જે મહિલાને ભારત રત્ન આપવો જોઈતો હતો; તેને સરકારે જેલ આપી !

રમેશ સવાણી ( નિવૃત્ત આઇપીએસ અધિકારી ) :  સુધા ભારદ્વાજ, પ્રસિદ્ધ આદિવાસી એક્ટિવિસ્ટ/વકીલ/પ્રાધ્યાપક છે. પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટિઝની રાષ્ટ્રીય સચિવ છે. તેનો જન્મ અમેરિકાના બોસ્ટન શહેરમાં 1 નવેમ્બર 1961 ના રોજ થયો હતો. તેમના માતા કૃષ્ણા પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી હતા. તેઓ ભારત પરત આવ્યા અને દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં સેન્ટર ફોર ઈકોનોમિક સ્ટડીઝની સ્થાપના કરી. તે વખતે સુધાની ઉંમર 11 વરસની હતી. આજે પણ તેમની યાદમાં દર વર્ષે ‘કૃષ્ણા મેમોરિયલ લેક્ચર’ યોજાય છે, જેમાં જાણીતા અર્થશાસ્ત્રીઓ ભાગ લે છે. સુધા 1979માં IIT કાનપુરમાં દાખલ થયા અને 1984માં ગણિતમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. ભોપાલ ગેસ પીડિતો માટે કામ કર્યું. એ સમય દરમિયાન છત્તીસગઢના પ્રખર મજદૂર નેતા શંકર ગુહા નિયોગીના સંપર્કમાં આવ્યા અને તેમની સાથે છતીસગઢ મુક્તિ મોર્ચા શ્રમિક યુનિયનમાં જોડાયા. છત્તીસગઢના ખાણ શ્રમિકોના બાળકોને ભણાવવાનું કામ પણ કર્યું. એમના યુનિયનને વકીલોની ફી પોસાય તેમ ન હતી, અને સામે કોર્પોરેટ વકીલો હોય, એટલા માટે 2000માં 40 વર્ષની ઉંમરે તેઓ વકીલ બન્યા ! 2007થી બિલાસપુર હાઈકોર્ટમાં શ્રમિકોના/વંચિતોના કેસો લડે છે. તેમની લડાઈના કારણે મજદૂરોને કાનૂની મળવાપાત્ર વેતન મળ્યું/નહી ચૂકવેલ મજૂરી મળી/બોનસ મળ્યું /નોકરીની સ્થિતિમાં સુધાર્યો થયો/હેલમેટ અને બૂટ મળ્યા ! બનાવટી એન્કાઉન્ટરમાં નિર્દોષ આદિવાસીઓની હત્યાઓ/સુરક્ષા દળોના જવાનો દ્વારા આદિવાસી મહિલાઓ ઉપર બળાત્કારો/માનવ અધિકાર ભંગ/શ્રમ/ભૂમિ અધિગ્રહણ/વનાધિકાર/પર્યાવરણ સાથે જોડાયેલાં કેસો તેઓ લડ્યા. શ્રમિકો/કિસાનો/આદિવાસીઓ અને ગરીબ લોકોની તરફે તેઓ અડગ ઊભા રહ્યા ! તેથી તેઓ કોર્પોરેટ-પૂંજીપતિઓની આંખમાં ખટકતા હતા ! છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં કોલસાની ખાણો છે. આદિવાસીઓની જમીનો કોર્પોરેટ કંપનીઓએ વચેટિયા મારફતે પડાવી લીધી હતી. 2011માં સુધાએ હાઈકોર્ટમાં ‘છતીસગઢ લેન્ડ રેવન્યૂ એક્ટ, 1959’ની કલમ- 170B હેઠળ પીટિશન કરી અને 2014માં આદિવાસીઓને તેમની જમીન પરત અપાવી ! કલમ-170B આદિવાસીઓની જમીનનું હસ્તાંતરણ બિન આદિવાસીઓને થઈ શકતું નથી. 2013-14 માં સુધાને છતીસગઢ હાઈકોર્ટના જજ માટે પ્રસ્તાવ મળ્યો. પરંતુ એ પ્રસ્તાવ તેમણે સ્વીકાર્યો નહીં કેમકે તેઓ ગરીબો અને જરુરિયાતવાળાની પડખે ઊભા રહેવા ઈચ્છતા હતા ! તેમણે પોતાનો અમેરિકન પાસપોર્ટ ત્યજી દીધો છે ! તેઓ સાદાઈથી જીવે છે. ST બસ/ટ્રેનના જનરલ ડબ્બામાં મુસાફરી કરે. આદિવાસીઓની વચ્ચે ચટ્ટાઈ પાથરી સૂઈ જાય. કોટનની સાડી અને હવાઈ સ્લીપર એનો પહેરવેશ !

Sudha bhardwaj

ભીમા કોરેગાંવ મહારાષ્ટ્રમાં એક જગ્યા છે; જ્યાં દલિત મહારોની સેનાએ બ્રાહ્મણ પેશ્વાની સેનાને હરાવી હતી. તે જગ્યાએ દર વર્ષે દલિતો શૌર્ય દિવસ મનાવે છે. 2018 માં આ ઘટનાને 200 વરસ પૂરા થતાં હતા એટલે ‘એલ્ગાર પરિષદે’ એક સભાનું આયોજન કર્યું. તેમાં દેશના બુદ્ધિજીવીઓએ પ્રવચનો કર્યા. એ સમયે એક યાત્રાનું આયોજન કર્યું. તે યાત્રા ઉપર સાંપ્રદાયિક તત્વોએ હુમલો કર્યો. હુમલાના સૂત્રધાર હતા સંભાજી ભીડે અને મિલિંદ એકબોટે. સંભાજી ભીડેને વડાપ્રધાન પોતાના ગુરુ માને છે ! એટલે રાજ્યમાં સત્તાપક્ષની સત્તા હોવાથી પોલીસે પીડિત પક્ષને જ આરોપીઓ બનાવી દીધાં ! આરોપ મૂક્યો કે સભા કરનારા માઓવાદીઓ હતા ! જૂન 2018માં, પોલીસે ભીમા-કોરેગાંવની હિંસાના કેસમાં 16 લોકોને જેલમાં મોકલ્યા. તેમાં પ્રતિષ્ઠિત વિદ્વાનો, વકીલો, શિક્ષણશાસ્ત્રીઓ, સામાજિક કાર્યકરો અને કવિઓનો સમાવેશ થતો હતો. આ કેસમાં સુધા ભારદ્વાજની 28 ઓક્ટોબર, 2018ના રોજ ધરપકડ કરવામાં આવી. સત્તા કેટલું ખોટું કરી શકે તેનું આ ઉદાહરણ છે; સુધા ભારદ્વાજ આ સભામાં ગયા ન હતા કે સભા આયોજનના સભ્ય પણ ન હતા ! NIAએ એક પુરાવો ઊભો કર્યો કે દિલ્હીના એક કાર્યકર્તા રૌના વિલ્સનના લેપટોપમાંથી એક પત્ર મળ્યો છે; જેમાં આ બુદ્ધિજીવી લોકો વડાપ્રધાનની હત્યાનું કાવતરું કરી રહ્યા છે, તેવું ફલિત થતું હતું ! આ પત્રના સમાચાર પરમ ગોદી પત્રકાર અર્ણબ ગોસ્વામીએ રીપબ્લિક ટીવી ઉપર 4 જુલાઈ 2018ના રોજ વહેતા કર્યા હતા ! અમેરિકાની એક ડિઝિટલ ફોરેન્સિક લેબે તપાસ કરીને કહ્યું છે કે આ પત્ર, તપાસ એજન્સીએ લેપટોપમાં ‘પ્લાન્ટ’ કરેલો છે ! મતલબ કે આ પત્ર સુધા ભારદ્વાજ પાસેથી કે તેમના લેપટોપમાંથી મળ્યો ન હતો ! UAPAના કારણે તેમને જામીન મળતા નહતા. ત્રણ વરસ જેલમાં રહેવું પડ્યું. જેલમાં 35 મહિલા કેદીઓની બેરેકમાં 75 કેદીઓ સાથે તેઓ રહ્યા. દરેકને ‘શબપેટીની સાઇઝ’ જેટલી જગ્યા ફાળવવામાં આવી હતી. ખોરાકથી લઈને શૌચાલય, દરેક વસ્તુ માટે કતાર લાગતી હતી ! તેમણે પોતાનો સમય; મહિલા કેદીઓનાં બાળકોને ગીતો સંભળાવવામાં, જેલમાં કામ કરવામાં અને ઍડવર્ડ સ્નોડેન/ વિલિયમ ડૅલરીમ્પલ/ નાઓમી ક્લેઈન/ આલ્બર્ટ કામુની ‘ધ પ્લેગ ઇન ધ પ્રિઝન’ વગેરે પુસ્તકોના વાંચન કરવામાં પસાર કર્યો હતો. સુધા ભારદ્વાજ સામે આરોપ છે કે તેઓ પ્રતિબંધિત માઓવાદી પાર્ટીના નેતા છે, જે હથિયારોની હેરફેર/ અર્ધ સૈનિક દળો સામે કાવતરું કરવું / હથિયાર સાથેના ઓપરેશનની યોજના બનાવવી/સુરંગ બિછાવવી/ સમાજમાં અરાજકતા ફેલાવવી વગેરે પ્રવૃતિ સાથે જોડાયેલ છે ! સવાલ એ છે કે આવા ગંભીર આરોપ સબબ તાત્કાલિક સુનાવણી હાથ ધરીને સજા કરવી જોઈએ, પરંતુ ત્રણ વરસથી વધુ સમય થયો છતાં સુનાવણી થતી નથી; એ શું દર્શાવે છે? ત્રણ વરસ થયા છતાં પોલીસે ચાર્જશીટ કેમ રજૂ કર્યું નહીં?

સુધા ભારદ્વાજને 8 ડીસેમ્બર 2021ના રોજ, વિશેષ NIA કોર્ટે ‘ડિફોલ્ટ બેઈલ’ ઉપર મહારાષ્ટ્ર નહીં છોડવાની શરત સાથે છોડ્યા છે ! સુધા ભારદ્વાજ દિલ્હીની યુનિવર્સિટીમાં કાયદાનાં પ્રોફેસર તરીકેની પોતાની નોકરી પર પરત ફરી શકે એમ નથી અને ફરિદાબાદ સ્થિત પોતાના ઘરે પણ જઈ શકે એમ નથી. 1,000 કિલોમીટરથી વધુ દૂરના અંતરે ભિલાઈમાં મનોવિજ્ઞાનનો અભ્યાસ કરતી તેમની પુત્રીને પણ તેઓ મળી શકે એમ નથી. એટલે તેમને મુંબઈમાં આજીવિકા શોધવાની છે અને પરવડે એવું ઘર પણ શોધવાનું છે ! સુધા ભારદ્વાજ જેવા લોકો આ દેશના યુવાનો માટે હંમેશા પ્રેરણા સ્ત્રોત રહેશે. જે મહિલાને ભારત રત્ન આપવો જોઈતો હતો, તેને કોર્પોટેટ-ચોકીદાર સરકારે જેલ આપી !rs

Leave a Reply

%d bloggers like this: