IAS/IPS કેડરમાં કરપ્શનનું મહત્વ ઓક્સિજન જેવું બની ગયું છે !

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર : મધ્યપ્રદેશમાં 2014ની બેચના 35 વર્ષના IAS અધિકારી લોકેશ જાંગિડની 2016 થી 2021 દરમિયાન; 4 વરસમાં 8 બદલીઓ થઈ ! લોકેશે ‘IAS એસોસિએશન’ના WhatsApp ગૃપમાં પોતાની હૈયાવરાળ ઠાલવી કે “બડવાનીના કલેક્ટર શિવરાજસિંહ વર્મા મારા કારણે પૈસા ખાઈ શકતા ન હતા એટલે તેમણે CM શિવરાજસિંહ ચૌહાણના કાન ભંભેરી મારી બદલી કરાવી છે. બન્ને કિરાર સમુદાયના છે. કલેક્ટરની પત્ની ‘કિરાર મહાસભા’ની સેક્રટરી છે અને CMના પત્ની અધ્યક્ષ છે. હું નિવૃત થઈશ ત્યારે પુસ્તક લખીશ; તેમાં બધી હકીકત જણાવીશ. હાલ મારા હાથ બંધાયેલા છે.” IAS એસોસિએશનના પ્રમુખે WhatsApp ગૃપમાંથી મેસેજ ડીલીટ કરવા લોકેશને કહ્યું; પરંતુ લોકેશે લખ્યું કે “હું મેસેજ હટાવીશ નહી. આપ મને ગૃપમાંથી હટાવી શકો છો. આપ એસોસિએશનના પ્રમુખ છો અને મને હટાવવાની બધી સત્તા આપની પાસે છે. વૈસે ભી તો ઈસ નિઝામ મેં મુઝે કુચલા જા રહા હૈ. આપ ભી કુચલ દો !” ત્યારબાદ લોકેશને WhatsApp ગૃપમાંથી રીમૂવ કરવામાં આવેલ. આ ગૃપના કોઈ સભ્યે લોકેશની હૈયાવરાળ સાર્વજનિક કરી હતી; જેના કારણે મધ્યપ્રદેશમાં ઊહાપોહ મચી ગયો.

લોકેશની નિમણૂંક બડવાનીમાં અપર કલેક્ટર તરીકે થતા તેમના ધ્યાને આવેલ કે કોરોના મહામારી દરમિયાન 30 હજારની કિંમતના Oxygen Concentrator 60 હજારમાં ખરીદવામાં આવ્યા હતા ! બીજા ઉપકરણોની ખરીદીમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો હતો. તેમણે આ ભ્રષ્ટાચાર બંધ કરાવ્યો. પરંતુ લોકેશની બદલી 42 દિવસમાં જ થઈ ગઈ ! લોકેશને બડવાની જિલ્લાના કોરોના પ્રભારી બનાવેલ. એપ્રિલ/મે 2021માં તેઓ હંમેશા ફિલ્ડમાં રહેતા. કોરોનાની પ્રથમ લહેર વેળાએ બડવાનીમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાયેલ; પરંતુ બીજી લહેર વેળાએ લોકેશની રણનીતિ અને મહેનતના કારણે કોરોના સંક્રમણના ઓછા કેસો થયેલ. જ્યારે GADના સચિવે તેમની બદલીની જાણ લોકેશને કરી; તે વાતચીત લોકેશે ટેપ કરેલ. પોતાના ચાર મિત્રોએ જ્યારે પૂછ્યું કે બદલી કેમ થઈ? ત્યારે લોકેશે તેમને ટેપ કરેલ ઓડિઓ ક્લિપ મોકલી હતી. આ ઓડીઓ ક્લિપ પણ વાયરલ થતાં વિશ્વાસ અને પ્રાઈવેસીનું ઉલ્લંઘન કેમ કર્યું? તે અંગે 16 જૂન 2021ના રોજ GAD-જનરલ એડમિનિસ્ટ્રેશન ડીપાર્ટમેન્ટે લોકેશને નોટિસ આપી છે. સરકાર લોકેશની પાછળ પડી ગઈ છે. લોકેશની નાની ભૂલો શોધીને પર્વત જેવડી કરશે !

આ પણ વાંચો : ‘ અનામત વિશે સાદી સમજ ‘ – નેલ્સન પરમાર

થોડાં પ્રશ્નો : [1] એક યંગ IAS અધિકારીને શામાટે એસોસિએશનના ગૃપમાં હૈયાવરાળ ઠાલવવી પડી? શું એસોસિએશનનું WhatsApp ગૃપ સીનિયર અધિકારીઓની વાહવાહી માટે હોય છે કે મૂંઝવણ/માર્ગદર્શન માટે હોય છે? [2] 4 વરસમાં 8 બદલીઓ થાય તે ઉચિત કહેવાય? છેલ્લી બદલી તો 42માં દિવસે થઈ ગઈ ! લોકેશની કામગીરી ઉત્તમ હોવા છતાં તેમની બદલી કેમ થઈ? શું આખી દાળ કાળી નથી? [3] લોકેશે પોતાના ઉપરી અધિકારીના ભ્રષ્ટાચારની વાત કરી છે; તેની તપાસ કરવાને બદલે પ્રામાણિક અધિકારીને બદલી કરી હેરાન કરવાની નીતિ કેમ? [4] કોરોના મહામારીમાં મેડિકલ ઉપકરણો ખરીદીમાં ભ્રષ્ટાચાર કરે તેમની સામે તપાસ કેમ નહીં? [5] લોકેશને બોલાવીને તેમની ફરિયાદ સાંભળવાની IAS એસોસિએશનના પ્રમુખની જવાબદારી ન હતી? જો યંગ IASને સહાનુભૂતિથી સાંભળવામાં ન આવે; તેમને હૂંફ/માર્ગદર્શન આપવામાં ન આવે તો એસોસિએશનની રચના કરવાનો કોઈ અર્થ ખરો? [6] હવે પછીની લડાઈ લોકેશે એકલા લડવી પડશે; સામે ભ્રષ્ટ સરકાર/અધિકારીઓ/ન્યાયતંત્ર છે; લોકેશને ન્યાયથી વંચિત રાખવાની બધી યુક્તિ-પ્રયુક્તિઓ અજમાવવામાં આવશે; શું સત્યનો જય થશે? પ્રામાણિક અધિકારીઓ માટે શું નાગરિક સંગઠનોએ અવાજ ન ઊઠાવવો જોઈએ? ઈમાનદાર છો તો સહન કરો; એવી આપણી મેન્ટાલિટી શું નુકશાનકારક નથી? [7] IAS/IPS કેડરમાં કરપ્શનનું મહત્વ ઓક્સિજન જેવું બની ગયું છે; એની ચિંતા નાગરિક સમાજ કેમ કરતો નથી?rs

Leave a Reply

%d bloggers like this: