શા માટે આપણે ચૂપ છીએ? સમર્થ લોકોને કાયદો લાગુ ન પડે?

રમેશ સવાણી, ભૂતપૂર્વ આઈ.પી.એસ ઓફીસર : કોરોનાની બીજી લહેર વેળાએ વડોદરાની ખાનગી હોસ્પિટલના ડોક્ટર મિતેશ ઠક્કર પાસેથી 88 રેમડેસિવિર ઈન્જેક્શન મળી આવતા પોલીસે તેમને એરેસ્ટ કરી જેલમાં પૂરેલ. ડો. મિતેશ જામીન પર છૂટતાં તેને ‘પાસા’ હેઠળ 104 દિવસ સુધી જેલમાં પૂરેલ.

સવાલ એ છે કે 88 રેમડેસિવિર ઈન્જેક્શન ખરીદનાર ડોક્ટર અસામાજિક તત્વ કહેવાય તો 5000 રેમડેસિવિર ઈન્જેક્શન ખરીદનાર સત્તાપક્ષના પ્રમુખ ‘મહા અસામાજિક તત્વ’ કહેવાય કે નહીં? તો તેમની સામે પોલીસે/સરકારે કેમ કોઈ કાર્યવાહી ન કરી? શું કાયદો બધા માટે સરખો નથી? શું પોલીસ/કાયદો સત્તાપક્ષ સામે લાચાર બની જાય છે? ગુજરાત હાઈકોર્ટે 30 જુલાઈ 2021ના રોજ સરકારને પૂછ્યું કે “ડોક્ટર તરીકે તેમણે દર્દીને રેમડેસિવિર ઈન્જેક્શન આપવાના હતા કે નહીં? ડોક્ટરે પોતાના દર્દીઓ માટે રેમડેસિવિર ઈન્જેક્શન ખરીદ્યા તેમાં ખોટું શું છે? મેજિસ્ટ્રેટે ડોક્ટરને જામીન ઉપર છોડી મૂકયા તો પોલીસે તેને પાસા હેઠળ તરત જ કેમ પકડી લીધા? દર્દીઓને ડિસ્ચાર્જ કરવાનો મોકો પણ ડોક્ટરને ન આપ્યો? જે ડોક્ટરે 3000 કોરોના દર્દીઓને સાજા કર્યા તેની સાથે આવો વ્યવહાર?”

આ પણ વાંચો : પેગાસસ વિવાદમાં આવતાં સપ્તાહે સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ તૈયાર હોવાનો અહેવાલ

ડોક્ટર પોતાના પ્રોફેશન માટે/પોતાના દર્દીઓ માટે 88 રેમડેસિવિર ઈન્જેક્શન રાખે તો ભયંકર ગુનો બને; પરંતુ સત્તાપક્ષના પ્રમુખ પોતે ડોક્ટર ન હોવા છતાં 5000 રેમડેસિવિર ઈન્જેક્શન ખરીદીને પોતાની પાસે રાખે તો અતિ પુણ્ય કર્મ કહેવાય ! પોલીસ/સરકાર મનસ્વી રીતે સત્તાનો દુરુપયોગ કરે છે; તેનું આ ઉદાહરણ છે ! આવું કેમ થાય છે? જે પક્ષ 107 ગુના કરનારને પ્રદેશ પ્રમુખ બનાવે; તડીપારને તથા ‘દેશ કે ગદ્દારો કો, ગોલી મારો સાલો કો’ એવું જાહેરમાં ઝેર ઓકનારને મિનિસ્ટર બનાવે; તેમની પાસેથી કાયદાના રક્ષણની અપેક્ષા રાખી શકાય? જ્યારે સમાજ અને ‘ધાર્મિક ધામો’ આવા ખરડાયેલ નેતાઓની રજતતુલા કરે ત્યારે અન્યાય કરવા/કાયદાનો ભંગ કરવા માટે તેમને પ્રોત્સાહન મળે કે નહીં? શામાટે આપણે ચૂપ છીએ? શક્તિશાળીને કોઈ દોષ નથી દેતું ! ન્યાય, નીતિ સહુ ગરીબને; મોટાને સહુ માફ?rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *