રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર : ચૂંટણી વેળાએ રાજકીય પક્ષોના ઢંઢેરામાં ગરીબો/મધ્યમવર્ગ ઉપર ધ્યાન આપે છે. મોટી મોટી યોજનાઓના સ્વપ્નાઓ દેખાડે છે. ખાત્રી પણ આપે કે અચ્છે દિન આને વાલે હૈ ! ચૂંટણી પછી ગરીબ/મધ્યમવર્ગને કંઈ મળતું નથી. એટલું જ નહીં સરકાર તો પડ્યા ઉપર પાટું મારે છે !
કોવિડ-19 ની વેક્સિનનું જ ઉદાહરણ લઈએ. સરકારે ‘ઓન લાઈન રજિસ્ટ્રેશન’ કરાવે તેને જ વેક્સિન આપવાનું નક્કી કર્યું. વ્યવસ્થા જળવાય તે માટે ઓન લાઈન રજિસ્ટ્રેશન જરુરી; પરંતુ ગરીબ લોકો પાસે સ્માર્ટફોન ન હોય; તે કઈ રીતે રજિસ્ટ્રેશન કરાવે? તેનો વિચાર પણ કરવો જોઈએ. ‘ડ્રાઈવ થ્રુ વેક્સિન’ની યોજનામાં પણ જેમની પાસે કોઈ વ્હીકલ ન હોય તેનું શું? 29 મે 2021ના અખબારમાં સમાચાર છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને GMDC ગ્રાઉન્ડ ખાતે 27 તારીખથી એપોલો હોસ્પિટલને ‘પેઈડ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન’ માટે મંજૂરી આપી છે; જે 1000 રૂપિયાનો ચાર્જ વસૂલ કરે છે. 28 તારીખથી સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે શેલ્બી હોસ્પિટલને ‘પેઈડ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન’ માટે મંજૂરી આપી છે, જે 1000 રૂપિયાનો ચાર્જ વસૂલ કરે છે. એટલું જ નહીં, ચાર જગ્યાએ ‘ફ્રી ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન’ના કેમ્પ ચાલતા હતા તે AMCએ બંધ કરી દીધા ! 18 થી 44 વય જૂથના લોકોએ ‘કોવિન’ પોર્ટલ ઉપર ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. પરંતુ દિવસો સુધી રાહ જોવા છતાં ટાઈમ સ્લોટ મળતો નથી. પરંતુ એપોલો કે શેલ્બી હોસ્પિટલને રુપિયા 1000 આપો તો રજિસ્ટ્રેશનની કોઈ જરુર જ નહીં !
આ પણ વાંચો – સરકારને ખાત્રી હતી કે લાશો વિરોધ નહીં કરે !
એક તરફ વેક્સિનની અછત છે; તારીખો લંબાય છે. બીજી તરફ એપોલો/શેલ્બી જેવી ખાનગી હોસ્પિટલો વેક્સિન ક્યાંથી લાવતી હશે? ખાનગી હોસ્પિટલો વેક્સિન મેળવી શકે તો સરકારને શું વેક્સિન મળતી નહીં હોય? સાર એટલો જ કે સરકારને વંચિતો/ગરીબો/મધ્યમવર્ગની ચિંતા હોતી નથી; સરકાર હંમેશા અમીર તરફી હોય છે !rs
( તસ્વીર પ્રતિકાત્મક છે )