અલગતામાં એકતા- પવિત્ર ત્રૈક્ય – ફા. નિલેશ વાય મેકવાન એસ.જે.

ફા. નિલેશ વાય મેકવાન એસ.જે :  આ એક જૂની આફ્રિકન દંતકથા છે. આ દંતક્થા આપણને સમજાવે છે કે માનવ સમુદાયના દરેક સભ્ય સમાજ માટે કેટલા મહત્વપૂર્ણ છે. કથા મુજબ એક સમયે, શરીરના વિવિધ ભાગો પેટ સામે ફરિયાદ કરવા લાગ્યા. હાથ કહે, “તમે મને જોઇ શકો છો કે હું માટીમાં બીજ રોપવાથી લઇ પાક તૈયાર થાય ત્યા સુધી મજુરી કરુ છું. વળી હું જ ખોરાક તૈયાર કરું છું. પેટ જે કંઇક કરે છે તે માત્ર અને માત્ર રાહ. મારા ખોરાક ખવડાવવાની રાહમાં તે પડી રહે છે. આ તો ભારે અન્યાય છે. હાથની વાત સાથે પગ પણ સંમત થયા. પગે કહ્યુ, “હું પણ આખો દિવસ આ ભારે પેટને લઈને આમતેમ જઉં છું.  હું જ તેને ખાવા માટે ખેતરમાંથી ઘરે લઈ જઉં છું. તો વળી  હું જ તેને પાણી લેવા નદીએ લઈ જઉં છું.  હું જ તેને કેરીની વાડીએ કેરી  લેવા તેમજ કેરીના ઝાડ ઉપર ચડવા મદદ કરુ છું. આ બધામા પેટ ફક્ત સૂઈ જ રહે છે. આપણે તેની દરેક જરૂરીયાત જેમ કે ખોરાક, પાણી અને ચા -શરબત કોઇ જ બદલા વગર પુરી પાડવાની! આ તો અન્યાયી વ્યવસ્થા છે. ” માથાએ પણ ફરિયાદ કરતા જણાવ્યુ કે તે ખેતરમાંથી અને નદીમાંથી બધાં જ પ્રકારના ભારણ વહન કરે છે. પેટને ખવડાવવા માટે તે જે મદદ કરે છે તેવી મદદ બીજુ કોઇ કરતું નથી. બધાની ફરીયાદો સાભળી શરીરના ભાગોએ નક્કી કર્યું છે કે આ અન્યાય બંધ થવો જ જોઇએ. આ મુદ્દાને દબાણ કરવા માટે તેઓએ વિરોધની કાર્યવાહી શરૂ કરવાનો નિર્ણય કર્યો. જ્યાં સુધી પેટ શરીરના જવાબદાર નાગરિક બનવાનું ન શીખે ત્યાં સુધી આળસુ પેટને કામ કરવાનું અને તેને ખોરાક આપવાનું બંધ કરવાનું નક્કિ થયુ.

આમને આમ આખો દિવસ પસાર થઇ ગયો. પેટને ખોરાક, પાણી અથવા ચા કે શરબત આપવામાં આવ્યુ નહી. પેટમાં સમયસર ખોરાક પાણી ન જવાથી પેટમાંથી અવાજ આવવા લાગ્યો.  પેટની પ્રતિક્રિયા ઉપર અન્ય હસવા લાગ્યા. તેઓ તેને હાંસો મારીને કહેવા લાગ્યા કે હવે ખબર પડે છે ને કે જીવનમાં કામકાજ કેટલુ જરુરી છે. પેટને ભૂખે મારવાના ચક્કરમાં બીજા દિવસે માથાએ કહ્યું કે તેને ચક્કર આવવા લાગ્યા છે. ત્રીજા દિવસ સુધીમાં તો  હાથે પણ અહેવાલ આપ્યો કે તેઓ નબળાઈ અનુભવે છે. અને પગ તો નબળાઇને લીધે લપસતા હતા અને સીધા ઊભા પણ થઈ શકતા ન હતા. હવે તેમને સમજાઇ ઉઠ્યું કે તેઓ પેટને જે સમર્થન આપી રહ્યા હતા તે જોઇ શકાય તેમ હતુ, પરંતુ બીજી તરફ પેટ પણ તેમને દેખી ન શકાય તે રીતે પરંતુ સમાનતાથી મહત્વપૂર્ણ રીતે તેનો ટેકો આપી રહ્યું હતુ. પેટને ખવડાવીને તેઓ હવે જાણતા થયા કે તેઓ પોતાને ખવડાવતા હતા. તેથી તેઓએ તેમની હડતાલની કાર્યવાહી બંધ કરી દીધી અને પેટને ફરીથી ખવડાવવાના  કામ પર પાછા ગયા. તેમની તાકાત પાછી ફરી અને પેટ સાથે મળીને તેઓ ખુશી ખુશી સાથે રહ્યા.

આ તો થઇ એકતાની વાત. દરેકે દરેક અંગો આમ તો ભિન્ન-ભિન્ન હોવા છતા એકરુપ છે. દરેકના કામકાજ અને નામો અલગ અલગ હોવા છતા એકબીજાને સહકાર આપી એક-સ્વરુપ ધારણ કરે  છે. જ્યા પણ જરુર પડે બધા જ એક બની ત્યા દોડી જાય છે. આનું નામ  જ તો અલગતામાં એકતા. આ નાની વાત પવિત્ર ત્રૈક્ય એટલે કે પિતા, પુત્ર અને પવિત્ર આત્માના જોડાણને જાણવા ખુબ જ મદદરુપ થાય છે.  સૃષ્ટિના મંડાણથી જ પિતા, પુત્ર અને પવિત્ર આત્માના જોડાણે આ સૃષ્ટિને  કંઈક અલગતા બક્ષી. વિશ્વને એકતાની કળીએ બાંધતા પહેલા પોતે એકતામાં બંધાવવું ખૂબ જ જરૂરી હતું. ઇશ્વર તરીકેની અલગતામાં પણ તેઓએ એકતા સ્થાપીને વિશ્વ માટે એક અદભુત નિયમ સ્થાપ્યો. આપણા સર્વની રચનાના મૂળમાં પણ કોઈ એક નહીં પરંતુ પિતા પુત્ર અને પવિત્ર આત્માના જોડાણનો ફાળો અદભુત છે.

હમણા થોડા વખત પહેલા હિન્દી કાવ્યની થોડી પંક્તિઓ મારા વાંચવામાં આવી. આ પંક્તિઓ વાંચીને મન પ્રફુલ્લિત થઇ ગયું. મને જાણે એમ લાગ્યું કે હુ મૂળ સ્તોત્રની ફરીથી મુલાકાત લેતો હોય. આ મૂળ સ્ત્રોતની મુલાકાત એટલે કે જ્યાંથી આપણો ઉદ્ભવ થયો છે તેવા ઉદ્ભવના સ્થાને ઈશ્વરની એકતાને ત્રૈક્યના સ્વરુપમા અનુભવવી.

મંદિર મે દાના ચુગકર ચીડીયા મસ્જિદ મે પાની પીતી હૈ.
મેને સુના હે રાધા કી ચુનરી કોઈ સલમા બેગમ સીતી હૈ.
એક રફી થા મહેફીલ મેં રઘુપતિ રાઘવ ગાતા થા
એક પ્રેમચંદ બચ્ચો કો ઇદગાહ સુનાતા થા
કભી કનૈયા કી મહિમા ગાતા રાસખાન દિખાઈ દેતા થા
ઓરો કો દિખતે હોંગે હિન્દુ, મુસલમાન ઓર ઇસાઇ
મુજે તો હર શખ્સ કે ભીતર*ઇન્સાન દિખાઈ દેતા હૈ.

એક જૂની યહૂદી વાર્તામા એક રબ્બી (એટલે કે ગુરુજી) વિશે કહેવામા આવ્યુ છે કે જેમણે તેમના શિષ્યોને પૂછ્યું, “તમને કેવી રીતે જાણ પડે કે રાત પસાર થઈ ગઇ અને સવાર થઇ ગઇ છે ?” એક શિષ્ય ઊભો થયો અને બોલ્યો, ” રબ્બી, રાત્રિ વિલીન થઈ રહી છે અને પ્રભાતનો પ્રકાશ પ્રગટ્યો છે તે જાણવા એક સુંદર નિશાની છે. જ્યારે પ્રકાશ દ્વારા તમે પ્રાણીને જોઈ શકો છો અને ઓળખી શકો છો કે તે ઘેટુ છે કે કૂતરુ ત્યારે કહી શકાય કે રાત્રિ વિલીન થઈ રહી છે અને પ્રભાતનો પ્રકાશ પ્રગટ્યો છે.”

રબ્બીએ જવાબ આપ્યો, “ના.”

“રબ્બી,” બીજાએ કહ્યુ,. “જ્યારે પરોઢ આવે છે ત્યારે તમે સ્પષ્ટ જોઈ શકો છો કે એ ઝાડ અંજીરનુ છે કે ઓલિવનુ.”
“ના,” રબ્બીએ જવાબ આપ્યો. “રાત્રિ વિલીન થઈ રહી છે અને પ્રભાતનો પ્રકાશ પ્રગટ્યો છે તેવુ તમે ત્યારે જાણતા થાઓ છો કે જ્યારે તમે કોઈ પણ સ્ત્રી-પુરુષને જોઈ સમજી શકશો કે તે કોઇ ચોક્કસ ધર્મ, જાતી કે વર્ણના વ્યક્તિ નહી પરંતુ તેઓ સર્વ એક જ ઇશ્વરના બાળકો છે. વળી તે દરેક વ્યક્તિમા તમે તમારા પોતાના ભાઈ કે બહેનને જોઈ શકો છો. જ્યાં સુધી તમે તે સ્પષ્ટતા સાથે ન જોઈ શકો ત્યાં સુધી રાત હંમેશાં તમારી સાથે રહેશે.”

પવિત્ર ત્રૈક્ય સમયના બંધનમા બંધાયા સિવાય જરુરીયાત મુજબ નિત્ય પોતાનું કાર્ય ચાલુ જ રાખે છે. પોતાની એકતા દ્વારા મનુષ્યને કોઈકને કોઈક રીતે શિખામણનો પાઠ શીખવતા જ રહે છે. પછી તે ધરતીકંપ હોય કે દુકાળ હોય, પૂરના પાણી ફરી વળ્યા હોય કે પછી કોવિડ ૧૯ ની બીમારી હોય, પવિત્ર ત્રૈક્ય મનુષ્યને એકતાના તાંતણે બાંધતા જ રહે છે. હાલની પરિસ્થિતિમાં વર્તમાનપત્રો અને ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર જાણવા મળે છે કે મનુષ્ય નાત, જાત અને ધર્મથી એક પગલું ઊંચે ચડીને ઇશ્વરના બાળકો તરીકે એકબીજાને મદદ અને હુંફ પૂરી પાડી રહ્યા છે. અને આજ તો છે અલગતામાં એકતા- પવિત્ર ત્રૈક્યના જેવી. આમીન.

જય ઈસુ
ફા. નિલેશ વાય મેકવાન એસ.જે.
ન્યુમન હોલ, સેન્ટ ઝેવિયર્સ કોલેજની સામે,
નવરંગપુરા,  અમદાવાદ – ૩૮૦૦૦૯
ગુજરાત.  મોબાઇલ : 8469491502 

તમારે તો તમારા પરમપિતા જેવા પ્રેમાળ છે તેવા પ્રેમાળ બનવાનું છે (માથ્થી ૫.૪૮)

Leave a Reply

%d bloggers like this: