22મી ડિસેમ્બર નેશનલ “મેથેમેટિક્સ ડે” : જેમના જન્મ દિને પુરા દેશમાં “ગણિત દિવસ” તરીકે ઉજવાય છે તેવા શ્રીનિવાસ રામાનુજન ને આજના દિને વંદન

(#Storry_Writing_SIDDHANT_MAHANT_22_December_2021)

આલેખન :- સિધ્ધાંત મહંત નડિયાદ : કહેવાય છે કે મનથી ગોલ નક્કી કરેલો હોય તો કુદરતને પણ સાથ આપવો જ પડે તે ગોલને પાર પાડવા માટે. તમારી પાસે ભણતર હશે તો જ તમે જીવનમાં સફળતા મેળવી શકશો તેવું નથી. માત્ર મેટ્રિક પાસ થયેલા યુવાને પુરી દુનિયામાં ડંકો લગાવી દીધો છે. જોકે તે સમયે મેટ્રિક એટલે ઉંચી શૈક્ષણિક લાયકાત કહેવાતી હતી. તેમ છતાં પણ જે સ્તરે નામના મેળવી છે તે કોઈ પીએચડી વાળને પણ હંફાવી દે તેમ છે. વાત છે દેશ આઝાદ થયા પહેલાની.આજે તો તેમના જન્મ દિવસે પુરા દેશમાં “મેથેમેટિક્સ ડે” એટલે કે “ગણિત દિવસ” તરીકે ઉજવાય છે.

વેદિક કાળથી જ ભારતીયોમાં ગણિતનું ઊંડું જ્ઞાન છે. ગણિત ભારતીયોની ગળથુથીમાંજ સમાયેલું છે. આપણા દેશમાં જયારે બાળકોનો જન્મ થાય અને તે ચાલવા માટે ડગ ભરે ત્યારથી ગણિતની શરૂઆત થાય છે. આ બાદ બાળક જેમ જેમ મોટું થાય તેમ તેમ તેને આંગળીઓના વેઢા થકી ગણતરી શીખવાડવામાં આવે છે. ભારતીયનું ગણિતનું સામાન્ય જ્ઞાન અન્ય દેશવાસીઓના ગણિતના સામાન્ય જ્ઞાન કરતા વધારે માલુમ પડ્યું છે.આપણા દેશની ભૂમિએ અનેક ગણિતજ્ઞો દુનિયાને આપ્યા છે. જે પૈકી શ્રીનિવાસ રામાનુજનનું નામ સૌથી મોખરે છે. તેઓનું નામ શુક્રના તારા (ગ્રહ)ની જેમ આજે પણ ઝળહળે છે.આધુનિક ભારતના તે પ્રથમ ગણિતશાસ્ત્રી હતા. શ્રીનિવાસ રામાનુજનનો જન્મ 22મી ડિસેમ્બર 1887ના રોજ તામિલનાડુના કોઇમ્બતુર જિલ્લાના એરોડ ગામમાં થયો હતો.તેમના પિતા શ્રીનિવાસ આયંગર થાનજુવર જિલ્લાના કુમ્બકોણમ ગામના હતા. અને તેઓ ગામમાં એક વેપારીની દુકાનમાં મહેતાજી હતા. 1903માં રામાનુજને મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને કુમ્બકોણમની સરકારી કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો. ગણિત અને અંગ્રેજી વિષયમાં પહેલાથીજ રસ હતો. જેના કારણે તેમને સુબ્રમણ્યમ સ્કોલરશીપ મળી. શાળામાં ભણતા ત્યારથીજ તેમણે કોલેજમાં ચાલતા ગણિતના પુસ્તકો ઉપર ફાવટ બેસાડી દીધી હતી. કોલેજ કાર્યકાળ દરમ્યાન તેમણે ગણિત વિષય ઉપર એટલો વધારે રસ લેતા કે બીજા કોઈ વિષયોને તે અડકતા પણ નહિ. પરિણામ એ આવ્યું કે તેઓ કોલેજના પ્રથમ વર્ષમાં નપાસ થયા. આ ઘટનાએ તેમને ઊંડો આઘાત પહોંચાડ્યો. અને પાછળથી પ્રયત્નો કરવા છતાં પણ તે પ્રથમ વર્ષમાં પાસ થયા જ નહિ. તેમાં તેમની માંદગીએ મોટો ભાગ ભજવ્યો હતો. શ્રીનિવાસ રામાનુજનને ઘેર હાજર રહેવું પડતું હતું. છેવટે તેમણે કોલેજ છોડી દીધી. પછી તો માત્ર ને માત્ર ગણિત વિષય ઉપર જ પુરે પૂરું ધ્યાન કેન્દ્રિત કર્યું. જેના કારણે આજે દુનિયાને એક વિશિષ્ટ ગણિતશાસ્ત્રી મળ્યા છે. જો કોલેજના સમયમાં તેઓ બધા વિષયો ભણ્યા હોત તો આગળ ભણી સરકારી ઓફિસમાં હેડ ક્લાર્ક બની ચુક્યા હોત. રામાનુજન અને આઈસ્ટાઈનનું જીવન ઘણા ખરા અંશે એક સરખું છે. સૌથી પહેલા તો બંને સમકાલીન હતા. બંને ગરીબાઈ થી પીડાતા હતા. આઈસ્ટાઈન પણ પરીક્ષામાં ગણિત અને ભૌતિકવિજ્ઞાન સિવાયના વિષયોમાં નપાસ થયા હતા. કોલેજ છોડ્યા પછી રામાનુજને ગણિતના પુસ્તકો મેળવી જાતે જ અભ્યાસ શરુ કર્યો. અને આ વિષય ઉપર બહોળું જ્ઞાન મેળવી સ્નાતક, અનુસ્નાતક બનવાને બદલે સીધા ગણિતશાસ્ત્રી બની ગયા. કોલેજની પ્રથમ વર્ષની પરીક્ષામાં તેઓ નપાસ થતાં હરહંમેશ હતાશ રહેતા હતા. માટે રામાનુજનના માતા પિતાને થયું કે લગ્ન કરાવી દઈએ તો આ હતાશા દૂર થઇ જશે અને ચિત્ત બીજા તરફ વળશે માટે 20 વર્ષની વયેજ તેમના લગ્ન કરાવી દેવાયા હતા. પછી તો એકના બે થયા અને હવે ઘર સંસાર ચલાવું તો પડે જ ને માટે રામાનુજન નોકરીની તલાશમાં આમ તેમ ભટકવા લાગ્યા. આ સમયગાળામાં તેઓ તિરુકોઇલુરના ડેપ્યુટી કલેક્ટરને મળ્યા અને ક્યાંક ક્લર્કની નોકરી મળી રહે તે માટે વિંનતી કરી. જોકે ડેપ્યુટી કલેક્ટરે રામાનુજનની પ્રતિભા પારખી લીધી હતી અને જો સમયની સાથે કલાર્કની નોકરી અપાવીશ તો રામાનુજનની બુદ્ધિપ્રતિભા નષ્ટ થઇ જશે. તેથી ડેપ્યુટી કલેક્ટરે મદ્રાસના પ્રેસિડેન્સી કોલેજના ગણિતવિભાગના પ્રધ્યાપકને એક પત્ર લખી રામાનુજનને યોગ્ય નોકરી આપવા ભલામણ કરી હતી.

પ્રાધ્યાપક રામાનુજનને સાથે નોકરીમાં ના લઇ શકે કારણકે તેમની પાસે જોઈએ એવી શૈક્ષણિક લાયકાત પણ નહોતી માટે આ પ્રાધ્યાપકે રામાનુજનને મદ્રાસ એકાઉન્ટન્ટ જનરલની ઓફિસમાં કામચલાઉ નોકરી અપાવી. થોડા સમયમાં મુદત પુરી થતાં ફરીથી તેઓ બેકાર બન્યા. જોકે આ પ્રાધ્યાપકે શહેરમાં ખાનગી ટ્યૂશનો મેળવી આપ્યા હતા. આમ તો સમાજમાં ખાનગી ટ્યૂશનો અને ટ્યુશન કલાસીસ ટીકા પાત્ર અને અયોગ્ય છે. શિક્ષણ શેત્રે તે એક દુષણ છે. પણ શિક્ષિત જરૂરિયાતમંદો માટે તે આર્શીવાદ રૂપ છે. ક્યાંય નોકરી ન મળતી હોય તેવા સંજોગોમાં ઘર ચલાવવા તેમજ જીવન નિર્વાહ માટે કેટલાક અંશે તે મદદરૂપ બને છે. આઈન્સ્ટાઈનને પણ ખાનગી ટ્યુશનનો સહારો લેવો પડ્યો હતો. ખાનગી ટ્યુશનોએ કેટલાક વૈજ્ઞાનિકોને પોતાનું વિજ્ઞાન કાર્ય કરવા આર્થિક રીતે ટેકો આપ્યો છે. રામાનુજન અને આ પ્રોફેશર બંને કામચલાવ ટ્યુશનોથી અસન્તોષ હતા.તેથી આ પ્રાધ્યપકે રામાનુજનને નેલ્લોરના કલેકટર પાસે મોકલ્યા. આ બાદ કલેકટરે નોકરી આપવા પુરા પ્રયત્નો કરશે તેમ કહ્યું હતું. ત્યાં સુધી મદ્રાસની લાઈબ્રેરીમાં બેસી ગણિતના સંશોધનો કરો તેમ જણાવ્યું હતું. થોડા સમયમાંજ રામાનુજનને મદ્રાસ પોર્ટ ટ્રસ્ટમાં કારકુનની નોકરી મળી. આ નોકરી તેઓએ સ્વીકારી. થોડા સમય બાદ નેલ્લોરના કલેકટર ફરીથી તેમના મદદે આવ્યા. તેમણે મદ્રાસ એન્જીન્યરીંગ કોલેજના અંગ્રેજીનાં પ્રાધ્યાપકને રામનુજન વિષે ભલામણ કરી અને આ પ્રાધ્યાપકે પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષને વાત કરી નોકરીમાં છૂટછાટ આપી રામાનુજનને સરળતા કરી આપી હતી. ઉપરાંત સંશોધન માટે પણ પૂરતો સમય ફાળવી આપ્યો હતો. રામાનુજનના જીવનમાં બીજી એક વ્યક્તિએ પણ સમયસર અગત્યનો ભાગ ભજવ્યો છે. તે વ્યક્તિ તે વખતના મદ્રાસના ન્યાયમૂર્તિ પી.આર.સુન્દરમઐયર હતા. જે તે સમયે યુનિવર્સીટીનો એવો નિયમ હતો કે જેને પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી હોય તેને જ યુનિવર્સીટીની શિષ્યવૃતિ મળી શકે. રામાનુજન પોસ્ટ ગ્રેજ્યુએટ તો શું ગ્રેજ્યુએટ પણ નહોતા.આ વિદ્વાન ન્યાયમૂર્તિએ યુનિવર્સીટી રામાનુજનને મદદ કરી શકે માટે યુનિવર્સીટીને સમજાવ્યું કે યુનિવર્સીટી સંશોધન પ્રોત્સાહન આપવા બંધાયેલ છે. તેમાં વ્યક્તિ ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ એવું કાઈ વચ્ચે અવતુંજ નથી. માટે તે નિયમના નેજા હેઠળ રામાનુજન ગ્રેજ્યુએટ નથી તો પણ યુનિવર્સીટી તેને શિષ્યવૃતિ આપી શકે છે. અને આમાં યુનિવર્સીટીના નિયમનનો ભંગ થતો નથી. આમ સુંદર અર્થઘટન કરી રામાનુજનને મહિને 75 રૂપિયાની શિષ્યવૃત્તિ અપાવી હતી. આ બાદ રામાનુજને મદ્રાસ પોર્ટ ટ્રસ્ટની નોકરી છોડી ગણિત પર સંશોધન શરુ કર્યું. રામાનુજનના અહોભાગ્ય કે તે વખતે આવી સમજદાર વ્યક્તિઓ સમાજમાં હતી. નહિ તો રામાનુજન કદી રામાનુજન બની જ ન શક્યા હોત. તેઓએ જાતે જ ગણિતના પુસ્તકમાંથી ગણિતના 6000 જેટલા કોયડા ઉકેલ્યા છે. જે નોટબુક આજે પણ જળવાઈરહેલી છે. સાથે સાથે આ નોટબુકમાં આશરે 3000 પ્રમેયોની પણ નોંધ છે. તે સૌ પ્રથમ ગણિત શાસ્ત્રી હતા કે જેમને રોયલ સોસાયટીએ “ફેલો”બનાવી નવાજ્યા હતા. 32 વર્ષે બીમારીના કારણે તેમનું અવસાન થયું. આજે રામાનુજનનું નામ વિશ્વિખ્યાત ગણિતશાસ્ત્રીઓની હરોળમાં આવે છે. તેમના જન્મ દિન એટલે કે 22મી ડિસેમ્બરે દેશ ભરમાં નેશનલ “મેથેમેટિક્સ ડે” ( રાષ્ટ્રીય ગણિત દિવસ) તરીકે ઉજવાય છે. સરકારે તેમના માનમાં વર્ષ 2012માં ટપાલ ટિકિટ પણ બહાર પાડી છે. કોલકાત્તામાં આવેલ બિરલા ઇન્ડ્રસ્ટ્રીયલ એન્ડ ટેક્નોલોજીકલ મ્યુઝયમના ગાર્ડર્નમાં તેમની અર્ધ કદની પ્રતિમા આવેલ છે. ઉપરાંત જે જગ્યા ઉપર રામાનુજનનો જન્મ થયો તે સ્થળ અને તેમનું મકાન આજે પણ અડીખમ ઉભું રહી અનેક લોકોને પ્રેરણા પુરી પાડી રહ્યું છે.

આલેખન :- સિધ્ધાંત મહંત નડિયાદ
Siddhantmahant@gmail.com
9998527193

Leave a Reply

%d bloggers like this: