સરકારને ખાત્રી હતી કે લાશો વિરોધ નહીં કરે !

રમેશ સવાણી, ભુતપૂર્વ, IPS ઓફીસર :  વડાપ્રધાને પોતાની છબિ ચમકાવવા કેટલાંક સૂત્રો વહેતા કર્યા હતા; જેમકે અચ્છે દિન આને વાલે હૈ ! તે રીતે આ સૂત્ર પણ હતું : ‘minimum government and maximum governance-ન્યૂનત્તમ સરકાર, અધિકત્તમ શાસન !’ લોકોને આ સૂત્ર બહુ ગમતું; કેમકે લોકોને આવું જ શાસન જોઈતું હતું ! લોકોને લાગ્યું કે આ વડાપ્રધાન; પૂર્વ PM મનમોહનસિંઘ કરતાંય ક્યાંય આગળ નીકળી જશે ! આ સૂત્ર બોલવામાં સારું લાગે પણ અમલમાં મૂકવું અતિ મુશ્કેલ છે. આ સૂત્રમાં પ્રભાવી શાસનની વાત હતી.

કોરોના મહામારીની બીજી લહેર વેળાએ એપ્રિલ-મે 2021માં બેડ/મેડિકલ સ્ટાફ/દવા/ઈન્જેક્શન/વેન્ટિલેટર/ઓક્સિજન વગેરે સુવિધાઓના અભાવે દેશભરમાં રોજે હજારો લોકોના જીવ ગયા. સ્મશાનમાં લાકડા ખૂટી પડ્યા; મૃતદેહોની લાઈન થઈ; ટોકન ઈસ્યુ કરવા પડ્યા. કબ્રસ્તાનમાં જગ્યા ન રહી. શબને ગંગાનદીમાં વહેતા મૂકી દીધા. લોકોને નોટબંધીની કળ વળી ન હતી ત્યાં GST આવ્યું; લોકડાઉન આવ્યું ! બેરોજગારીમાં પીસાતા લોકો પાસે અંતિમવિધિના પૈસા ન હોવાથી ગંગા નદીના પટમાં લાશોના અગ્નિસંસ્કારને બદલે મજબૂરીથી ભૂમિસંસ્કાર કર્યા ! વરસાદ થવાથી, રેતી ધોવાઈ જતા ભૂમિસંસ્કાર ઉપરની ચૂંદડી/કફન દેખાતા મોતના આંકડા છૂપાવવાનો ભાંડો ફૂટ્યો. રોજના 30,000થી વધુ મોત થતા હતા; પરંતુ સરકારી આંકડો 3500/4000નો રહેતો ! સોશિયલ મીડિયા અને વિદેશી મીડિયામાં ગંગામાં તરતી લાશો અને તટ ઉપરની દટાયેલી લાશોના ફોટાઓ/વીડિઓના કારણે સરકારની maximum governance-અધિકત્તમ/પ્રભાવી શાસનની પોલ ખૂલ્લી પડી ગઈ !

આ પણ વાંચો – શું “મેડિકલ માફિયા”માં બૉલિવૂડ અભિનેતાને ટક્કર આપવાની હિંમત છે? રામદેવનો IMA પર વાર

તરતા/દટાયેલા મૃતદેહો સરકારનો ભાંડો ફોડશે; એવી કલ્પના વડાપ્રધાને કરી ન હતી. એમણે માન્યું કે કોર્પોરેટ મીડિયા શબોને સંતાડી રાખશે ! પરંતુ ન્યૂયોર્ક ટાઈમ્સે સર્વે કરાવ્યા બાદ 25 મે 2021ના રોજ લખ્યું કે “ભારતનમાં મોતનો સરકારી આંકડો 3 લાખ છે; પરંતુ વાસ્તવમાં મોતનો આંકડો 6 લાખથી 42 લાખ વચ્ચેનો છે !” આ અખબારે સરકારની/વડાપ્રધાનની ‘લઘુત્તમ શાસન’ની સખ્ત આલોચના કરી. સરકાર માટે મોં સંતાડવાની જગ્યા ન રહી; ત્યારે સરકારે લાશોને સબક શીખવાડ્યો ! 24 મે 2021 રોજ, અલ્લાહબાદ જિલ્લાના ફાફામઉ અને શ્રૃંગ્વેરપુર ગંગા-ઘાટ ઉપર રેતીમાં દફનાવેલ શબો ઉપર લાલ/પીળી ચૂંદડી/કફન 100થી વધુ સફાઈ કર્મચારીઓ મારફતે હટાવી દીધી ! પરિજનોએ ઓળખ માટે શબ ફરતે લાકડીઓ રેતીમાં ખોસી હતી તે પણ હટાવી દીધી ! તટ ઉપર ચોકીદાર મૂકી દીધા કે કોઈ લાશ દફનાવવા ન આવે ! સરકારને ખાત્રી હતી કે લાશો વિરોધ નહીં કરે ! સરકારે મૃતદેહો સાથે અમાનવીય/જંગલી વ્યવહાર કર્યો. કેમેરાજીવી વડાપ્રધાનને કેમેરાએ ડરાવી દીધા ! સરકારે, મીડિયાને સરકારી જાહેરખબર નહી મળે તેવી સૂચના આપી; દિલ્હી પોલીસે ટ્વીટર ઇન્ડિયાની કચેરી ઉપર રેઈડ કરી અભિવ્યક્તિની સ્વતંત્રતાને કચડી નાખવાની ચેષ્ટા કરી. જ્યારે કોરોના મહામારીમાં સરકાર લાપતા હતી ત્યારે સોશિયલ મીડિયાએ નાગરિકોને એકબીજાનો સંપર્ક કરવામાં/મદદ કરવામાં અતિ મહત્વની ભૂમિકા ભજવી હતી; સરકારને એ કેમ ગમે? પોતે કંઈ ન કરે; બીજા મદદ કરે તેની પણ ઈર્ષા? કોઈ પણ બાદશાહ પોતાની તાનાશાહીનો આરંભ અભિવ્યક્તિની આઝાદી છીનવીને કરતો હોય છે !rs

( તસ્વીર પ્રતિકાત્મક )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *