ટીવી ડીબેટ માનસિક/આર્થિક/સામાજિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે !

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર : ટીવી ઉપરની ડીબેટ-debate જોઈએ ત્યારે આપણે મૂરખ બનતા હોઈએ છીએ. ડીબેટ સત્તાપક્ષના એન્જડા મુજબની હોય છે. તેમાં સત્તાપક્ષના નેતા/વિપક્ષના નેતા/ મૌલવી હોય છે. બધાં એકબીજા ઉપર થૂંક ઉડાડતા હોય છે. સત્તાપક્ષ અને વિપક્ષ પોતાના પક્ષની વિચારધારાનું સમર્થન કરે છે; સત્યનું નહીં. મૌલવી કંઈક રૂઢિચુસ્ત વિધાન કરે તો સત્તાપક્ષને બહુમતીને રાજી કરવાનો મોકો મળી જાય છે ! કોર્પોરેટ મીડિયા/ગોદી મીડિયા સત્તાપક્ષનો એજેન્ડા ચલાવે છે. ગોદી મીડિયા સત્તાપક્ષની હિમાલય જેવડી ભૂલને રાઈના દાણા જેવડી પણ બતાવતા નથી. રાફેલ યુધ્ધ વિમાનમાં અનિલ અંબાણીની તરફેણ કરવા અંગે ફ્રાંસ સરકાર તપાસ કરવાનું ઠરાવે તે ભારત માટે મોટા સમાચાર કહેવાય; તે અંગે ડીબેટ કરવાને બદલે ફિલ્મ એક્ટર આમીર ખાન અને કિરણ રાવના છૂટાછેડા ઉપર ગોદી મીડિયા ડીબેટ યોજે છે ! ગોદી મીડિયાને વડાપ્રધાનની નાની અને જૂઠી વાતમાં ‘માસ્ટર સ્ટ્રોક’ના દર્શન થાય છે ! નોટબંધીની સંપૂર્ણ નિષ્ફળતા છતાં ત્રણ વર્ષ સુધી ગોદી મીડિયાએ નોટબંધીનું સેલિબ્રેશન કર્યું હતું ! લોકડાઉનમાં શ્રમિકોની હાલાકી અંગે ગોદી મીડિયાએ ડીબેટ યોજી ન હતી. કિસાન આંદોલનને રાષ્ટ્રવિરોધી/વિકાસ વિરોધી ચિતરવા ડીબેટ યોજી હતી. મે-2021 માં, કોરોના મહામારીની બીજી લહેર વેળાએ ગંગા નદીમાં લાશો તરવા લાગી ત્યારે ગોદી મીડિયા બીજી ડીબેટમાં વ્યસ્ત હતું. ગોદી મીડિયાની ડીબેટ સત્યને ઢાંકે છે અને અસત્યને ફેલાવે છે. ડીબેટ સંચાલક એન્કર તો સત્તાપક્ષનો ‘મહાભગત’ હોય છે ! સારી ડીબેટના આ ફાયદાઓ છે : [1] લોકોનું નાગરિક ઘડતર થઈ શકે છે. લોકોમાં, કોઈ પણ બાબતે વિચારીને નિર્ણય કરવાની શક્તિનો વિકાસ થાય છે. [2] લોકો પોતાના વિચારોને સુવ્યવસ્થિતરુપે વ્યક્ત કરવાનું શીખે છે. [3] રાજકીય/સામાજિક વિચારધારામાં/તેમના નેતાઓમાં રહેલ ખામીઓનો લોકોને ખ્યાલ આવે છે. [4] લોકો સ્વતંત્ર નિર્ણય લેતા થાય છે.

આ પણ વાંચો : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 8 રાજ્યમાં નવા રાજ્યપાલની નિયુક્તી કરી

ડીબેટ શામાટે? ડીબેટનો હેતુ સત્ય શોધવાનો હોય છે. પરંતુ આવી ડીબેટમાં અસત્ય જ દ્રઢ બનતું હોય છે. નફરત ફેલાતી હોય છે. વિપક્ષનું ચરિત્રહનન થતું હોય છે. ડીબેટમાં રાજકીય પક્ષના પ્રવક્તાને બોલાવવામાં આવે છે; તેઓ પાર્ટી લાઈન મુજબ બોલશે; સત્ય છૂપાવશે. સત્યની સાથે રહેતા નથી. વિપક્ષ વિરોધ કરે છે અને સત્તાપક્ષ તરફેણ કરે છે. દર્શક ગૂંચવાય છે. કોઈ પણ ચર્ચામાં/ડીબેટમાં અનુભવી પત્રકારો/લેખકો/પ્રોફેસરો/ જે તે ક્ષેત્રના વિશેષજ્ઞો/ NGOમાં કામ કરતા મહાનુભાવો હોવા જોઈએ. તો જ દર્શકો જ્ઞાન સમૃધ્ધ થાય. વાયર/ સત્ય ટીવી/યૂટ્યૂબર અજિત અંજુમ/કનૈયાકુમારની ડીબેટ જોઈએ તો તર્કબધ્ધતા જોવા મળે; તેમાં માનવમૂલ્યો/બંધારણીય મૂલ્યોની તરફેણ જોવા મળે. ગોદી મીડિયાએ 26 મે 2014થી જૂન 2021 સુધીમાં હજારો ડીબેટ કરી છે; પરંતુ આશ્ચર્યની બાબત એ છે કે વડાપ્રધાનને એક પણ સવાલ પૂછ્યો નથી; જ્યારે વિપક્ષને હજારો સવાલ પૂછ્યા છે ! ગોદી મીડિયાની ડીબેટ જોવાથી ‘ભક્ત’નું સર્જન થાય છે ! આપણા બાળકોમાં સંબિત પાત્રા જેવા તર્કહીન અને વિચિત્ર લક્ષણોની અસર જોવા મળે છે ! રવિશ કુમારે એટલે જ ટીવી નહીં જોવાની શિખામણ આપી હતી !

આપણા બાળકોને સત્તાપક્ષના ‘ભગત’ ન બનાવવા હોય તો; વડાપ્રધાનના દંભ અને જૂઠનો પડછાયો આપણા બાળકો ઉપર ન પડે તેવું ઈચ્છતા હો તો ગોદી મીડિયાની ડીબેટ જોવાનું ટાળો. આવી ડીબેટ માનસિક/આર્થિક/સામાજિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે !rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *