બાધા એટલે શું? એનાથી ફળ મળે?

રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર : કેટલાંક યુવાનો બાધા રાખે છે કે જ્યાં સુધી હું IAS/IPS ન બનું ત્યાં સુધી મીઠાઈ ખાઈશ નહીં ! બાધા એટલે સંકલ્પ. કંઈક પ્રાપ્ત કરવા સંકલ્પ કરવો જરુરી છે. પરંતુ માત્ર સંકલ્પ કરીને બેસી રહેવાથી ફળ મળતું નથી. આપણી મોટાભાગની બાધાઓમાં અંધવિશ્વાસ હોય છે. દીકરા/દીકરીને બિમારી જતી રહેશે તો હું હનુમાનજીને શ્રીફળ ધરાવીશ ! પરીક્ષામાં પાસ થઈ જઈશ તો ફલાણા-ઢીંકણા મંદિરે આળોટતા આળોટતા જઈને ધજા ચડાવીશ ! આવી બાધાઓ શુધ્ધ અંધશ્રદ્ધા/વહેમ જ કહેવાય.

પ્રશ્ન એ છે કે માનતા/બાઘા રાખવાથી દેવ-દેવીઓની કૃપા થાય? પરિણામ મળે? ધારેલું કામ થાય? માનતા/બાધાથી અસાધ્ય રોગ મટાડી શકાય? બાધા રાખવાથી કોઈનું મકાન તૂટી જાય અને ત્યાં આપણો બંગલો બની જાય? બાધા રાખવાથી કોઈ ચમત્કાર થાય? દેવ-દેવીઓ કે પીરની માનતા રાખવાથી કામ થઈ જાય? બાધાથી સંતાનપ્રાપ્તિ થાય? બાધાથી મનગમતું પાત્ર મળે? ના, ના અને ના. બાઘાથી ભ્રામક શાંતિ મળે; અને મોટાભાગે બાધાથી નુકશાન વેઠવું પડે. બાધાને કારણે સાચા પ્રયત્નો કરવાથી આપણે દૂર રહીએ છીએ. બિમારી બાધાથી ન જાય; ડોક્ટર પાસે સારવાર કરાવવી પડે ! જ્યાં માનતા/બાધા હોય ત્યાં વિવેકની ગેરહાજરી હોય જ. માનતા/બાધામાં અભણ/અબુધ/અજ્ઞાની/વહેમી/મૂરખ લોકો માને છે એવું નથી; પરંતુ ભણેલા/શિક્ષિત/જજ/ડોક્ટર/IAS/IPS/કુલપતિ/પ્રાધ્યાપકો/શિક્ષકો વગેરે પણ માને છે. આવી માનસિકતાને કારણે સમાજમાં એક પરોપજીવી વર્ગ અસ્તિત્વમાં આવ્યો છે; જે લોકોને અંધશ્રદ્ધામાં ડૂબેલા રાખી; પોતાનો રોટલો રળે છે !

બાધા

ક્યારેક તો આપણને તમ્મર ચડી જાય તેવી બાધાઓ જોવા મળે છે. ગુજરાતમાં એજ્યુકેશન મિનિસ્ટરે 30 વર્ષ પહેલાં બાધા લીધેલી કે અયોધ્યામાં રામમંદિર ન બને ત્યાં સુધી મીઠાઈ નહીં ખાઉં ! હવે આવી માનસિકતા હોય ત્યાં શિક્ષણની દશા કેવી થાય તેની કલ્પના કરી શકો છો. બંધારણના આર્ટિકલ-51 A [h] મુજબ વૈજ્ઞાનિક/રેશનલ મિજાજ કેળવવાની આપણી ફરજ છે. પરંતુ જ્યાં એજ્યુકેશન મિનિસ્ટર જ બાધા-આખડીમાં માનતા હોય ત્યાં વિદ્યાર્થીઓ અંધશ્રધ્ધાળુઓ જ બને ! નાગરિકો એટલાં આસ્થાવાન બની ગયા છે કે કોઈ મિનિસ્ટર બાધાની વાત કરે તો કોઈને અજુગતું પણ લાગતું નથી ! જ્યાં મિનિસ્ટર આવા હોય ત્યાં શિક્ષકો પણ અંધશ્રદ્ધાળુઓ હોવાના ! શિક્ષક મંડળે તો ઠરાવ કરેલો કે પગાર વધારો થાય તો દ્વારકા જઈને ધજા ચડાવીશું !rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *