લૂંટ/ધાડના ગુનાઓ અટકાવવા પોલીસે/ લોકોએ શું કરવું જોઈએ?

રમેશ સવાણી ( નિવૃત્ત આઈપીએસ અધિકારી) : પોલીસ સામાન્ય રીતે લૂંટ/ધાડના ગુનાઓ શોધી શકતી નથી. અમરેલી જિલ્લાના લીલીયા પોલીસ સ્ટેશન તાબાના નાના રાજકોટ ગામમાં 12/13 સપ્ટેમ્બર 2022ની રાત્રે ત્રણ લૂંટારુઓ લક્ષ્મણભાઈ વાડદોરિયા (72)ના ઘર પર ત્રાટક્યા. લક્ષ્મણભાઈના માથામાં ધોકા મારી તેમની હત્યા કરી. તેમના પત્ની નબુબેન (68)ને માથામાં ધોકા મારી ગંભીર ઈજા પહોંચાડી. ઘરમાંથી 10,000 રુપિયા અને મોટરસાયકલની લૂંટ કરી નાસી ગયેલ. પોલીસે આ ઘટનાનો ગુનો રાત્રે 20:05 વાગ્યે નોંધ્યો હતો. લક્ષ્મણભાઈના બે દિકરા છે તે સુરત રહે છે. સૌરાષ્ટ્રમાં સીનિયર સિટિઝન એકલા રહેતા હોય તેમને લૂંટારુઓ ટાર્ગેટ કરે છે. અગાઉ 8/9 એપ્રિલ 2014ના રોજ, ગઢડા તાલુકાના પ્રહલાદગઢમાં રાત્રે લૂંટારુંઓએ વૃધ્ધ પતિ-પત્નીની હત્યાઓ કરેલ; જે ગુનો હજુ શોધી શકાયો નથી. આ પ્રકારના અનેક ગુનાઓ અનડીટેક્ટ છે. તેથી લોકોમાં પોલીસની ઈમેજ ખરડાય છે. 

લૂંટ/ધાડની ઘટનાઓ રોકવા માટે પોલીસે શું કરવું જોઈએ? :

[1] છેલ્લા 5 વરસમાં જ્યાં જ્યાં ધાડ/લૂંટના બનાવો બન્યા હોય તે વિસ્તારમાં પેટ્રોલિંગ કરવું. ગુનાનો સમય/સ્થળ/મોડસ ઓપરેન્ડી આઈડેન્ટિફાઈ કરીને એક્શન પ્લાન ઘડવો. [2] બે તબક્કામાં એટલે કે 19.00 થી 23.00 તથા રાત્રિના 1.00 થી 5.00 સુધી પેટ્રોલિંગ/વાહન ચેકિંગ/નાકાબંધીની કામગીરી કરવી. [3] ખાનગી વાહનમાં/ખાનગી કપડામાં વોચમાં રહેવું. વાહન બગડેલ છે તેવો દેખાવ કરી ટ્રેપ કરવી. [4] 20-30 વરસના પુરુષો 4 કે તેથી વધુ સંખ્યામાં વાહનમાં હોય/રેલ્વે ટ્રેક પર ફરતા હોય/ કેનાલ રુટ પર હોય/ કોઈ જગ્યાએ બેઠેલા હોય તો તેને ચેક કરવા. [5] ધાડ/લૂંટના ગુનામાં સક્રિય હોય તેવા ઈસમોનું ‘ટોપ ટેન’ કેટેગરી મુજબ લિસ્ટ તૈયાર કરવું. લૂંટ/ધાડનો મુદ્દામાલ લેનાર રિસીવર ઉપર વોચ રાખવી. [6] નંબર પ્લેટ વગરના વાહન ચાલકોને ચેક કરવા. [7] જીપના બોનેટ ઉપર માતાજીની ધજા હોય અને જીપમાં એક સરખી ઉંમરના યુવાનો હોય; એકાદ મહિલા હોય તો ચેક કરવા. તે ગેંગ હોઈ શકે. [8] શકદારોની વીડિયોગ્રાફી કરાવવી. [9] લૂંટ/ધાડના ગુનામાં સંડોવાયેલ જેલમાંથી છૂટેલ હોય તેમને ચેક કરવા. તે વકીલનો ખર્ચ કાઢવા ફરી ગુનો કરતા હોય છે. [10] ગુનાની ત્વરિત જાણ થાય તેવી વ્યવસ્થા કરવી. જાણ થાય કે તરત જ નાકાબંધી કરવી. શહેર વિસ્તારમાં આ કામ જલ્દી થાય છે. [11] લૂંટારુ/ધાડપાડુંઓને લોકો પીછો કરીને પકડે તો તેમનું જાહેર સન્માન કરવું. આમ થશે તો લોકો પોલીસને મદદ કરવા હિમ્મત કરશે.

લૂંટ/ધાડની ઘટનાઓ અટકાવવા લોકોએ શું કરવું જોઈએ :

[1] લૂંટ/ધાડની ઘટનાઓ જ્યાં મિલકત હોય ત્યાં બને છે. ગામડામાં લોકફાળાથી/ સહકારી મંડળી દ્વારા ગામની એન્ટ્રીઓને આવરી લે તે રીતે CCTV કેમેરાની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી. લૂંટારાઓ જે ઈજા કરે છે તેની સારવારનો ખર્ચ જ લાખો રુપિયા થાય છે. એટલે અટકાયતી પગલાં તરીકે લોકો; લોકભાગીદારી વડે આવા ગુનાઓ અટકાવવા પહેલ કરવી પડે. [2] ઓસરીને ગ્રીલથી કવર કરવી. બાથરુમની વ્યવસ્થા રુમમાં કે ઓસરીમાં કરવી; જેથી રાત્રિ દરમિયાન ગ્રીલ ખોલીને બહાર જવાની જરુર ન પડે. [3] ગામમાં/સોસાયટીમાં ‘સેવાદળ’ની રચના કરવી. રાત્રિફેરી કરવી. સેવાદળના સભ્યો માટે લાકડી/બેટરી/વ્હિસલની વ્યવસ્થા સહકારી મંડળી દ્વારા કરવી. પોલીસનું મહેકમ ક્રાઈમ/વસ્તીના પ્રમાણમાં ઘણું ઓછું છે. 2002થી પોલીસ પોતાની મૂળભૂત કામગીરી કરી શકતી નથી; કેમકે VIP બંદોબસ્ત તથા સરકારી કાર્યક્રમોના બંદોબસ્તમાંથી પોલીસ નવરી પડતી નથી. લોકોની સુરક્ષા બાબતે ‘સત્તા’ બેજવાબદાર હોય છે. એટલે લોકોએ જ જાગૃત બની પોતાની સુરક્ષા માટે પગલાં ભરવા પડે. [4] ગામમાં/સોસાયટીમાં આવક કરતા વધુ ખર્ચ કરતા ઈસમો ગુનેગાર હોઈ શકે છે, શકદાર ઈસમોની માહિતી પોલીસને આપો; કેમકે પોલીસ પાસે A-રોલ/B-રોલ ભરવાનો સમય નથી ! [5] લૂંટ/ધાડ/ઘરફોડના ગુનાઓમાં બનાવવાળી જગ્યા ઉપરથી ગુનેગારોની ફિન્ગર પ્રિન્ટ મળી શકે. ડોગને સ્મેલ અપાવી શકાય તે માટે ગુનાવાળી જગ્યાને જેમની તેમ રહેવા દેવી.

લૂંટ/ધાડના ગુનાઓ અટકાવવા પોલીસ અને લોકો જાગૃત બને તો અનેકના જીવ બચી જાય !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *