સફાઈ કર્મચારી આશાએ બધાને ચૂપ કરી દીધા !

રમેશ સવાણી, ભૂતપૂર્વ આઈ.પીએસ અધિકારી : ઝનૂન લક્ષ્ય સિધ્ધ કરી શકે છે. ઝનૂન ક્યાંથી પ્રગટે? મોટા લક્ષ્યથી. મોટું લક્ષ્ય કઈ રીતે નક્કી થાય? જેનામાં વિચારની ક્લેરિટી હોય; પુસ્તકો સાથે મૈત્રી હોય. દુનિયા એ લોકો બદલી શકે જેનામાં ઝનૂન હોય; મોટું લક્ષ્ય હોય અને સખ્ત પરિશ્રમ કરતા હોય. મોટું લક્ષ્ય પ્રાપ્ત કરવા સંઘર્ષ કરવો પડે; મુશ્કેલીઓ પણ આવે તેને દૂર કરવી પડે. સફળતાનો રસ્તો સરળ હોતો નથી.

રાજસ્થાનના જોધપુરની 40 વરસની આશા કંડારા સફાઈ કામદાર હતી; એનું કામ રસ્તાઓ સાફ રાખવાનું હતું. તેમના પિતા રાજેન્દ્ર કંડારા ફર્ટિલાઈઝર કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં એકાઉન્ટ ઓફિસર હતા. માતા ઘર સંભાળતી હતી. સામાજિક દબાવના કારણે 12 ધોરણ પછી તેના લગ્ન થઈ ગયા; પરંતુ તેના જીવનમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે તેને છૂટાછેડા લેવા પડ્યા. તે વખતે તેની ઉંમર 32 વરસની હતી અને બે બાળકોની માતા હતી. છૂટાછેડાને કારણે સંબંધીઓ વિરોધ કરતા અને ટીકા કરતા હતા. પરિવારનું નામ ખરાબ કર્યું એવી ફરિયાદ કરતા હતા. પરંતુ આશાના માતા-પિતા કહેતા હતા કે ખરાબ સમય છે, જતો રહેશે. આશાને લાગતું હતું કે જિંદગી સ્થગિત થઈ ગઈ છે ! મધ્યમવર્ગીય પરિવારમાં છૂટાછેડા લેવા તે બહુ મોટી વાત હોય છે; હજારો મુશ્કેલીઓનો સામનો કરવો પડે !

2013 માં, આશાએ ફરી અભ્યાસ શરુ કર્યો. 2016માં સ્નાતક થઈ. તેણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવાનું શરુ કર્યું. લોકો મજાક કરતા હતા કે શું તું કલેક્ટર બનીશ? શું તારા ખાનદાનમાં કોઈ બન્યું છે? પરંતુ આશાએ લક્ષ્ય નક્કી કરી લીધું કે વહિવટી સેવામાં જ જવું છે ! એની ઉંમર IAS માટે વધુ હતી; એટલે RAS-રાજસ્થાન વહિવટી સેવા માટે તેણે તૈયારી શરુ કરી. તેમાં છૂટાછેડા વાળી મહિલાઓ માટે ઉંમરની મર્યાદા હોતી નથી. 2018 માં આશાએ RAS માટે ફોર્મ ભર્યું. દરમિયાન અગાઉ કરેલ અરજીના આધારે મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે નિયુક્તિ મળી ગઈ. આશાએ સફાઈનું કામ શરુ કરી દીધું. તે કહેતી કે કોઈ કામ નાનું-મોટું નથી હોતું ! બે બાળકોની દેખભાળ અને ઘર ચલાવવા માટે નોકરીની જરુરી હતી. સવારે છ વાગ્યે જવાનું, સફાઈ કરી પરત આવી ઘરનું કામ અને પરીક્ષાની તૈયારી. માનસિક અને શારીરિક રીતે થાક લાગતો હતો; છતાં પરિવારના પ્રોત્સાહનના કારણે આશાએ મહેનત ચાલુ રાખી. ઘરવાળા આરામ કરવાનું કહેતા; પરંતુ આશાનું ઝનૂન તેને આરામ કરવા દેતું ન હતું. તેણે પોતાના શરીરને એ રીતે ઢાળી દીધું હતું કે ઓછું ઉંઘતી હતી અને મોડી રાત સુધી વાંચતી હતી. મહેનત રંગ લાવી. આશાએ મેન્સ અને ઈન્ટરવ્યૂમાં પણ સફળતા મેળવી. આશા ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદ થઈ ! આશા કહે છે કે ‘જો હું સફળ થઈ શકું તો કોઈ પણ મહિલા સફળ થઈ શકે છે !’

જોધપુર મેયર વિનીતા શેઠ કહે છે : “આશાને જોઈને કેટલાંય લોકોને પ્રોત્સાહન મળ્યું છે ! આશા એ મહિલાઓ માટે પ્રેરણાદાયક છે જે માત્ર ચૂલો અને ઘરની ચાર દિવાલોને જ પોતાની કિસ્મત માની જીવન વિતાવી દે છે ! આશા સફાઈનું કામ કરવા ઘરથી વહેલી નીકળી જતી. આજુબાજુના લોકો આંગળી ઉઠાવતા; પરંતુ આશાએ બધાંને ચૂપ કરી દીધાં !rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *