વધુ ધાર્મિક દેશ વધુ પછાત કેમ? તાલિબાન વિશે માહિતી!

રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર : ધાર્મિક દેશો રુઢિવાદી હોય છે. લકીરના ફકીર હોય છે એટલે કોઈ વૈજ્ઞાનિક શોધ પણ કરી શકતા નથી. એક તરફ ધાર્મિક દેશો વૈજ્ઞાનિક હથિયારોથી સત્તા કબજે કરી રહ્યા છે; વૈજ્ઞાનિક સાધનોનો દુરુપયોગ કરીને લોકોના માનસ પ્રદૂષિત કરી રહ્યા છે; તો બીજી તરફ વૈજ્ઞાનિક મિજાજનો વિરોધ પણ કરી રહ્યા છે !અફઘાનિસ્તાનનું ઉદાહરણ આપણી સામે છે ! અફધાનિસ્તાનમાં તાલિબાનો સરકાર સામે યુધ્ધે ચડ્યા છે. તાલિબાનોને સત્તા જોઈએ છે; કેમકે પોતાની વિચારસરણી દેશ ઉપર થોપવા માંગે છે. પોતે ઈચ્છે તે રીતે દેશનો વહિવટ ચાલવો જોઈએ તેવું તે ઈચ્છે છે. તાલિબાન એટલે? જેના હાથમાં ગન હોય; રોકેટ લોન્ચર હોય; દાઢી હોય; માથે પાઘડી હોય; ઢીલા સલવાર કુર્તા હોય; હિંસા કરતા હોય; મહિલાઓ બુરખામાં કેદ રાખતા હોય; બાળકીઓને શિક્ષણથી વંચિત રાખતા હોય; બુધ્ધની પ્રતિમાઓ તોડતા હોય; એવું ચિત્ર ઉપસે છે. સવાલ એ છે કે તાલિબાનો પ્રગતિશીલતાનો વિરોધ કેમ કરે છે? જો તાલિબાનોનું આ ચરિત્ર હોય તો અફઘાનિસ્તાનને ફાયદો થાય કે નુકશાન?

તાલિમ શબ્દ પરથી તાલિબ બન્યો છે. તાલિબાન એ તાલિબનું બહુવચન છે. તાલિબાન એટલે વિદ્યાર્થીઓ ! 1990ના દસકામાં અફઘાન સરકાર અને સરકાર વિરોધીઓ વચ્ચે સંઘર્ષમાં હિંસા ચાલુ થઈ હતી. તે સમયે રશિયાએ અફઘાન સરકારને સપોર્ટ કર્યો હતો. સરકાર વિરોધીઓ ગેરીલા યુધ્ધ લડતા હતા. આ લડાઈમાં કેટલાંય પરિવારો તૂટી ગયા. લોકોએ મહિલાઓ/બાળકો/વૃધ્ધોને પાકિસ્તાન/ઈરાન મોકલી આપ્યા. 1985થી 1990 વચ્ચે 40 લાખ લોકો પાકિસ્તાન/ઈરાનના રેફ્યુજી કેમ્પમાં રહેતા હતા ! સરકાર સાથે રશિયા હતું તો તાલિબાનો સાથે અમેરિકા ! ગૃહયુધ્ધ બરાબર જામ્યું ! રેફ્યુજી કેમ્પના બાળકો યુવાન થતાં તેમણે કટ્ટરપંથ અપનાવ્યો. પાકિસ્તાન બોર્ડર ઉપર સાઉદી અરબની મદદથી 2000 મદરેસા ઊભી કરવામાં આવી ! તેમાં શિક્ષણ આપવામાં આવ્યું કે ઇસ્લામથી અલગ જે કંઈ છે તે ખરાબ છે ! આ દુનિયામાંથી આ ખરાબી દૂર કરવાની છે ! આ ખરાબીએ જ તેમનું ઘર; માતાપિતા; બધું છીનવી લીધું છે. એટલે છેલ્લા શ્વાસ સુધી આ ખરાબી સામે લડવાનું છે ! આ જ સાચું શિક્ષણ છે, તેવું તાલિબાનો માને છે. ઈસ્લામ સિવાય બધું જ ખરાબ છે, એ એમની વિચારધારાનો પાયો છે ! વર્ષ 1990ની શરુઆતમાં રશિયાએ અફધાનિસ્તાન છોડ્યું ત્યારે ઉત્તર પાકિસ્તાનથી તાલિબાનોનું આગમન થયું; 1995 સુધી તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં સુન્ની મુસલમાનોના કઠોર નિયમો ફેલાવ્યા ! તાલિબાનોએ લોકોને વચન આપ્યું કે ઈસ્લામિક કાનૂન વડે ભ્રષ્ટાચાર ખતમ કરવામાં આવશે; અચ્છે દિન લાવશે ! લોકોએ તાલિબાનો પર ભરોસો મૂક્યો.

America Army

1998માં તાલિબાનોએ અફઘાનિસ્તાનના 90% વિસ્તાર પર કાબૂ કરી લીધો હતો. તાલિબાનોએ શરિયા કાનૂન ઉપર ભાર મૂક્યો. ન્યાયના નામે બર્બર કૃત્યો શરુ થયા. કોઈ મહિલા પુરુષ વિના બહાર નીકળી શકતી ન હતી. પુરુષોએ ચોક્કસ લંબાઇની દાઢી રાખવી પડતી ! ગીત/સંગીત/નૃત્ય/સિનેમા ઉપર પ્રતિબંધ મૂક્યો ! મહિલાઓએ નિયત કરેલ વસ્ત્રો જ પહેરવાના ! ચોરના હાથ કાપી નાખવામાં આવતા. સજા ટોળાં સામે જ કરાતી. પરંતુ 9/11 (2001) ઘટનાએ પાસુ બદલ્યું. હવે અમેરિકા તાલિબાનો સાથે નહીં; પણ તેની સામે હતું ! અમેરિકાએ NATO-North Atlantic Treaty Organizationના સભ્યો સાથે તાલિબાનો ઉપર હુમલાઓ શરુ કર્યા. અમેરિકાની મદદથી અફઘાનિસ્તાનમાં વચગાળાની સરકાર બની. અમેરિકા તાલિબાનો/આતંકવાદને નાથી શક્યું નહી; ઓગષ્ટ 2021માં અમેરિકાની આર્મી પરત જતાં અફઘાનિસ્તાનની સરકારને, તાલિબાનો કચડી નાખે તેવી પૂરી શક્યતા ઊભી થઈ છે. સવાલ એ છે કે તાલિબાનો અફઘાનિસ્તાનને સુંદર ભવિષ્ય આપી શકશે? તાલિબાનો કટ્ટર વિચારવાળા ધર્મગુરુઓ દ્વારા સંચાલિત છે. આ ધર્મગુરુઓ પોતાની સંસ્કૃતિ/પ્રથા/પરંપરા પ્રત્યે પૂરા અંધભક્ત છે. તાલિબાનો કઈ રીતે દેશને ચલાવશે તે અંગે હજુ સુધી કોઈ વિઝન ડોક્યુમેન્ટ તેમણે રજૂ કરેલ નથી. અફધાનિસ્તાન મર્દવાદી સમાજ છે; જ્યાં મહિલાઓની કોઈ ઈજ્જત નથી ! લોકોમાં મહિલાઓ પ્રત્યે દ્વેષ છે ! સંસ્કૃતિ અને પ્રથાના નામે બધું ચાલે છે. 12 ઓગષ્ટ 2021 ના રોજ અફઘાન રાષ્ટ્રપ્રમુખ અશરફ ગનીએ તાલિબાનોને સત્તામાં ભાગીદારી માટે ઓફર કરી છે; પરંતુ તાલિબાનોએ તેમની સાથે વાતચીત કરવાનો ઈન્કાર કર્યો છે. મતલબ કે તાલિબાનોનો હાથ ઉપર છે ! માની લઈએ કે તાલિબાની સરકારની રચના અફધાનિસ્તાનમાં થઈ જાય તો શું શાંતિ સ્થપાઈ જશે? વિકાસ થઈ જશે? અફઘાનિસ્તાનનો દક્ષિણ અને પશ્ચિમ વિસ્તાર પશ્તૂનોનો છે. તાલિબાનમાં સૌથી વધુ સભ્યો પશ્તૂન છે; જેને ઉત્તરના તાજિક અને ઉઝબેકો પ્રત્યે ઊંડો દ્વેષ છે. તેમના પ્રત્યે તાલિબાનો ભેદભાવ નહીં કરે? અફધાનિસ્તાનની આ સ્થિતિ ધાર્મિક કટ્ટરતાને કારણે બની છે. સવાલ એ છે કે વધુ ધાર્મિક દેશ વધુ પછાત કેમ? અને જે દેશોમાં ધાર્મિક કટ્ટરતા બિલકુલ નથી તે દેશો એડવાન્સ કેમ? ત્યાં સુખ/શાંતિ કેમ? શું હિન્દુત્વનો કટ્ટર એજેન્ડા ભારતને અફઘાનિસ્તાન જેવી સ્થિતિમાં લાવી મૂકશે?rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *