નવી દિલ્હી: કોરોનાના કહેરની વચ્ચે એક દુ:ખદ સમાચાર મળી રહ્યા છે. દિલ્હીમાં ઑક્સિજનની અછત લઈને હાહાકાર મચ્યો છે. ત્યારે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં ઑક્સિજન ખૂટી જતા છેલ્લા 24 કલાકમાં 25 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હોસ્પિટલ પાસે હવે માત્ર બે કલાક ચાલે તેટલો જ ઑક્સિજન બચ્યો હતો. જેના પરિણામે 65 દર્દીઓના જીવ જોખમમાં મૂકાયા છે. આ બાબતે ન્યૂઝ ANI રીપોર્ટ પ્રમાણે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટરે જણાવ્યું છે કે, હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 25 દર્દીઓના મોત થયા છે. હોસ્પિટલ પાસે રહેલ ઑક્સિજન બસ વધુ 2 કલાક ચાલે તેટલો જ છે. વેન્ટિલેટર અને બાયપેપ ઠીકથી કામ નથી કરી રહ્યાં. હોસ્પિટલને ઑક્સિજનની તાત્કાલીક જરૂર છે. ઑક્સિજનની કમીના કારણે અન્ય 60થી વધુ દર્દીઓના જીવ જોખમમાં છે. પ્રશાસન તાત્કાલિક સહાય કરવી જોઈએ.
વધુમાં જણાવી દઈએ કે, દિલ્હીની અનેક હૉસ્પિટલોમાં ઑક્સિજનની તંગીના કારણે હોસ્પિટલોએ કોરોના સંક્રમિત નવા દર્દીઓને દાખલ કરવાનું જ બંધ કરી દીધુ છે. સર ગંગારામ હોસ્પિટલની જેમ જ દિલ્હીની અન્ય હોસ્પિટલ માં હિન્દુરાવ હોસ્પિટલ પાસે પણ થોડા સમય ચાલે તેટલો જ ઑક્સિજનનો સ્ટોક બચ્યો છે. એવામાં ICUમાં બચેલી ઑક્સિજનનો ઉપયોગ કરવા અને વોર્ડમાં ઑક્સિજન કન્સેટ્રેટર ઉપયોગ કરવા કહેવામાં આવ્યું છે. ઑક્સિજનની કમીને જોતા હોસ્પિટલે નવા કોરોનાગ્રસ્ત દર્દીઓને એડમિટ કરવાનો ઈન્કાર કરી દીધો હતો.
આવી જ સ્થિતિ રોહિણી સ્થિત બાબા આંબેડકર હોસ્પિટલમાં પણ છે. જ્યાં ઑક્સિજનની અછત બાદ નવા દર્દીઓને દાખલ કરવાનું બંધ કરવાની ફરજ પડી છે. આ સિવાય એપોલો, મેક્સ, વિમહંશ જેવી હોસ્પિટલોમાં પણ થોડા સમય માટે નવા દર્દીઓને દાખલ નથી કરવામાં આવી રહ્યાં.