ગંગામાં તરતી લાશોને સામૂહિક માફીનામું મોકલો ! – RJDના સંસદસભ્ય મનોજ ઝા

રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર : કેટલાંક રાજકીય વ્યક્તિઓના ભાષણોમાં સાંભળવા ગમતા નથી; શબ્દોની જાદૂગરી સિવાય તેમાં માત્ર ઢૂંસા જ હોય છે. પરંતુ કેટલાંક રાજકીય વ્યક્તિઓ હ્રદયથી બોલતા હોય ત્યારે તેમને સાંભળવા ગમે છે. તૃણમૂલ કોંગ્રેસના સંસદસભ્ય મહુઆ મોહિત્રાને સાંભળવા ગમે; RJDના સંસદસભ્ય મનોજ ઝાને સાંભળવા ગમે.

21 જુલાઈ 2021ના રોજ મનોજ ઝાએ રાજ્યસભામાં કહ્યું કે “સરકાર ગંગામાં તરતી લાશોની નોંધ નથી લઈ રહી. બન્ને સદનમાં એક પણ વ્યક્તિ એવી નથી કે જે કહી શકે કે પોતે કોઈ પરિચિતને ખોયા ન હોય. ઓક્સિજન માટે લોકો ફોન કરતા હતા. આપણે એરેન્જ કરી શકતા ન હતા. લોકો સમજતા હતા કે સંસદસભ્ય છે, ઓક્સિજન અપાવી દેશે. આપણે આંકડા નથી જોવા. જે લોકો ગયા છે; તે આપણી નિષ્ફળતાનો જીવતો દસ્તાવેજ/પુરાવો છોડીને ગયા છે ! આ સામૂહિક નિષ્ફળતા છે; 1947થી લઈને આજ સુધીની બધી સરકારોની ! જ્યારે ઘેરથી નીકળીએ છીએ ત્યારે બહુજ મોટી જાહેરખબરો જોઈએ છીએ. મફત રાશન/મફત દવાઓ/મફત ઈલાજ/મફત રસી ! ગામડામાં કોઈ એક સાબુ ખરીદે છે તે પણ અદાણી/અંબાણીની જેમ ટેક્સ ચૂકવે છે. આપ એમને કહી રહ્યા છો કે મફત ઈલાજ/મફત રાશન ! નહીં, કંઈ મફત નથી; તેમનો ભાગ છે. કલ્યરાજ્યનું આ કમિટમેન્ટ છે; એને હલકું ન ચિતરો. મોટા મોટા કાયદાઓની/અધિકારોની વાતો થાય છે; આપણે રાઈટ ટુ હેલ્થની વાત કેમ કરતા નથી? કિન્તુ, પરંતુ નહી; બંધારણીય રીતે સીધી ગેરંટી કેમ નહીં? રાઈટ ટુ લાઈફ સાથે જોડો. કોઈ હોસ્પિટલની મજાલ નથી કે રાઈટ ટુ લાઈફ સાથે ખિલવાડ કરે !”

આ પણ વાંચો : ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે મેડલ લિસ્ટમાં પોતાનું ખાતુ ખોલાવ્યુ છે. જાણો મીરાબાઇ ચાનૂ વિશે

મનોજ ઝાએ સરકારને કહ્યું કે “આપ કામ કરવા ઈચ્છતા નથી. રાઈટ ટુ વર્ક ઉપર કામ કરો. કોરોનાકાળમાં લોકોની નોકરીઓ જતી રહી. હોસ્પિટાલિટી સેકટરમાં લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા. એમણે લગાતાર અવાજ ઉઠાવ્યો. કોઈ સાંભળનાર નથી. જ્યારે આપ સાંસદને સાંભળતા નથી; તો સામાન્ય માણસને કોણ સાંભળે? જ્યારે ICU બેડ માટે હાહાકાર મચ્યો હતો; દવાઓ માટે હાહાકાર મચ્યો હતો; એ સમયે કેન્દ્ર જ નહીં રાજ્ય સરકારો ગાયબ હતી. દોઢ મહિનો આ દેશે અવ્યવસ્થામાં સહી છે ! આપણા સદનના કેટલાંય લોકો માંડ માંડ બચ્યા છે. હું નામ લેવા ઈચ્છતો નથી, આ બધું ડરામણું લાગે છે. મારો એક યુવા વિદ્યાર્થી, તેમના માટે હોસ્પિટલમાં બેડની મેં વ્યવસ્થા કરી ત્યારે એનો જીવ જતો રહ્યો હતો ! એટલા માટે આમાં વ્યક્તિગત પીડાને શોધો; તો આપણે આનું નિદાન શોધી શકીશું ! એ સમયે કહેવામાં આવ્યું કે સરકાર ફેઈલ નથી ગઈ; સિસ્ટમ ફેઈલ થઈ છે ! સિસ્ટમ શું છે? બાળપણથી સાંભળતા આવ્યા છીએ કે સિસ્ટમ પાછળ વ્યક્તિ હોય છે; સિસ્ટમ પાછળ એક સંરચના હોય છે. જો સિસ્ટમ ફેઈલ થઈ તો ચાહે દિલ્હી હોય કે ગામડું; ત્યાંની સરકાર ફેઈલ થઈ છે. એને સિસ્ટમનું નામ ન આપો. કેમકે આ તો સિસ્ટમ બનાવે છે ! મેં આ અંગે કોઈને ફરિયાદ કરી નથી. આહત છું. જગાડવા ઈચ્છું છું સ્વયંને પણ અને સરકારને પણ. ગંગામાં વહેતી લાશોને સન્માન ન મળ્યું. જિંદગીમાં સન્માન જોઈએ; પરંતુ મોતમાં એનાથી વધુ સન્માન જોઈએ. જો આને આપણે દુરસ્ત નહીં કરીએ તો આવનારી સદીઓ માફ નહીં કરે. આપ મોટી મોટી જાહેરખબરો છપાવો/મોટા મોટા હોર્ડિંગ લગાડો/અખબારોના ચાર પાના રંગી દો; ફલાણા થેન્ક યૂ કહી દો; ઈતિહાસને થેન્ક યૂ કહેવાનો મોકો મળવો જોઈએ. આપણે સૌએ સાથે મળીને એક સામૂહિક માફીનામું મોકલવું જોઈએ; જેમની લાશો ગંગામાં તરતી હતી !”rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *