વિક્ટિમ અમીર હોય તો અને આદિવાસી હોય તો શું ફરક પડે?

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર : અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે, બિમાનગર સોસાયટીની બહાર ફૂટપાથ ઉપર આદિવાસી શ્રમિક પરિવાર સૂતો હતો. 28 જૂન 2021ની રાત્રિએ 12.30 વાગ્યે, I-20 કાર ચાલક પર્વ શાહે કાબૂ ગુમાવતા કાર ફૂટપાથ ઉપર ચડી જતાં સંતુબેન ભાભોરને 100 ફૂટ દૂર સુધી ફંગોળ્યા હતા. તેમનું સ્થળ ઉપર જ મોત થયું. જ્યારે બીજા ત્રણને ગંભીર ઈજા પહોંચી. સંતુબહેન ગરીબ હતા અને એમની ઉંમર માત્ર 40 વર્ષની હતી. તેઓ 8 સંતાનોના માતા હતા. ‘હિટ એન્ડ રન’ કેસનો આરોપી પર્વ શાહ સાણંદ મેલડી માતાના દર્શન કરી પોલીસ સમક્ષ હાજર થયો હતો !

આ પણ વાંચો : ગલાલિયાવાડ ( દાહોદ ) પ્રાથમિક શાળા શિક્ષકોનું અનોખું કામ :  વિદ્યાદાન ની સાથે વસ્ત્ર દાન‌ 

વિક્ટિમ ગરીબ હતા અને આરોપી પર્વ શાહ અમીર હતો. પોલીસે IPC કલમ-304A [બેદરકારી] હેઠળ અકસ્માતનો સાદો ગુનો નોંધ્યો; જેમાં સજા 2 વર્ષ સુધીની કેદ છે. પરંતુ આ કિસ્સામાં વિક્ટિમ અમીર હોત/સત્તાપક્ષ સાથે જોડાયેલો હોત/સામાજિક દરજ્જાવાળો હોત તો પોલીસે IPC કલમ-304 [એવું કૃત્ય જેનાથી મોત સંભવી શકે] હેઠળ ગુનો નોંધ્યો હોત; જેમાં સજા આજીવન કેદની છે ! આ કેસમાં મીડિયા દ્વારા ઊહાપોહ થતાં 30 જૂનના રોજ; ઘટના બન્યા બાદ બે દિવસ પછી પોલીસે IPC કલમ-304 નો ઉમેરો કર્યો છે. શહેરના રોડ ઉપર 120 ની પૂરઝડપે કાર ચલાવી શકાય નહીં; અને કોઈ આ ઝડપે કાર ચલાવે અને અકસ્માત કરી કોઈનું મોત નિપજાવે તો IPC કલમ-304 હેઠળ આજીવન કેદની શિક્ષાનો ગુનો બને જ; આટલી સાદી સમજ પોલીસને હોય કે નહીં? વિક્ટિમ ગરીબ/દલિત/આદિવાસી હોય એટલે એમના જીવની કોઈ કિંમત જ નહીં? યાદ રહે સંતુબેનનો પરિવાર ભિખારી ન હતો, પણ શ્રમજીવી હતો. શ્રમજીવીઓને ફૂટપાથ ઉપર સૂવું પડે એનાથી વધુ શરમજનક કોઈ બાબત હોઈ શકે નહીં ! ‘વિશ્વગુરુ’ની વાત કરનાર વડાપ્રધાન; નાગરિકો સાથે છેતરપિંડી કરે છે !

પોલીસના નાના અધિકારીઓ ભૂલ કરે કે પૂર્વગ્રહ રાખે પરંતુ જે સુપરવાઈઝરી અધિકારીઓ છે એમની કોઈ જવાબદારી હોય કે નહીં? પ્રથમ દિવસે જ ઘટનાસ્થળની વિઝિટ કરતી વખતે જ IPC કલમ-304 નો ઉમેરો કરાવવાનો અમલ કરાવેલ હોત તો મીડિયાને ઊહાપોહ કરવાની ફરજ પડત નહીં. વિક્ટિમ અમીર હોય તો અને આદિવાસી હોય તો શું ફરક પડે? તેનો આ પુરાવો છે. વિક્ટિમ અમીર તો જુદી કાર્યવાહી અને વિક્ટિમ આદિવાસી હોય તો જુદી કાર્યવાહી; એવું કેમ? માણસ માણસમાં ભેદ કોણે પાડ્યા? શું આ પ્રકારની કાર્યવાહી બંધારણના ભંગ સમાન નથી?rs

Leave a Reply

%d bloggers like this: