરાય છે, અંધશ્રદ્ધાળુ બને છે. વારસામાં મળેલી શ્રધ્ધાજડતા વધુ મજબૂત બને છે. એમાંથી આશારામ અને નારાયણ સાંઈ પેદા થાય છે ! જે ધર્મગુરુઓ/સ્વામિઓ/બાવાઓ/બાપૂઓ જેલમાં હોવા જોઈએ; તેમના પગનો જળાભિષેક કરીને ચરણામૃત લેતા શરમ પણ આવતી નથી !

આ પણ વાંચો : મીડીયા હેડલાઇન – માઈન્ડ સેટીંગ – મિતાલી સમોવા

મોટાભાગની મહિલાઓ રોબોટિક જીવન જીવે છે. કાલે ભોજનમાં શું બનાવવાનું છે? કપડા ક્યારે ધોવાના છે? બજારમાં ક્યારે જવાનું છે?વગેરે અનેક કામો રાહ જોતા હોય છે. બાળકોના પાલન પોષણની જવાબદારી હોય છે; પરિણામે મહિલાઓની વિચાર કરવાની શક્તિ ઘટતી જાય છે અને શ્રદ્ધા પાછળ દોરવાય છે. એક પ્રકારનું રોબોટિક જીવન જીવવા લાગે છે; જેનો તેને ખ્યાલ પણ હોતો નથી ! પછાત દેશોમાં, મહિલાઓમાં અંધશ્રદ્ધા વધુ હોય છે; લોકો ભાગ્યવાદી હોય છે. આગલા જન્મના કારણે ગરીબાઈ/શોષણ/અન્યાય/ભેદભાવ છે; તેમ લોકો શ્રદ્ધાપૂર્વક માને છે. પછાત સમાજમાં મહિલાઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે; પેટનો ખાડો પૂરવાની ચિંતામાં બીજું કંઈ વિચારી શકતી નથી. એટલે ઈશ્વર/માતાજીની કલ્પના મહિલાઓને ક્ષણિક સુખ આપે છે. મહિલાઓ આવું ક્ષણિક સુખ ઝંખતી હોય છે. સંસ્કૃતિ/પરંપરા/આદર્શ/રીતરિવાજની બેડીઓથી મહિલાઓને જકડી રાખવામાં આવે છે. અમુક કિસ્સાઓમાં મહિલાઓ આ બેડી તોડી નાખવા ઈચ્છે છે; પરંતુ પુરુષો બેડીઓનું મહત્વ સમજાવે છે ! આનો ઉકેલ શું? શાળાના અભ્યાસક્ર્મમાં વૈજ્ઞાનિક અભિગમ/વિવેકબુદ્ધિ પ્રગટાવે તેવી જોગવાઈ હોય તો આ બેડીઓ તૂટી જાય ! પુષ્પક વિમાન અને ન્યૂટન એક સાથે ભણાવી શકાય નહીં !rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *