તાનાશાહ હંમેશા ડરતો હોય છે; એટલે જાસૂસી કરાવે છે !

રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર : હિન્દીના પ્રસિધ્ધ વ્યંગ્ય લેખક હરિશંકર પરસાઈએ કહ્યું હતું : “તાનાશાહ એક ડરપોક માણસ હોય છે. જો પાંચ ગધેડા સાથે રહીને ઘાસ ખાઈ રહ્યા હોય તો તાનાશાહને ડર લાગે છે કે ગધેડા પણ મારી સામે કાવતરું કરી રહ્યા છે !”

હાલના કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાતના તત્કાલિન ગૃહમંત્રીએ માનસી સોની અને IAS અધિકારી પ્રદીપ શર્માની જાસૂસી કરાવી હતી. રાજ્યમાં IB-Intelligence Bureau હોય છે; કેન્દ્ર સરકાર પાસે IB હોય છે. તેમનું કામ આતંકવાદી પ્રવૃતિઓ/નક્સલ મૂવમેન્ટ/ગુનાખોરીની પ્રવૃતિઓની જાસૂસી કરવાનું હોય છે. પરંતુ સરકાર IBનો ઉપયોગ રાજકીય હેતુ માટે થાય છે. CM/PMને સતત ડર રહે છે કે પોતાની સામે કાવતરું થઈ રહ્યું છે ! જાસૂસી માટે લેટેસ્ટ ઉપકરણો ઉપલબ્ધ છે. અમુક ઉપકરણો માત્ર સરકાર જ ખરીદી શકે છે. જાસૂસી માટે Pegasus-પેગાસસ સોફ્ટવેયર એવું છે કે તેનાથી હેકપ્રૂફ ફોન પણ હેક કરી શકાય છે; ફોનથી થતી વાતચીત/ઈમેઈલ/ફોટો વગેરે આંતરી શકાય છે. પેગાસસ એક ખતરનાક Spyware-સ્પાયવેર છે; જે ખબર ન પડે તે રીતે કોઈ પણ ડિવાઈસની જાસૂસી કરે છે. પેગાસસ સોફ્ટવેયર ઈઝરાયેલના NSO ગૃપે તૈયાર કરેલ છે. પેગાસસનું બીજું નામ Q Suite છે. પેગાસસ સોફ્ટવેયર યૂઝરની મંજૂરી કે જાણકારી વિના તેના ફોનમાં ઈન્સ્ટોલ કરી શકાય છે. એક વખત ઇન્સ્ટોલ થયા બાદ તેને સહેલાઈથી દૂર કરી શકાતું નથી. ફોનમાં આ સોફ્ટવેયર છે એની જાણ પણ યૂઝરને થતી નથી. ફોનમાં પડેલા એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ ચેટને પણ વાંચી શકે છે. પાસવર્ડ/કોન્ટેક્ટ લિસ્ટ/કેલેન્ડર/મેસેજ/માઈક્રોફોન/કેમેરા વગેરે ઉપર નજર રાખે છે. યૂઝરનું GPS લોકેશન પણ ટ્રેક કરે છે. વ્હોટસએપ/ટેલિગ્રામ જેવા એપ્સ સુરક્ષિત નથી. આ સ્પાયવેયરની કિંમત 56 કરોડ કરતા વધુ છે. આટલી કિંમતમાં પેગાસસ સોફ્ટવેયરનું માત્ર એક વર્ષનું લાયસન્સ મળે છે. પેગાસસથી એક સાથે 50 ફોન ઉપર એક સાથે નજર રાખી શકાય છે. જાસૂસીનું રુપાળું નામ સર્વેલન્સ છે. સૌથી ખતરનાક બાબત એ છે કે દેશના દુશ્મનો/આતંકવાદીઓ/નકસલવાદી/સમાજની શાંતિ ડહોળનારાઓની જાસૂસી કરવાને બદલે સરકારની આલોચના કરનારા પત્રકારો/સંપાદકો/વિપક્ષના નેતાઓ/શાંતિપૂર્વક આંદોલન કરતા નેતાઓ/પોતાની પાર્ટીના નેતાઓ/અધિકારીઓ/જજ ઉપર રાજકીય હેતુથી સર્વેલન્સ રાખવામાં આવે છે.

આ પણ વાંચો : દલિત યુવાનને ધોડા પર ન બેસવા દેવાના કેસમાં નવ આરોપીને પાંચ વર્ષની સજા ફટકારતી ગાંધીનગર કોર્ટ

ફ્રાન્સની સંસ્થા Forbidden stories અને Amnesty International બન્નેએ સાથે મળીને ‘Pegasus Project’ હાથ ધરી પેગાસસ સ્પાય સોફ્ટવેયરની કુંડળી શોધી કાઢી છે. દુનિયાના 50,000 ફોનની સૂચિ એકત્ર કરી છે. આ સ્પાય સોફ્ટવેરનો ઉપયોગ 10 દેશોએ કર્યો છે; તેમાં ભારત/અઝરબેઝાન/બેહરીન/હંગેરી/કઝાકિસ્તાન/મેક્સિકો/રવાંડા/સાઉદી અરબ/સંયુક્ત આરબ અમિરાતનો સમાવેશ થાય છે. કેટલાંય રહસ્યો ખૂલ્લા કર્યા છે. ‘ફોરબિડન સ્ટોરિઝ’ એ પત્રકારોનો મંચ છે; જેની સ્થાપના 2015માં ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ લારેન્ટ રિચર્ડે કરી હતી. આ મંચનો હેતુ પત્રકારોની સંવેદનશીલ જાણકારીની રક્ષા કરવાનો છે; જો પત્રકારને કંઈ થઈ જાય તો આ મંચ તેની સ્ટોરીને પબ્લિશ કરે છે. ઉપરાંત પત્રકારો વચ્ચે સમન્વયનું કામ કરે છે. 38 દેશોમાં 60 ન્યૂઝ સંસ્થાઓ અને 100થી વધુ પત્રકારો કામ કરે છે. 18 જુલાઈ 2021ના રોજ, ‘વોશિગ્ટન પોસ્ટ’ અને ‘ગાર્ડિયન’ અખબારે ધડાકો કર્યો છે કે ભારતના 40 પત્રકારો; 3 વિપક્ષી નેતાઓ; 2 મિનિસ્ટર; અને એક જજની જાસૂસી થઈ હતી ! 2019ની લોકસભાની ચૂંટણી પહેલા ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’/ઈન્ડિયા ટુડે/નેટવર્ક 18/હિન્દુ/ઈન્ડિયન એક્સપ્રેસ/ધ વાયરના પત્રકારોની જાસૂસી થઈ હતી ! જય શાહનો ભાંડો ફોડનાર રોહિણી સિંહની જાસૂસી થઈ હતી. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે વડાપ્રધાને પોતાના જ બે મિનિસ્ટરની જાસૂસી કરાવી હતી ! ‘ગુજરાત મોડેલ’નો અમલ થઈ રહ્યો છે ! અતિ મોંઘા જાસૂસી ઉપકરણો વડે સરકારી એજન્સીઓના અધિકારીઓ જાસૂસી માટે પરસેવો પાડતા હોય છે. તેમની પાછળ ખર્ચાતા પુષ્કળ નાણા આપણા ટેક્સમાંથી ખર્ચાય છે અને તેનો દુરુપયોગ CM/PM કરે છે ! જાસૂસી કરાવનાર તાનાશાહી માનસિકતા ધરાવતા હોય તો જ પત્રકારો વગેરેનો તેને ડર લાગે ! વડાપ્રધાન માત્ર ‘મનકી બાત’ કરતા નથી; પરંતુ ખાનગીમાં પત્રકારોના મનની વાત સાંભળે છે ! ભારત સરકારે જાસૂસી કર્યાનો ઈન્કાર કર્યો છે. કેમકે આ પ્રકારની જાસૂસી કરવી તે Indian Telegraph Act 1885 અને IT Act હેઠળ પ્રતિબંધિત છે. સરકાર JPC/સુપ્રિમકોર્ટ મારફતે તપાસ કરવે તેવી જાસૂસીનો ભોગ બનનાર પત્રકારો/એક્ટિવિસ્ટ/જાગૃત નાગરિકોની માંગણી છે. જો આવી તપાસ થાય તો સરકાર દિગમ્બર થઈ જાય ! ચોંકાવનારી બાબત એ છે કે 40 પત્રકારોમાં એક પણ ગોદી પત્રકારનું નામ નથી !rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *