રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર : ગુજરાતમાં ચમત્કાર થયો છે. 30 જૂન 2021ના રોજ, જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના લેરિયા ગામે સત્તાપક્ષના કાર્યકરોએ આમ આદમી પાર્ટીના નેતાઓને કાળા વાવટા દેખાડ્યા ! ગુજરાતમાં સત્તાપક્ષને ક્યારેય કાળા વાવટા ગમતા નથી; કાળા વાવટા સહન થતાં નથી. લોકશાહીમાં કાળા વાવટા વિરોધનું પ્રતિક છે. વિરોધ એ લોકશાહીનો પ્રાણ છે. ‘ગુજરાત મોડલ’માં કાળા વાવટાને સ્થાન નથી. હાલના વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમની સભામાં કોઈ કાળારંગનો શર્ટ પહેરીને જાય તો તેને પોલીસ રોકતી ! પોલીસ ખિસ્સા રુમાલ અને મોજા પણ ચેક કરતી; જો તેનો રંગ કાળો હોય તો પોલીસ તેને નજરબંધ કરતી ! વિરોધપક્ષ કોઈ જગ્યાએ મુખ્યમંત્રીનો વિરોધ કરવા એકત્ર થાય તો પોલીસ તેને અગાઉથી અટક કરી; પ્રસંગ ન વિતે ત્યાં સુધી અટકાયતમાં રાખતી. 2014 પછી વડાપ્રધાનની પબ્લિક મીટિંગમાં આ પ્રોટોકોલનો પોલીસ અમલ કરે છે. ટૂંકમાં સત્તાપક્ષને કાળા વાવટાની એલર્જી છે !
આ પણ વાંચો : ચાલો શ્વાસ રોપીએ : રાજગઢ પ્રા.શાળા, તા. મહેમદાવાદ ખાતે દરેક બાળકને ચંદનના રોપાનું વિતરણ કરવામાં આવ્યું
લેરિયા ગામે સત્તાપક્ષના કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીના નેતાઓની ગાડી ઉપર હુમલો કર્યો તે શરમજનક ઘટના કહી શકાય. લોકશાહીમાં સત્તાપક્ષ પોતાના કાર્યકરોને હિંસા માટે છૂટ આપે તો તે આપખુદશાહી જ કહેવાય. IPC કલમ-307 [જીવલેણ હુમલો] હેઠળ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન કંપાઉન્ડમાં ધરણા કર્યા ત્યારે 15 કલાક બાદ પોલીસે FIR નોંધી અને સત્તાપક્ષના કાર્યકરની ક્રોસ FIR 307 હેઠળ પોલીસે 10 જ મિનિટમાં નોંધી ! સત્તાપક્ષનું ચરિત્ર સત્તાનો દુરુપયોગ કરવાનું હોય છે ! FIRમાં વિલંબ ત્યારે થાય જ્યારે પોલીસ ઉપર સત્તાપક્ષનું દબાણ હોય !
આ પણ વાંચો : આપણને બીજા તીર્થરાજ નહીં મળે ! – રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની હવા ઊભી થતાં સત્તાપક્ષને દોડવું હતું અને ઢાળ મળી ગયો છે ! ગુજરાત કોંગ્રેસ લોકોના પ્રશ્ન ઊઠાવતી નથી એટલે જ લોકોએ તેને સજા કરી છે ! સત્તાપક્ષ ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ઈચ્છે છે ! ગુજરાતમાં ‘આપ’નું મહત્વ વધે તો સત્તાપક્ષને ફાયદો થવાનો છે. મોંધી શિક્ષણ ફી/પેટ્રોલ-ડીઝલ-રાંધણ ગેસમાં તોતિંગ ભાવવધારો/કોરોના મહામારીમાં આરોગ્યક્ષેત્રે અરાજકતાને કારણે હજારો લોકોના જીવ ગયા/ખાનગી હોસ્પિટલોના કમરતોડ બિલો/ખેડૂતોની હાડમારી/આદિવાસી-દલિતો અને લધુમતીઓ સાથેનું અછૂતપણું/બેરોજગારી/મોંઘવારી વગેરે સમસ્યાઓ ઊભી કરનાર સત્તાપક્ષને ફરી વધુ બેઠકો ત્યારે જ મળે; જ્યારે ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ હોય. ત્રિપાંખિયા જંગમાં હંમેશા સત્તાપક્ષને ફાયદો થતો હોય છે. અદાણી/અંબાણીના સામ્રાજ્યનો આધાર પણ ગુજરાત છે; એટલે તેઓ બન્ને સત્તાપક્ષ જ સત્તામાં આવે તે માટે ધનના કોથળા ખૂલ્લા મૂકે. ચૂંટણીમાં ધન સૌથી પ્રબળ હથિયાર હોય છે. આર્થિક રીતે સત્તાપક્ષ હાથી જેવો છે અને વિપક્ષ બકરી જેવો છે; બન્ને વચ્ચેની લડાઈનું પરિણામ સત્તાપક્ષની તરફેણમાં જ આવે ! આ સ્થિતિ હોવા છતાં સત્તાપક્ષે શામાટે આમ આદમી પાર્ટીનો હિંસક વિરોઘ શરુ કર્યો હશે? 3 જુલાઈ 2021ના રોજ, સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાળિયાના ઘેર જઈ સત્તાપક્ષના કાર્યકરોએ શામાટે વિરોધ કર્યો હશે? કથાકારો લોકોને છેતરે છે; તેવું ગોપાલ ઈટાળિયાએ આમ આદમીમાં પ્રવેશ કર્યો ન હતો ત્યારે કહ્યું હતું. એમાં ભારોભાર સત્ય હતું. પરંતુ હાલે કથાકારોના નામે તેમનો વિરોધ કેમ? ‘આપ’ની ‘જનસંવેદના યાત્રા’ને લોકોનું સમર્થન મળતા સત્તાપક્ષ ભડક્યો હશે? આશ્ચર્ય એ છે કે સત્તાપક્ષના કાર્યકર્તાઓને કાળા વાવટાને શરણે જવું પડ્યું છે ! જેમને કાળા વાવટા ગમતા જ નથી; તેમણે કાળા વાવટા દેખાડવાની સ્થિતિ આમ આદમી પાર્ટીએ ઊભી કરી છે ! ગુજરાતમાં સત્તાપક્ષે આમ આદમી પાર્ટીનો આભાર માનવો જોઈએ; કેમકે તેમણે સત્તાપક્ષને કાળા વાવટાનું મહત્વ સમજાવી દીધું છે !rs