અંધશ્રદ્ધા : હરિપ્રસાદ સ્વામીને ધરાવાયેલ થાળની ચમચી આપોઆપ ખસી !

રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર : વડોદરા નજીક સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી 26 જુલાઈ 2021ની મોડી રાત્રે 11.00 વાગ્યે, વડોદરાની ભાઇલાલ અમીન હોસ્પિટલમાં ‘અક્ષરનિવાસી’ થયા. તેમની ઉંમર 88 વર્ષની હતી. તેમને કિડનીની બીમારી હતી. તેઓ પ્રમુખસ્વામીના ગુરુભાઈ હતા. પરંતુ તેમણે અલગ સંપ્રદાય ઊભો કર્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક ફાટાઓ છે ! સ્વામીજીના શિષ્યોને દુ:ખ થાય તે સ્વાભાવિક છે. 28 જુલાઇથી 31 જુલાઇ સુધી તેમના દેહને અંતિમ દર્શન માટે મૂકેલ છે. દર્શન માટે મંદિર બહાર એકાદ કિલોમીટર લાંબી લાઈન થઈ હતી. 1 ઓગસ્ટે બપોરે 2:30 વાગ્યે તેમના અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવશે.

આ પણ વાંચો : લગ્નનું વચન આપ્યા બાદ જો વિવાહિત મહિલાની સહમતિથી સંબંધ બન્યા હોય તો તેવામાં પુરૂષને સંપૂર્ણપણે દોષી ન કહી શકાય – HC

દર્શન માટે રખાયેલ સ્વામીજીને ભોજનથાળ ધરવામાં આવ્યો હતો. આ અંગેનો વીડિઓ 29 જુલાઈના રોજ, zee 24 kalak gujarati ઉપર મૂકવામાં આવ્યો. તેમાં દર્શાવ્યું કે જ્યારે ભોજનથાળ સ્વામીજીના મુખ પાસે લઈ જવામાં આવ્યો ત્યારે ચમત્કાર થયો ! થાળમાં રહેલી ચમચી આપોઆપ ખસવા લાગી હતી ! બાળક પણ સમજે કે દેહમાંથી જીવ નિકળી જાય પછી મૃતદેહ ભોજન લઈ શકે નહીં. પરંતુ ભક્તોની શ્રધ્ધા ચમત્કાર સર્જે છે ! આપણા માસ મીડિયા કેટલી અંધશ્રદ્ધા ફેલાવે છે; તેનું આ ઉદાહરણ છે. સવાલ એ છે કે સ્વામીજીને જમાડવા જો ચમચીમાં જીવ આવે તો ડેડબોડીમાં જીવ કેમ ન આવે? થાળમાં રહેલી ચમચી એક બાજુથી બીજી બાજુ ખસી; પરંતુ ચમચીએ સ્વામીજીને ભોજન કેમ ન કરાવ્યું?આ ચમત્કારી ચમચીએ સ્વામીજીની બિમારી કેમ દૂર ન કરી? હવે કોઈ ભક્ત કરોડો રુપિયા આપીને આ ચમચી ખરીદી લેશે ! પ્રત્યેક ચમત્કાર સાવ નબળો હોય છે. ચમચી ખસે/મૂર્તિ દૂધ પીએ/મૂર્તિને પરસેવો વળે/કંકુ ઝરે/ખોવાયેલો પાસપોર્ટ મળી જાય વગેરે. ચમત્કારમાં ક્યારેય દમ હોતો નથી. દેશની ગરીબી દૂર થઈ જાય એવો ચમત્કાર કેમ થતો નહીં હોય? જૂઠ્ઠું બોલે, કોર્પોરેટ મિત્રોની જ ચિંતા કરે તેવો નેતા ચૂંટણીમાં હારી જાય, તેવો ચમત્કાર કેમ થતો નથી? દેશમાં કોઈ ગરીબ ન રહે; નાત-જાતના ભેદભાવ દૂર થઈ જાય તેવો ચમત્કાર કેમ થતો નથી? ચમચી/કંકુના ચમત્કારથી ભક્તોને ફાયદો શું? ભક્તિ ધાર્મિક હોય કે રાજકીય હંમેશા છેતરાવું પડે છે !

આપણે ચમત્કારનો દાવો કરતા નાના ભૂવાઓનો પર્દાફાશ કરી શકીએ છીએ; પરંતુ zee 24 kalak સામે કોઈ કાર્યવાહી કરી શકતા નથી !rs

Leave a Reply

%d bloggers like this: