સંકુચિત વિચારસરણીના ફળ કડવા જ હોય છે !

રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર : કેટલાંક દલિતોને ‘હિન્દુત્વ’વાળી વિચારધારા ગમે છે; એટલે RSS સાથે જોડાય છે. ‘સમાનતા’ નહીં પરંતુ ‘સમરસતા’ની તરફેણ કરે છે ! રાષ્ટ્રવાદ ગાંજાનું કામ કરે છે. દલિતોને ડો. આંબેડકર કરતા કટ્ટરવાદી વિચારધારામાં પોતાનો ઉધ્ધાર દેખાય છે ! દલિત આગેવાન મૂળચંદ રાણા 48 વર્ષ સુધી RSS સાથે જોડાયેલ રહ્યા. ગુજરાત સરકારે 2000 થી 2006 સુધી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય તરીકે નિયુક્તિ કરી. તેમણે 1970માં RSSમાં પ્રવેશ કર્યો હતો અને 12 ફેબ્રુઆરી 2018ના રોજ RSS અને BJP સાથે છેડો ફાડી નાખ્યો હતો ! આ મોહભંગ અંગે મૂળચંદ રાણાએ સપ્ટેમ્બર 2020માં પુસ્તક લખ્યું છે-‘વ્યામોહ.’ વ્યામોહનો અર્થ થાય છે સબળ મોહ/ભ્રાંતિ/અજ્ઞાન/વ્યાકુળતા ! ‘સંઘ’થી સમાજ સુધીની કથા છે.

આ પણ વાંચો : કોઈની મરજી, ગમા-અણગમાની પરવા કર્યા સિવાય સર્જાતી ઘટના એટલે બળાત્કાર – બકુલા સોલંકી

સંકુચિત વિચારસરણીના ફળ કડવા જ હોય છે; તેનો ખ્યાલ મૂલચંદ રાણાને ધીમે ધીમે આવતો ગયો. તેઓ લખે છે : “ખૂબ જ મુગ્ધાવસ્થામાં મારો સંઘ પ્રવેશ થયો. રાષ્ટ્રવાદ અને આદર્શવાદના સહારે એક અર્ધી સદી પસાર કરી નાખી. પણ, જે સંઘ હું છોડી રહ્યો છું એ મારો સંઘ નહોતો. સામાજિક સમરસતાના રોજ ભજવાતા નાટકોથી હું તંગ આવી ગયો હતો. ‘સંઘ’ અને ‘સમાજ’માં હું એક સાથે જીવી શકું એમ નહોતો. સંઘમાં રહીને સમાજનું ભલું ન થઇ શકે, એ વાત મને સમજાઈ ચૂકી હતી. સમરસતા એટલે ? જાતિઓ એમને એમ, વર્ણ વ્યવસ્થા એમને એમ, બસ ખાલી બધી જાતિઓ, બધા વર્ણો પોતપોતાની વર્ણ ઓળખ બરકરાર રાખી એક બીજા સાથે સૌહાર્દ જાળવે ! જે ઉચ્ચ છે એ ઉચ્ચ જ રહે, જે નીચો છે એણે તો બધું ચૂપચાપ ચલાવી લેવાનું. હા, એને સરસ રીતે બોલાવવા ચલાવવામાં આવશે. ક્યારેક એને સહભોજન કરાવી તૃપ્ત કરવામાં આવશે પણ જો એણે એના નામ પાછળ ‘સિંહ’ લખ્યું/લગ્નમાં ઘોડીએ બેઠો તો એનું આવી જ બને ! 29 સપ્ટેમ્બર 2008ના રોજ નાસિક જિલ્લાના માલેગાંવમાં એક મસ્જિદ પાસે આતંકવાદી હુમલો થયો; જેમાં 6 લોકોના સ્થળ ઉપર જ મોત થઈ ગયા અને 100થી વધુ લોકો ઘાયલ થયાં. આ કેસની તપાસ IPS અધિકારી હેમંત કરકરે કરતા હતા. આ કેસમાં કાવતરાખોરોના નામો ખૂલતા ગયા એમ મારા આઘાતનો પાર ન રહયો. દુર્ગાવાહિની રાષ્ટ્રીય પદાધિકારી સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર/BJPનો સક્રિય કાર્યકર શ્યામ નારાયણ સાહુ,/ સંઘની ભગીની સંસ્થા-પૂર્વ સૈનિક સેવા પરિષદ મુંબઈનો અધ્યક્ષ મેજર રમેશ ઉપાધ્યાય/વીર સાવરકરના નામ સાથે જોડાયેલ સંસ્થા અભિનવ ભારતનો પૂર્વ સ્થાપક લેફ. કર્નલ પ્રસાદ પુરોહિત,/ જમ્મુ શારદાપીઠના મહંત સ્વામિ દયાનંદ પાંડે/ ડો. પ્રવીણ તોગડિયા. (ગુજરાતના નહીં ઔરંગાબાદના બીજા એક પ્રવીણ તોગડિયા.) બીજા ડઝનથીયે વધુ ધરપકડ કરાયેલ નામોની યાદી જ્યારે મેં વાંચી ત્યારે જોયું કે આતંકવાદની આવડી મોટી ઘટનામાં તમામ નામો હિંદુ હતા ! વળી, કેટલાક તો હિંદુ અનુયાયી તરીકે જેમના હું ચરણસ્પર્શ કરું, એ કક્ષાના મઠાધિપતિ હતાં ! અરે એથી આગળ કેટલાક તો જેમના માટે આપણે ગર્વ લઈએ એવા ભારતીય સેનાના અધિપતિઓ હતા ! એમાં એકેય મુસ્લિમ ન હોઈ મેં આ લિસ્ટ ફરી એકવાર ચેક કર્યું. અને મારા પગ નીચેથી ધરતી સરકી રહી હતી. મારી હિંદુ આસ્થામાં મસ મોટા ચીરા પડવા લાગ્યા.”

2006મા પણ માલેગાંવમાં એક સાથે અનેક બોમ્બ બ્લાસ્ટ થયેલ; જેમાં 40 લોકોના મોત થયા હતા; 125થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ કેસમાં 2013માં NIAએ ચાર્જશીટ કરેલ તેમાં આરોપીઓ હિન્દુ કટ્ટરવાદી ગૃપ ‘અભિનવ ભારત’ના ઈસમો હતા. ‘સંધ’નું માળખું સામંતવાદી છે; તેમાં ચૂંટણી થતી નથી; ટોચના સ્થાને ઉપલા વર્ણની વ્યક્તિની જ નિમણૂંક થાય છે. જે રીતે ધર્મ સંસ્થાઓમાં દલિતોને સ્થાન અપાતું નથી; તેમ સંધ સંચાલિત સરકારમાં પણ દલિત કલ્યાણ તરફ ધ્યાન આપવાની માનસિકતા હોતી નથી. તેઓ લખે છે : “દલિત સમાજ માટે અત્યંત આવશ્યક એવી ખાસ અંગભૂત યોજના, SCP/TSP-Special Component Plan Tribal Sub-Plan બિલને કાયદાનું રુપ આપવાનું મારું સ્વપ્ન હતું. જેને અખિલ ભારતીય નેતૃત્વનો ટેકો હતો. હું મુખ્યમંત્રી રુપાણીને 10 જુલાઈ 2017ના રોજ મળ્યો. તેમણે સ્પષ્ટ ના પાડી. સંઘ વિચારધારા ત્યજવાનો મારા માટે મોટો આંચકો હતો.” મૂલચંદ રાણા 67 વર્ષે સંકુચિત/કટ્ટરવાદી/રુઢિવાદી/સામંતી સંગઠનમાંથી સ્વતંત્ર થયા; તે આવકારદાયક છે. તેઓ લખે છે કે દલિતો સવાયા હિન્દુ બન્યા છે; ભણેલા દલિતો કર્મકાંડ કરે છે; નૈવેધ કરે છે; પગપાળા યાત્રાઓ કરે છે; ‘હિન્દુત્વ’ના વૃક્ષને પાણી પાય છે; છતાં એમના ભાગે અત્યાચારો સિવાય કશુંય આવતું નથી ! ‘વ્યામોહ’ અનેક દલિત/બિનદલિત યુવાનોને ખોટા રસ્તે જતાં અચૂક અટકાવશે !rs

Leave a Reply

%d bloggers like this: