રાજદ્રોહ અને લોકશાહી; એ ઓક્ઝીમોરોન છે !

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર :  આપણા ઈન્ડિયન પીનલ કોડમાં સેકશન- 124A રાજદ્રોહ/સેડિશન અંગેની છે. રાજદ્રોહ એટલે જ્યારે કોઈ વ્યક્તિ બોલવાથી/લખવાથી/સંકેતોથી/દ્રશ્યોથી કે કોઈ પ્રકારની ધૃણા/અપમાન કરવાનો પ્રયાસ કરે અથવા કાનૂન દ્વારા સ્થાપિત સરકાર પ્રત્યે અસંતોષ ભડકાવવાનો પ્રયાસ કરે તો તે રાજદ્રોહ બને. આ ગુનો બિનજામીની છે અને ત્રણ વર્ષથી લઈને આજીવન કેદ તથા દંડની જોગવાઈ છે. ગાંધીજીને આ કલમ હેઠળ સજા થઈ હતી. કોરોના મહામારી દરમિયાન સરકારની આલોચના કરનારા સામે IPC કલમ-124 A, 153 A અને 505 હેઠળ ગુનાઓ દાખલ કરવામાં આવે છે. ઉત્તરપ્રદેશના પૂર્વ IAS સૂર્યપ્રતાપ સિંહ સામે સરકારની આલોચના કરવા સબબ પોલીસે 6 ગુનાઓ દાખલ કર્યા છે ! પોલીસની આ કાર્યવાહી નાગરિકો/ પ્રિન્ટ-ઈલેક્ટ્રોનિક મીડિયા/સોશિયલ મીડિયાનું મોં બંધ કરવાનો પ્રયાસ છે અને બંધારણના આર્ટિકલ-19 (1) (A) મુજબ અભિવ્યક્તિ સ્વતંત્રતા પર હુમલો છે.

વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆએ 30 માર્ચ 2020 ના રોજ પોતાના 15 મિનિટના યૂટ્યૂબ શોમાં કહ્યું હતું કે ‘વડાપ્રધાન મત મેળવવા મોત અને આતંકવાદી હુમલાઓનો ઉપયોગ કરે છે.’ હિમાચલ પ્રદેશના સિમલામાં વિનોદ દુઆ સામે સત્તાપક્ષના નેતાએ રાજદ્રોહની ફરિયાદ કરી હતી. 3 જૂન 2021ના રોજ સુપ્રિમકોર્ટે વિનોદ દુઆ સામેની FIR રદ કરતા કહ્યું કે “124A માત્ર એ શબ્દોને દંડિત કરે છે જે કાયદો અને વ્યવસ્થાને બગાડવાનો ઈરાદો કે પ્રવૃતિ હોય અથવા હિંસાને ભડકાવે. સરકારના પગલા સાથે અસહમતી વ્યક્ત કરવા કે વૈદ્ય રીતે બદલાવ માટે આકરા શબ્દોમાં આલોચના કરી હોય તે રાજદ્રોહ નથી.” 1962માં, કેદારનાથ સિંહ વિરુધ્ધ બિહાર રાજ્યના કેસમાં સુપ્રિમકોર્ટે IPC કલમ-124A અંગે બહુ જ સ્પષ્ટપણે ઠરાવ્યું છે કે “આ જોગવાઈનો ઉપયોગ ત્યારે જ કરી શકાય જ્યારે અવ્યવસ્થા પેદા કરવાનો ઈરાદો હોય; પ્રવૃતિ હોય; કાયદો-વ્યવસ્થા બગાડવા કે હિંસાને ઉશ્કેરવાના કાર્યો હોય. માત્ર શબ્દો જ નહી; સરકારને અસ્થિર કરવા માટે કોઈ હિંસક કાર્યવાહી કરી હોય તો જ 124A લાગુ પડે.” એક તરફ બંધારણના આર્ટિકલ-19 (1) (A) હેઠળ નાગરિકોને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો હક્ક મળે છે; તો બીજી તરફ IPC કલમ-124A એ હક્ક સરકાર છીનવી લે છે ! લોકશાહીમાં રાજદ્રોહ હોઈ શકે નહીં. સત્તાનો વિરોધ થઈ શકે; એનું નામ લોકશાહી. સેડિશન-રાજદ્રોહ અને લોકશાહી એ ઓક્ઝીમોરોન/પરસ્પર વિરોધાભાસ છે ! રાજદ્રોહની જોગવાઈ નાગરિકોના ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૌલિક અધિકારનું સ્પષ્ટપણે ઉલ્લંઘન કરે છે. શું સરકાર પ્રત્યે મને અસંતોષ છે; તેમ હું કહું તો તે રાજદ્રોહ છે? સરકાર પ્રત્યે મને નફરત છે; તેમ હું કહી ન શકું? વડાપ્રધાન/મુખ્યમંત્રી પ્રત્યે મને નફરત છે; તેમ હું ન કહી શકું? અમુક રાજનેતા ભારતના ઇતિહાસમાં સૌથી ખરાબ છે; તેમ હું ન કહી શકું? આ તો ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. સરકારની આલોચના કરવાનો દરેકને હક્ક છે; તે રાજદ્રોહ નથી. સરકાર સામેનું શાંતિપૂર્વક/અહિંસક આંદોલન રાજદ્રોહ નથી. 2018માં લો કમિશને કહ્યું હતું કે ‘અભિવ્યક્તિ સ્વતંત્રતાના હક્કના દરેક બેજવાબદાર પ્રયોગને રાજદ્રોહ કહી શકાય નહીં. 124A ત્યારે લાગુ પડે જ્યારે સાર્વજનિક વ્યવસ્થાને ખોરવી નાખે/હિંસા કે અવૈદ્ય સાધનોથી સરકારને ઉખેડી નાખવાની પ્રવૃતિ હોય.’ EGI-એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ 124A રદ કરવા માંગણી કરી છે. 2019 ની લોકસભા ચૂંટણી વેળાએ એક માત્ર કોંગ્રેસ પક્ષે 124A રદ કરવાનું વચન આપ્યું હતું.

આ પણ વાંચો : CBI પુરૂષ અધિકારીઓએ ફોર્મલ શર્ટ-પેન્ટ અને સ્ત્રી અધિકારીએ સાડી, સૂટ અને ફોર્મલ શર્ટ જ પહેરી શકશે.

સવાલ એ છે કે 1962 માં કેદારનાથ સિંહના કેસમાં સુપ્રિમકોર્ટે સ્પષ્ટતા કરી દીધી છે; છતાં IPC કલમ-124A નો દુરુપયોગ સરકાર કેમ કરે છે? શું 124A રદ કરી દેવી જોઈએ? સરકારની દલીલ છે કે “રાષ્ટ્રવિરોધી, અલગતાવાદી તત્વોનો પ્રભાવી ઢંગથી મુકાબલો કરવા માટે 124A ની જોગવાઈ હોવી જોઈએ.” નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા ચોકવનારા છે. 2015માં 30; 2016માં 35; 2017માં 51; 2018માં 70; 2019માં 93 રાજદ્રોહના ગુનાઓ દાખલ થયેલાં. 2015માં 30 કેસમાં 73 આરોપી એરેસ્ટ કરેલ તેમાંથી 13 સામે જ ચાર્જશીટ કરી અને કોર્ટે એક પણ આરોપીને દોષી ઠરાવેલ નહીં. 2016માં 35 કેસમાં 48 આરોપી એરેસ્ટ કરેલ તેમાંથી 26 સામે જ ચાર્જશીટ કરી અને કોર્ટે 1 આરોપીને દોષી ઠરાવેલ. 2017માં 51 કેસમાં 228 આરોપી એરેસ્ટ કરેલ તેમાંથી 160 સામે જ ચાર્જશીટ કરી અને કોર્ટે 4 આરોપીને દોષી ઠરાવેલ. 2018માં 70 કેસમાં 56 આરોપી એરેસ્ટ કરેલ તેમાંથી 46 સામે જ ચાર્જશીટ કરી અને કોર્ટે 2 આરોપીને દોષી ઠરાવેલ. 2019માં 93 કેસમાં 96 આરોપી એરેસ્ટ કરેલ તેમાંથી 76 સામે જ ચાર્જશીટ કરી અને કોર્ટે 2 આરોપીને દોષી ઠરાવેલ. સવાલ એ છે કે રાજદ્રોહના કેસ સાબિત થતાં નથી; પુરાવા મળતા નથી; ચાર્જશીટ કરી શકતા નથી; તો શામાટે પોલીસ રાજદ્રોહના ગુના દાખલ કરે છે? જવાબ છે નાગરિકોને/પત્રકારોને/લેખકોને/સર્જકોને ડરાવવા-ધમકાવવા ! અસંતોષને દબાવવા ! પોલીસને/સરકારને આરોપીને દોષી ઠરાવવામાં રસ નથી; એમની ઈચ્છા હોય છે કે કોઈ વ્યક્તિને કેસ ચાલે તે પહેલાં 5 વર્ષ સુધી જેલમાં રાખી દો ! પોલીસ માત્ર જામીન અરજીનો વિરોધ કરશે ! કેટલાંય પત્રકારો/કર્મશીલો/ ‘આંદોલનજીવી’ઓ જેમણે હિંસક કાર્યવાહી કરી ન હતી છતાં 124A હેઠળ જેલમાં છે. સરકારની આ બદમાશી છે.rs

Leave a Reply

%d bloggers like this: