સરકારી નીતિના કારણે કેટલાંય દર્દીઓના જીવ ગયા; એની જવાબદારી કોની?

રમેશ સવાણી ( ભુતપૂર્વ IPS ) – ગુજરાત હાઈકોર્ટે 20 એપ્રિલ 2021 ના રોજ કહ્યું કે “કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલમાં કોવિડના દર્દી 108 એમ્બ્યુલન્સના બદલે કોઈ કારણોસર ખાનગી વાહનોમાં આવે તો તેમને સારવાર માટે દાખલ કરાતા નથી; હોસ્પિટલનું આ વલણ દુ:ખદાયક છે.”

સવાલ એ છે કે આવું કેમ? આની પાછળનું લોજિક શું? અઠવાડિયા પહેલાનો કિસ્સો છે. મારા પાડોશીના એક સંબંધી બહેન ધંધુકા રહેતા હતા, તે કોરોના વાયરસથી સંક્રમિત થતા ઓક્સિજનનું પ્રમાણ ઘટતું હતું. તેમને અમદાવાદ આવવાની મારા પાડોશીએ સૂચના કરી. બીજે દિવસે સવારે તે ખાનગી વાહનમાં અમદાવાદ આવ્યા. આખો દિવસ એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ ફર્યા; એક જ જવાબ મળ્યો કે “108 માં આવે તો જ દાખલ કરી શકીએ !” પાડોશીએ યુક્તિ કરી. દર્દીને પોતાના ઘર પાસે; કારમાંથી નીચે ઊતારી દીધા; પછી તેમણે બોડકદેવ ફાયર સ્ટેશને ફોન કરી 108 બોલાવી. તેમાં દર્દીને બેસાડી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા; પરંતુ ત્યારે મોડી રાત થઈ ગઈ હતી. આમ આખો દિવસ રસ્તા ઉપર દર્દીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સારવારની આશાએ દર્દીએ ભટકવું પડ્યું ! સુરતમાં પણ આવું બન્યું. બે ત્રણ હોસ્પિટલમાં કોરોનાના દર્દીને ખાનગી વાહનમાં લઈ ગયા પણ હોસ્પિટલમાં એન્ટ્રી મળી નહીં. પછી થાકી હારીને દર્દીને ચાર રસ્તા ઉપર ઊતારી 108ને ફોન કર્યો; મોડે મોડે 108 એમ્બ્યુલન્સ આવી અને દર્દીને હોસ્પિટલ લઈ ગઈ.

મેં ત્રણ-ચાર ડોક્ટર મિત્રોને પૂછ્યું કે આવી નીતિ કેમ? કોરોનાના દર્દીને કોઈ ખાનગી વાહનમાં હોસ્પિટલે લઈને જાય તો વાંધો શું? એમની પાસે કોઈ જવાબ ન હતો. કદાચ, ઈમરજન્સી કેસમાં જ 108 એમ્બ્યુલન્સનો ઉપયોગ થતો હોવાથી તેમાં આવતા દર્દીઓને પ્રયોરિટી મળે તે લોજિક હોઈ શકે ! પરંતુ 108 માં આવતા દર્દીઓને પણ કલાકોની રાહ જોયા પછી હોસ્પિટલમાં એડમિશન મળતું હતું. હાઈકોર્ટમાં સરકારી લોજિક ટક્યું નહીં; એટલે હવે ખાનગી વાહનમાં કોરોના દર્દી હોસ્પિટલે જઈ શકે છે. કોરોના દર્દીને 108 એમ્બ્યુલન્સમાં લઈ જાય તો જ દાખલ કરવાની નીતિના કારણે કેટલાંય દર્દીઓના જીવ ગયા; એની જવાબદારી કોની?rs

નેલ્સન પરમાર – ¶ કોરોના કરતાં તો સિસ્ટમની બેદરકારી ને કારણે વધું મોત થયા હશે. ખરેખર કોરોના ગંભીર છે કે, આપણી ભષ્ટ સિસ્ટમ? કરોના ના કારણે જેટલા મોત થયા હશે એથી વધારે મોત તો સિસ્ટમની બેદરકારીના કારણે થયા હશે. આપણી પાસે કોરોના માં મરેલા લોકોનો આંકડો છે પણ અત્યાર સુધી હોસ્પિટલમાં લાગેલી આગમાં મરેલાં લોકો, ઓક્સિજન ન મળવાથી મરેલા લોકો, તાત્કાલિક સારવાર ન મળતાં મરેલાં લોકો, બોગશ વેન્ટિલેટર, નકલી ઇન્જેક્શન, કાળાં બજારીના કારણે યોગ્ય વ્યવસ્થા ન થવાથી મરેલાં લોકો, હોસ્પિટલમાં બેડ નં મળવાથી કે પછી ડૉક્ટરની બેદરકારી, મેડિકલ સ્ટાફની અછત, સાંધાનો ની અછત, આ બધાં કારણોને કારણે મરેલાં લોકોનું શું? આ બધા લોકોના મોતનાં જવાબદાર કોણ? શું ખાલી કોરોના માં મોત થાય એને જ મોત કહેવાય? લોકો ને આજે પણ તાત્કાલિક સારવાર, ઓક્સિજન, ઇન્જેક્શન નથી મળી રહ્યા તો આમના મૃત્યુ માટે જવાબદાર કોણ ગણાશે? પાછું આ ૧૦૮ માં આવે તો જ દાખલ કરે એ નવું કાઢ્યું છે. અરે ભારત દેશનાં દરેક નાગરિક ને આરોગ્ય સેવાઓ અન્યાય કર્યા વગર પુરી પાડવી એ સરકારની ફરજ છે અને આરોગ્ય સેવાઓ પ્રાથમિક બાબત છે આવા સમયે તકલાદી નિયમો બનાવી કોઈ સાથે અન્યાયી ન કરી શકાય: ખરેખર હાલત ખુબ ગંભીર છે અને આ ગંભીર હાલત પેદા કરનાર જ આપણી ચુટેલી આ સરકાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *