લેખકે શું લખવું જોઈએ? કોના માટે લખવું જોઈએ?

રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર : કેટલાંક ગુજરાતી લેખકો સત્તાપક્ષની વાહવાહી કરતા થાકતા નથી અને વિપક્ષની આલોચના કરવામાં પાછી પાની કરતા નથી. સત્તાપક્ષના નેતાને ‘દિવ્ય અવતારી’ માની; પૂછે છે કે અવતારી પુરુષનો વિકલ્પ હોય તો બતાવો ! લેખક જ્યારે કોઈની ભક્તિ કરવા લાગે; ત્યારે તેમના અવગુણોમાં પણ તેમને ગુણ દેખાવા લાગે છે ! ‘શબવાહિની ગંગા’ કવિતાના કારણે ભક્ત લેખકોને પેટમાં અતિ દુખાવો ઉપડ્યો છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ તો નામ લખ્યા વિના તોપમારો પણ કરી નાખ્યો ! એક ભક્ત લેખકે કહ્યું કે ‘શબવાહિની ગંગા’ કવિતા તો ઉઠાંતરી છે ! સત્તા સામે લખો; રાજા સામે લખો એટલે ભક્ત લેખકો જાતજાતની દલીલો સાથે ધૂણવા લાગે છે. એમનો મુખ્ય વાંધો જ એ હોય છે કે રાજાની સામે લખ્યું જ કેમ? કવિયત્રી પારુલ ખખ્ખરનો પ્રહાર જૂઓ :

“ભલે હો પીડ પારાવાર,
તારે બોલવાનું નહીં;
કરે હૈયું ભલે ચિત્કાર,
તારે બોલવાનું નહીં !”

રાજાએ નોટબંધી કરી ત્યારે જે બાંહેધરીઓ આપેલી તે પૈકી કોઈ એકનું પરિણામ ન મળ્યું; ઉલટાના વિપરિત પરિણામો મળ્યા છતાં ભક્ત લેખકો એ બાબતે ચૂપ છે. પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે તત્કાલિન PM મનમોહનસિંહની તીખી ભાષામાં આલોચના કરતા લેખકો હવે વિકાસ માટે ભાવવધારો આવશ્યક હોવાનું કહે છે ! ચીન સામે લાલ આંખ કરવાનું કહેતા લેખકો; ચીની સૈનિકોએ ભારતના 20 સૈનિકોને શહીદ કર્યા છતાં ચૂપ છે ! કોરોનાની બીજી લહેરમાં લોકો ગામડે ગામડે મર્યા; ICU બેડ/ઓક્સિજન/દવાઓ/વેન્ટિલેટરના અભાવે મર્યા છતાં ભક્ત લેખકો દલીલ કરે છે કે આપણા ઘેર 10 મહેમાનને બદલે 150 મહેમાન આવી ચડે તો અરાજકતા સર્જાય કે નહીં? ભક્ત લેખકોનું કામ જ રાજા નાગો ન દેખાય તે જોવાનું હોય છે ! કાર્ટૂનિસ્ટ આલોક રાજાને દિગમ્બર કરે છે : “ગરીબ પાસે ઘર નથી. ફૂડ નથી. બેરોજગારોને વેતન નથી. એમ્બ્યુલન્સ નથી. હોસ્પિટલમાં બેડ નથી; પરંતુ રાજા કહે છે અમે નવું પાર્લમેન્ટ બાંધી રહ્યા છીએ !”

દિલ્હીની બોર્ડર ઉપર 6 મહિના કરતા વધુ સમયથી કિસાન આંદોલન શાંતિપૂર્વક ચાલી રહ્યું છે. સત્તાપક્ષ અદાણી/અંબાણીના કારણે ત્રણ કૃષિ કાનૂન પરત ખેંચવા તૈયાર નથી. ભક્ત લેખકો કિસાનોને વિલન ચિતરે છે. લક્ષદ્વિપને બચાવવાનું આંદોલન ચાલે છે. સરકાર સામે અવાજ ઊઠાવે તેને અર્બન નક્સલ કહીને જેલમાં પૂરવામાં આવે છે. સાચા લેખકો જેલમાં છે અને જૂઠા લેખકો, જૂઠા રાજાને ‘દિવ્ય પુરુષ’ ચીતરી રહ્યા છે ! સવાલ એ છે કે લેખકે શું લખવું જોઈએ? કોના માટે લખવું જોઈએ? જવાબ છે લેખકે લોકહિતમાં લખવું જોઈએ; લોકોની સંવેદનાઓ/સમસ્યાઓ/મુશ્કેલીઓ/હાડમારીઓ અંગે લખવું જોઈએ; લોકો માટે લખવું જોઈએ; રાજા માટે નહીં. રાજા માટે લખવાનું કામ માહિતી ખાતું કરે છે. જે સાહિત્યમાં લોકોની આશા/અપેક્ષા/લાગણીઓ/સંવેદનાઓ/મનોવ્યથાનો પડઘો ન પડે તેને સાહિત્ય કહી શકાય નહીં. લેખક સામંતી મૂલ્યોનો રખેવાળ હોઈ શકે નહીં; વર્ણવ્યવસ્થાનો કે અવતારવાદનો સમર્થક હોઈ શકે નહી; મહિલા દ્વેષી-misogynist હોઈ શકે નહીં. તે પરલોકવાદી નહીં, ‘આલોકવાદી’ હોય, પ્રગતિશીલ હોય. માનવ મૂલ્યો/બંધારણીય મૂલ્યો/સમાનતા-સ્વતંત્રતા-બંધુતાના વિરોધીઓ ઉપર ચાબખા ફટકારે તે સાચો લેખક. લેખકો/કવિઓનું કામ થાક્યા વિના લોકોનો અવાજ બુલંદ કરવાનું છે.rs

Leave a Reply

%d bloggers like this: