ધર્મ જો માણસાઈ પ્રગટાવી ન શકે તો કામનો શું?

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર – ગંગામાં ડૂબકી મારવાથી કોરોના જતો રહે; ગૌમૂત્ર અર્ક પીવાથી કોરોના સંક્રમણ ન થાય; યોગ કરવાથી ઓક્સિજન સિલિન્ડરની જરુર ન પડે વગેરે વાતો અવૈજ્ઞાનિક છે; તે અંધશ્રદ્ધા છે. સવાલ એ છે કે માત્ર સત્તાપક્ષના ચૂંટાયેલા MP/MLA આવી અંધશ્રદ્ધા કેમ ફેલાવે છે? સત્તાપક્ષના MP/MLA અંધશ્રદ્ધા ફેલાવી એવું કહેવા ઈચ્છે છે કે ‘કોરોના સામે જે કરવાનું છે તે લોકોએ કરવાનું છે; સરકારે કંઈ કરવાનું નથી ! સરકાર ગંગામાં ડૂબકી મારી શકે નહી; ગૌમૂત્ર અર્ક પી શકે નહીં ! સરકાર યોગ કરી શકે નહી; લોકોએ જાતે આ કરવાનું છે !’

કોઈ પણ ઘર્મ, કોઈ પણ કર્મકાંડ, કોઈ પણ વિચાર મનુષ્યથી ઉપર હોઈ શકે નહીં. માણસ હોય તો ધર્મ છે, કર્મકાંડ છે, વિચાર છે. ધર્મનું પાલન ત્યારે થાય જો જીવ બચે. ડેડબોડી ઘર્મનું પાલન કરી શકે નહીં. પરંતુ કૂપ-મંડૂકતા અને અંધભક્તિનું જોર હોય ત્યારે ધર્મ, સમાજ અને રાજનીતિ વિવેક ગુમાવી બેસે છે. હરિદ્વારમાં 12 એપ્રિલ 2021 ના રોજ, 408 લોકો કોરોના સંક્રમિત મળ્યા હતા. પછીના દિવસે આ સંખ્યા 594 થઈ ગઈ. તેમાં 18 સાધુઓ હતા. આ લોકો આઈસોલેશનમાં નહતા. તેમના સ્પર્શથી બીજા અનેક લોકો સંક્રમિત થયા હશે; તેની કોઈ વિગત નથી. સ્મશાનમાં લાંબી કતારો થઈ તેમાં અંધશ્રદ્ધાએ પણ મોટો ભાગ ભજવ્યો છે. કુંભમેળો સ્થગિત રાખ્યો હોત તો ધર્મનો લોપ થઈ જવાનો ન હતો; હિન્દુસમાજને નુકશાન થઈ જવાનું ન હતું; ઉલટાનો એક મેસેજ જાત કે હિન્દુસમાજ સહિષ્ણુ/સભ્ય/વૈજ્ઞાનિક અભિગમમાં માને છે ! લોકોના/સંન્યાસીઓના જીવ બચી શક્યા હોત. દૂર દૂરના ગામડાઓમાં કોરોના સંક્રમણની ગતિ વધી તે અટકી શકી હોત. શબનો નિકાલ ગંગામાં કે રેતીમાં થયો નહોત !

આ પણ વાંચો – ગામડાઓમાં સરખું નેટવર્ક પણ ન આવે ત્યાં વેક્સિન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કેટલું યોગ્ય?

કોઈ ધર્મગુરુ જ્યારે પોતાના ધર્મગ્રંથોમાં પૂર્ણ સત્ય હોવાનું કહે અને અક્ષરસ: અનુસરવાનું કહે ત્યારે ધર્માંધતા-Fundamentalism ઉત્પન્ન થાય છે; જે માણસને ઝનૂની અને હેવાન બનાવે છે. ધર્માંધલોકો એ વાત સ્વીકારવા તૈયાર હોતા નથી કે હજારો વર્ષ પૂર્વે લખાયેલા ધર્મશાસ્ત્રો વર્તમાન સમયમાં અસંગત બન્યા છે; ઉલટાનું તેઓ ધર્મશાસ્ત્રોને પવિત્ર અને દૈવી માને છે. આવા ધર્મશાસ્ત્રો કોરોના સામે લાચાર બની ગયા છે ! મંદિર/મસ્જિદ/ચર્ચ કોરોના રોકી શકે નહીં; પરંતુ સંક્રમણ ફેલાવી શકે છે ! અલ્લાહ/ભગવાન/ગોડ મદદ ન કરી શકે; તે કોરોનાનો સંદેશ છે. વૈજ્ઞાનિક અભિગમ મનુષ્યને બચાવી શકે છે. કોઈ પણ ધર્મ કરતા મોટો છે મનુષ્ય; આ સત્ય કેમ ગળે ઉતરતું નથી? ધર્મ જો માણસાઈ પ્રગટાવી ન શકે તો કામનો શું?rs

Leave a Reply

%d bloggers like this: