વડાપ્રધાન પોતે જ સ્વચ્છ છાપવાળા CBI ચીફને હેરાન કરે તો?

રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર : આપણે ઈચ્છીએ છીએ કે સરકાર ભ્રષ્ટાચાર ખતમ કરે; પરંતુ સરકાર પોતે જ ભ્રષ્ટાચારને સાથ આપે તો કોને ફરિયાદ કરવી? ચિંગારી કોઈ ભડકે, તો સાવન ઉસે બૂઝાયે; સાવન જો અગન લગાએ, ઉસે કૌન બૂઝાયે? પેગાસસ જાસૂસી કૌભાંડમાં એ બાબત બહાર આવી છે કે સરકારે સ્વચ્છ ઈમેજવાળા CBI ચીફને મધરાતે રજા ઉપર ઉતરી જવાનો આદેશ આપી; તેમની જાસૂસી કરી હતી ! ‘વાયર’ વેબ પોર્ટલના સિધ્ધાર્થ વરદરાજને આ અંગે 23 જુલાઈ 2021ના રોજ સ્પષ્ટતા કરી છે.

23 ઓક્ટોબર 2018ની મધરાતે સરકારે/વડાપ્રધાને તત્કાલિન CBI ચીફ આલોક વર્મા તથા સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને રજા ઉપર ઉતરી જવા આદેશ કર્યો હતો. થોડા કલાકો બાદ પેગાસસ સ્પાય સોફ્ટવેરના માધ્યમથી ભારતની એજન્સીએ આલોક વર્માના ફોન નંબર સંભાવિત ટાર્ગેટ સૂચિમાં મૂકી દીધા હતા. સરકાર કહે છે કે અમે જાસૂસી કરાવી નથી; તે તદ્દન જૂઠ છે. આ જાસૂસી કાયદેસર ‘ઈન્ટરસેપ્શન’ મારફતે ન્હોતી થઈ; પરંતુ કાયદાઓનો ભંગ કરીને સ્પાયવેર મારફતે થઈ હતી. માત્ર આલોક વર્મા નહીં, તેમની પત્ની, દીકરી અને જમાઈ સહિત તેમના પરિવારના 8 સભ્યોના ફોન નંબર આ સૂચિમાં સામેલ કર્યા હતા ! બે દિવસ પહેલા 21 ઓક્ટોબર 2018ના રોજ આલોક વર્માએ ભ્રષ્ટાચારના તથા ફોન ટેપિંગના આરોપ સબબ રાકેશ અસ્થાના સામે કેસ દાખલ કરવા આદેશ કર્યો હતો; રાકેશ અસ્થાના વડાપ્રધાનની નજીક હોવાથી તેમણે બે દિવસ બાદ CVC-સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં આલોક વર્મા સામે ફરિયાદ આપી હતી ! સવાલ એ છે કે શું આલોક વર્મા આતંકવાદી હતા? અર્બન નક્સલ હતા? દેશદ્રોહી હતા? રાષ્ટ્રવિરોધી હતા? ગુંડા હતા? ના, તો એમનો વાંક શું હતો? તેઓ પ્રામાણિક હતા અને CBIમાં વડાપ્રધાને ઘુસાડેલ અધિકારીની કરતૂતોને ખૂલ્લી કરી રહ્યા હતા. આલોક વર્મા સામે વડાપ્રધાને શામાટે કાર્યવાહી કરાવેલ? આલોક વર્માએ રાફેલ સોદામાં તપાસની માંગનો ઈન્કાર કર્યો ન હતો. રજા ઉપર ઉતરી જવાના આદેશ પહેલા ત્રણ અઠવાડિયા અગાઉ વકીલ પ્રશાંત ભૂષણ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ શૌરીએ; આલોક વર્માને મળીને રાફેલ ભ્રષ્ટારની ફરિયાદ આપી હતી ! આલોક વર્મા CVCની તપાસ સામે સુપ્રિમકોર્ટમાં ગયા હતા; ત્યાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ આલોક વર્મા સામે તપાસ કરવાનો CVCને આદેશ કર્યો હતો ! અંતે સુપ્રિમકોર્ટે આલોક વર્મા અને રાકેશ અસ્થાનાને નિર્દોષ ઠરાવ્યા હતા ! નુકશાન આલોક વર્માને/ભારતની પ્રામાણિક્તાને થઈ ચૂક્યું હતું !

ફાન્સની NGO ‘ફોરબિડન સ્ટોરીઝ’ અને એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે દુનિયાની 17 મીડિયા સંસ્થાઓને સાથે રાખીને પેગાસસ સ્પાયવેરનું કૌભાંડ છતું કર્યું છે. ભારત સાથે જોડાયેલા 22 લોકોના ફોનની ફોરેન્સિક તપાસ કરાવી છે; તેમાંથી 10 લોકોના ફોનમાં પેગાસસ સોફ્ટવેરનું ‘પગેરું’ મળ્યું છે. સવાલ એ છે કે વડાપ્રધાન પોતે જ સ્વચ્છ છાપવાળા CBI ચીફને હેરાન કરે તો? તેને કોણ બચાવે? સુપ્રિમકોર્ટ ! પરંતુ સુપ્રિમકોર્ટમાં રંજન ગોગોઈ જેવા જજ હોય તો કોણ બચાવે? જ્યારે સત્તામાં ગુનાઓ કરનારા બેસી જાય ત્યારે સૌપ્રથમ પ્રામાણિક માણસને દૂર કરવાનું કામ કરે છે ! ફિલ્મ ગીતકાર આનંદ બક્ષીએ 49 વર્ષ પહેલા, ‘અમરપ્રેમ’ ફિલ્મમાં આ જ ફરિયાદ હતી :
માના તૂફાં કે આગે,
નહીં ચલતા જોર કિસી કા;
મૌજોં કા દોષ નહીં હૈ,
યે દોષ હૈ ઔર કિસી કા,
મઝધાર મેં નૈય્યા ડોલે,
તો માઝી પાર લગાયે,
માઝી જો નાવ ડૂબોએ
ઉસે કૌન બચાયે !rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *