રાજાએ લોકોને અને વેતાળે વિક્રમને ગોટાળે ચડાવી દીધાં !

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર : અમાસની મધરાત થઈ હતી. શ્મશાન ભૂમિમાં ચારે બાજુથી તમરાના અવાજો ભયાનક વાતાવરણ ઊભું કરતા હતા. રાજા વિક્રમાદિત્ય ઝાડ પર લટકી રહેલ વેતાળને પોતાના ખભે ઊંચકીને ચાલવા લાગ્યા. વેતાળે કહ્યું : “રાજન, રસ્તો લાંબો છે એટલે હું જુમલાદ્વિપના રાજાની વાર્તા સંભળાવીશ; પરંતુ વચ્ચે મૌનભંગ કરશો તો હું પરત જતો રહીશ !”

આ પણ વાંચો : ગુજરાતમાં પત્રકાર બિચારો કેમ છે ? – જિજ્ઞેશ કાલાવડિયા ( રાષ્ટ્રિય અધ્યક્ષ, ABPSS )

વેતાળે કથાની શરુઆત કરી : “જુમલાદ્વિપમાં એક જૂઠજીવી નામના રાજા રાજ કરતા હતા. રાજન ! આમ તો દરેક રાજાઓના નામ ઈતિહાસના પાનાઓમાં આપોઆપ નોંધાઈ જતા હોય છે; પરંતુ રાજા જૂઠજીવીને પોતાનું નામ ઈતિહાસમાં એકથી વધુ પાનાઓમાં નોંધાઈ જાય તેની તીવ્ર ઈચ્છા હતી. એટલે તેઓ નવી નવી યુક્તિઓ અજમાવતા હતા. પ્રજા કલ્યાણના કોઈ કામ કર્યા વિના પ્રજાહિતેષી શાસકની ઈમેજ બનાવવાની તેમને વ્યસન થઈ ગયું હતું ! એક વખત રાજા જૂઠજીવીએ વજીરને બોલાવીને કહ્યું કે ‘રાત્રે વેશપલટો કરીને પ્રજા વચ્ચે જવું છે; પ્રજા પોતાના રાજા વિશે શું કહે છે, તે જાણવું છે; તૈયારી કરો !’ વજીરે સલાહ આપી કે ‘સાહેબ ! પ્રજા વચ્ચે જવા જેવું નથી ! સુરક્ષા નથી. આપણા રાજ્યના બે સૂબાઓની પોલીસ અંદરોઅંદર દુશ્મનની જેમ લડી રહી છે; અને આપણે કંઈ કરી શકતા નથી ! લોકો રાત્રે જ નહીં, દિવસે પણ બહાર નીકળતા ડરે છે. ક્યારે પોલીસ ઊઠાવી જાય એ નક્કી નહીં ! વળી આપણે તો દિવસે પણ Z+ સીક્યુરિટી વિના નીકળતા નથી; તો રાત્રે કોઈ સુરક્ષા વિના જઈએ તો ડર નહીં લાગે? કોઈ બીજો જ રસ્તો શોધવો પડે. સાહેબ ! આપણે લોકોના મનની વાત જાણવા જાસૂસી કરવી જોઈએ. આપણે અગાઉ એક સુકન્યાની જાસૂસી કરાવી હતી; અને તેનો હોબાળો થયો હતો. પરંતુ હવે સ્પાયવેરના ઉપકરણથી કોઈને ગંધ પણ ન આવે તે રીતે જાસૂસી કરી શકાય છે ! આપણી બધી એજન્સીઓ પોપટ છે. જેમ કહીએ તેમ કરશે. વળી આપ જે કંઈ કરો છો તે લોકોના ભલા માટે જ કરો છો; પછી ચિંતા શેની? સાહેબ, આપ જાસૂસી કરાવશો તો લોકોના ભલા માટે જ કરાવશો ! વળી આને જાસૂસી પણ ન કહેવાય; આ તો લોકોના મન કી બાત જાણવાની જ વાત છે ! આ વિદેશી સ્પાયવેર એવું છે કે કોઈના મોબાઈલ ફોનમાં મિસકોલ કરીએ તો તે મોબાઈલમાં થતી બધી વાતચીત/મેસેજ/ફોટા/રેકોર્ડિંગની આપણને ખબર પડે !’ રાજા જૂઠજીવીએ વજીરને લીલી ઝંડી આપી. સીક્રેટ ફંડમાંથી વિદેશી સ્પાયવેરની ખરીદી કરીને પ્રજાના દુખ-દર્દ જાણવા માટે; રાજાની આલોચના કરનારાઓ/પત્રકારો/દરબારીઓ વગેરેની જાસૂસી શરુ થઈ ગઈ ! રાજાના મનની વાતથી; પ્રજાના મનની વાત જુદી રહેતી તેને જેલમાં પૂર્યા ! પરંતુ ન થવાનું થઈ ગયું. અગાઉ સુકન્યાની જાસૂસીનો ભેદ સ્થાનિક અખબારે ખોલી નાખ્યો હતો; આ વખતે વિદેશી અખબારોએ જાસૂસીનો ભેદ ખોલી નાખ્યો ! જાસૂસી સ્પાયવેર બનાવતી કંપનીએ વટાણા વેરી નાખ્યા કે અમે જે તે દેશના રાજાના આદેશ મુજબ તેમની એજન્સીઓને જ જાસૂસી ઉપકરણ/સ્પાયવેર વેચીએ છીએ ! કોઈ ખાનગી વ્યક્તિ કે ખાનગી સંસ્થાને વેચતા જ નથી !”

વેતાળે રાજા વિક્રમાદિત્યને પૂછ્યું : “રાજન ! મને કહો કે રાજા જૂઠજીવીએ આ મુસીબતનો સામનો કઈ રીતે કર્યો? જો જાણતા હોવા છતાં આપ જવાબ નહીં આપો તો તમારા માથાના ટુકડા ટુકડા કરી નાંખીશ !”

વિક્રમાદિત્યએ વિચારીને કહ્યું : “ભાઈ વેતાળ, રાજા જૂઠજીવીએ જે રીતે લોકોને ગોટાળે ચડાવી દીધા હતા; તેમ તેં પણ મને ગોટાળે ચડાવ્યો દીધો ! રાજા તો રાજા જ હોય છે ! સાચું બોલે કે જૂઠ; એમના ભક્તો સાચું જ માને છે. સત્યવાદી રાજાઓનો જમાનો જતો રહ્યો; હવે જૂઠવાદીઓનું જ રાજ છે. હવે જૂઠની બોલબાલા છે; સાચા તો જેલમાં હોય છે. રાજા જૂઠજીવીએ હંમેશની માફક પોતે મૌન ધારણ કરી લીધું અને પોતાના દરબારીઓ મારફતે જૂઠ્ઠું બોલાવીને પોતાની સામેના આરોપમાંથી છટકી ગયા ! જાસૂસી કાંડની તપાસ વિદેશોમાં થઈ અને અપરાધીઓની ઓળખ પણ થઈ. પરંતુ રાજા જૂઠજીવીએ ક્યારેય કોઈ બાબતે પોતાની સામે તપાસ થવા જ દીધી નહતી; તો આ બાબતે તપાસ કઈ રીતે થવા દે? એટલે તેમણે જાસૂસીકાંડમાં પણ કોઈ તપાસ-બપાસ થવા દીધી નહીં !”

“રાજન ! આપે બોલીને મૌનભંગ કર્યો છે; એટલે હું પરત જાવ છું !” એમ કહીને વેતાળ ઊડીને વૃક્ષની ડાળીએ જઈને ફરી લટકી ગયો ! [કર્ટસી : ડો. દ્રોણકુમાર શર્મા/ન્યૂઝ ક્લિક]rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *