રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાલ ઉપર કેમ છે?

રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર : ગુજરાતમાં કોરોનાની બીજી લહેર વેળાએ રેસિડેન્ટ ડોક્ટર્સ સમક્ષ ‘કેસરી ગાજર’ લટકાવેલ કે 1 દિવસની ડ્યુટી માટે 2 દિવસની તમારી ફરજ ગણાશે ! એટલે કે એક દિવસ ફરજ બજાવો એટલે ‘બોન્ડ મુક્તિ’માંથી 2 દિવસ બાદ મળશે ! આ એવા ડોક્ટર્સ છે જેમણે કોરોના સમયે પોતાના સ્વજનો ગુમાવ્યા છતાં પોતાની ડ્યુટી છોડી ન હતી ! હવે સરકાર ફરી ગઈ છે કે 1 દિવસની કોરોના ડ્યુટી માટે 2 દિવસની બોન્ડ મુક્તિ નહીં મળે ! ડોક્ટર્સ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને તેમના સચિવને 3 ઓગષ્ટ 2021ના રોજ મળવા ગયા ત્યારે ડોક્ટર્સને જવાબ મળ્યો કે ‘તમે કોવિડમાં શું કામ કર્યું છે?’ ડોક્ટર્સને લાગ્યું કે આ તો દાઝ્યા ઉપર ડામ દીધો ! એટલે સરકારી મેડિકલ કોલેજના 4000 રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ ઉપર છે; ડોક્ટર્સનું કહેવું છે કે અમે ભીખ નથી માંગતા, હક્ક માંગીએ છીએ !

Doctor strike

સરકારે આ ડોક્ટર્સનું ‘કોરોના વોરિયર’ તરીકે સન્માન કર્યું હતું ! રેસિડેન્ટ ડોક્ટર એટલે MBBS થયા બાદ જે પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા હોય અને સાથે સાથે મેડિકલ ડ્યુટી પણ કરતા હોય. ટૂંકમાં જુનિયર તબીબ. હડતાળના કારણે રેસિડેન્ટ ડોક્ટરને હોસ્ટેલ ખાલી કરાવવા સરકારે કહ્યું છે. ડોક્ટર્સ માટે ‘બોન્ડ’ એટલે? મેડિકલ કોલેજમાં એડમિશન વેળાએ શરત હોય છે કે ‘MBBS થયા બાદ એક વરસ સુધી ગ્રામ્ય કક્ષાએ ડોક્ટરે ડ્યુટી કરવી પડશે અને જો આવી ડ્યુટી ન કરવી હોય તો સરકારમાં 10 લાખ રુપિયા જમા કરાવવાના રહેશે.’ ડોક્ટર્સનું કહેવું છે કે 1ની સામે 2 દિવસની ગણતરી કરી બોન્ડમાંથી મુક્તિ આપવાનું વચન આપેલ તેનો અમલ સરકાર કેમ કરતી નથી? ‘બોન્ડ’ના નામે ડોક્ટર્સને હેરાન કરીને સરકાર સારું પરિણામ મેળવી શકશે?

એક ડોક્ટરને તૈયાર કરતા સરકારને 47 લાખ રુપિયાનો ખર્ચ થાય છે. ડોક્ટર તૈયાર થાય પછી તેઓ મોટા શહેરોમાં જ ફરજ બજાવવા રાજી હોય છે; કોઈ ગ્રામ્ય કક્ષાએ ફરજ બજાવવા રાજી હોતા નથી. મોટો સવાલ એ છે કે શામાટે ડોક્ટર ગ્રામ્ય/તાલુકા કક્ષાએ ફરજ બજાવવા તૈયાર થતાં નથી? [1] ગ્રામ્ય/તાલુકા કક્ષાએ જે સરકારી આરોગ્ય કેન્દ્રો છે ત્યાં MD/MS ડોક્ટરને મૂકવામાં આવે છે; પરંતુ પોતાની વિશેષ યોગ્યતા મુજબના ત્યાં પૂરતા સાધનો હોતા નથી ! [2] ગ્રામ્ય/તાલુકા કક્ષાએ સલામતીનો પ્રશ્ન મૂંઝવે છે; સામંતી તત્વો/ માથાભારે તત્વો/ સત્તાપક્ષના નેતાઓની દાદાગીરી સહન કરવી પડે છે. સરકાર ગ્રામ્ય/તાલુકા કક્ષાએ સલામતીનું વાતાવરણ ઊભું કરી શકી નથી. [3] મોટા શહેરોમાં બાળકોના શિક્ષણ માટે જે સુવિધાઓ મળે છે, તેવી સુવિધાઓ ગ્રામ્ય/તાલુકા કક્ષાએ મળતી નથી. આ ત્રણ મુખ્ય મુદ્દાઓ છે, જેના કારણે ડોક્ટર્સ ગ્રામ્ય/તાલુકા કક્ષાએ જવા તૈયાર નથી. શું સરકારે આત્મમંથન કરવાની જરુર નથી?rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *