સુરતના પૂર્વ પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાએ સુરત પોલીસ વેલ્ફેરના 20 કરોડ કોને આપ્યા?

રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર : પોલીસ વેલફેરની જોગવાઈ ગુજરાત પોલીસ મેન્યુઅલ, ભાગ-1, નિયમ-256 હેઠળ દરેક શહેર/જિલ્લા/યુનિટમાં પોલીસ વેલ્ફેર ફંડની જોગવાઈ છે. જેમાં દર વર્ષે દરેક કોન્સ્ટેબલથી લઈ પોલીસ અધિકારીઓનો એક દિવસનો પગાર ફરજિયાત જમા થાય છે. પોલીસ પરિવારને ખુશી મળે તેવી સગવડતાઓ માટે આ ફંડ વાપરવાનું હોય છે; પરંતુ પોલીસ કમિશ્નર/જિલ્લા પોલીસ વડા/કમાન્ડન્ટ ભાગ્યે જ તાબાના પોલીસ કર્મચારીઓની તકેદારી/સંભાળ લે છે. એટલે વેલ્ફેર ફંડ વપરાયા વિના પડ્યું રહે છે.

જ્યારે CBI ચીફ આલોક વર્માએ; રાકેશ અસ્થાના સામે લાંચના આરોપ સબબ FIR નોંધાવી ત્યારે સુરતના એક નિવૃત PSIએ CBIને ઇમેલ કરી જણાવ્યું હતું કે ‘સુરત પોલીસ વેલફેર ફંડના 20 કરોડ રુપિયા સુરતના પૂર્વ પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાએ વર્ષ 2013-2014 દરમિયાન સત્તાપક્ષને ચૂંટણી ફંડમાં આપ્યા હતા ! આ સ્ફોટક સમાચાર ‘દિવ્ય ભાસ્કર’માં છપાયા હતા. જો કે કોઈ પોલીસ કમિશ્નર પોલીસના પૈસા ચૂંટણીફંડમાં આપી દે તે ગળે ઉતરે તેવી વાત નથી. પરંતુ મુખ્યમંત્રીના ફંડમાં 20 કરોડ આપ્યા હોવાની શક્યતા રહેલી છે. મુખ્યમંત્રીની કૃપાદ્રષ્ટિ મેળવવા કોઈ અધિકારી આવું કરી શકે તે શક્ય છે. વડાપ્રધાને; 28 જુલાઈ 2021ના રોજ અસ્થાનાની વયનિવૃતિના ચાર દિવસ પહેલા તેમને દિલ્હીના પોલીસ કમિશ્નર બનાવ્યા તેની પાછળ આવી સેવા કારણભૂત હશે? માની લઈએ કે મુખ્યમંત્રીના રાહતફંડમાં સુરત પોલીસના 20 કરોડ રુપિયા રાકેશ અસ્થાનાએ આપેલ હોય તો તે નિયમ મુજબ આપી શકે નહીં; આ માટે રાજ્ય પોલીસ વડાની પૂર્વ મંજૂરી લેવી પડે. જ્યારે સરકાર પોલીસ કોન્સ્ટેબલોને પાંચ વરસ સુધી પૂરો પગાર ચૂકવતી ન હોય; તેવા સંજોગોમાં કોન્સ્ટેબલોના પરિવારના કલ્યાણનું પ્રથમ વિચારવું પડે.

આ પણ વાંચો : નિવૃત્તિ ચાર દિવસ પહેલા રાકેશ અસ્થાનાને દિલ્હીના પોલીસ કમિશ્નર તરીકે કેમ નીમવામાં આવ્યા?

જે તે વખતે ઊહાપોહ થયો હતો એટલે સુરત પોલીસ વેલ્ફેર ફંડના ચોપડા જ ગૂમ થઈ ગયા ! પોલીસ કમિશ્નર કચેરી ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે, એટલે ચોપડા ગૂમ થયા અંગેની જાણ ઉમરા પોલીસ સ્ટેશને કરાવવાને બદલે; અસ્થાનાએ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ‘જાણવા જોગ’ કરાવી હતી ! પોલીસ હજુ સુધી એ શોધી શકી નથી કે ચોપડા કોણે ગૂમ કરાવ્યા? સુરતના RTI એક્ટિવિસ્ટ શેખ સોહેલ અમીને 2015માં RTI હેઠળ માહિતી માગી હતી પરંતુ તેમને ‘માહિતી આપી શકાય તેમ નથી’ તેવો જવાબ મળ્યો હતો. સુરતના એક્ટિવિસ્ટ મિત્રોએ પોલીસ કલ્યાણના હિતમાં 20 કરોડના કૌભાંડનો પર્દાફાશ કરી સત્ય શોધી કાઢવું જોઈએ. ચોપડા ભલે ગૂમ થયા હોય; બેન્કમાંથી કઈ તારીખે કેટલી રકમ, કોને ટ્રાન્સફર કરી; કેટલી રકમ ઉપાડી તે હજુ પણ જાણી શકાય તેમ છે ! શું રાજ્યના પોલીસ વડાએ તત્કાલિન પોલીસ કમિશ્નર અસ્થાનાને 20 કરોડનો ‘ચડાવો’ આપવા મંજૂરી આપી હતી? જો તેમણે આવી મંજૂરી ન આપી હોય તો અસ્થાના સામે શું પગલાં લીધા હતા?rs

દિવ્યભાસ્કરમા છપાયેલ અહેવાલ : 

https://www.divyabhaskar.co.in/news/MGUJ-VAD-HMU-NL-ashtna-had-transferred-20-crore-surat-police-welfare-to-bjp-gujarati-news-5974309-NOR.html?ref=appshare

Leave a Reply

%d bloggers like this: