ગીત : શબવાહિની ગંગા – કવિ : પારુલ ખખ્ખર – આસ્વાદ: ઈલિયાસ શેખ

• કાવ્ય-રસ દર્શન 
• ગીત : શબવાહિની ગંગા
• કવિ : પારુલ ખખ્ખર
• આસ્વાદ: ઈલિયાસ શેખ

એક અવાજે મડદા બોલ્યાં ‘સબ કુછ ચંગા-ચંગા’
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારા મસાણ ખૂટયા, ખૂટયા લક્કડભારા,
રાજ, અમારા ડાઘૂ ખૂટયા, ખૂટયા રોવણહારા,
ઘરેઘરે જઈ જમડાં-ટોળી કરતી નાચ કઢંગા
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારી ધગધગ ધૂણતી ચીમની પોરો માંગે,
રાજ, અમારી ચૂડલી ફૂટે, ધડધડ છાતી ભાંગે
બળતું જોઈ ફીડલ વગાડે ‘વાહ રે બિલ્લા-રંગા’!
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારા દિવ્ય વસ્ત્ર ને દિવ્ય તમારી જ્યોતિ
રાજ, તમોને અસલી રૂપે આખી નગરી જોતી
હોય મરદ તે આવી બોલો ‘રાજા મેરા નંગા’
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

ઈલિયાસ શેખ :- પારુલ ખખ્ખરનું આ ગીત એમણે ફેસબુક પર વહેતું કર્યુ કે, તરત જ, તે જ ક્ષણે, તેજ ગતિએ સોશિયલ મીડિયાના ચોરે-ચોતરે ને ગલી ગલીએ ફરી વળ્યું છે. આ ગીતનો મેં જેમ હિન્દીમાં અનુવાદ કર્યો – એમ અનેક સર્જકોએ આ ગીતને મરાઠી, ઉર્દુ, બંગાળી, પંજાબી અને અંગ્રેજી ઉપરાંત બીજી સ્થાનિક ભાષાઓમાં ઉતાર્યું છે.

આ ગીતનો પ્રભાવ કેટલો અસરકારક છે. એ જાણવું હોય – તો એમ કહીં શકાય કે, આ ગીત ફેસબુક પર મૂકાયાની આઠમી કલાકે એની ચર્ચા પ્રધાનમંત્રી કાર્યાલયમાં થતી હતી.

જેમને સાહિત્યના પદાર્થમાં સળી-ભાર જેટલી પણ સમજ નથી પડતી – એવી ‘સવેતન ભક્ત-ટોળકી’ ગાંધારીની માફક આંખે પાટા બાંધીને આ ગીતના વિરોધમાં સોશિયલ મીડિયા ઉપર લડવા હાલી નીકળી છે. જો કે એ વાત અલગ છે કે, એમાં ગીતનો વિરોધ ઓછો અને સર્જકનો વિરોધ વધારે જોવાં મળે છે. આવી ટોળકી અને એનાં ફાંકાબાજ આકાઓ મૂળભૂત રીતે નારી વિરોધી માનસિકતા ધરાવે છે. એટલે એમને અને એમનાં બફાટને સળી-ભાર પણ મહત્વ આપવાની જરૂર નથી.

કિંમતી સમય બચાવીને, સોશિયલ મીડિયાનો મહત્તમ લાભ લેવો હોય – તો આવી ટોળકીને જ્યાં દેખાય ત્યાં જ, એમને વળતો જવાબ આપ્યા વિના એમને બ્લોક કરીને આગળ વધો. આ એક જ ઉપાય છે.

આટલી ભૂમિકા પછી ચાલો આપણે આ ગીતનું રસ-દર્શન કરીએ.

ગીતના મુખડામાં જ કવિ પારુલ સર્જનાત્મક દ્વંદ (creative contrast) રચી કહે છે કે,

એક અવાજે મડદા બોલ્યાં ‘સબ કુછ ચંગા-ચંગા’
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

કેમ કે, પ્રજા તો હવે જાણે મરી પરવારી છે. એટલે પછી નાછૂટકે અહીં એક સાથે મડદા જ બોલે છે. જે જીવતા છે એ મૃતપ્રાય દશામાં છે. અને જે મૃત્યુ પામ્યા છે. એનો આત્મા જાણે નવજીવન પામી ગયો છે.

જે રીતે જીવન અને મૃત્યુ વચ્ચે અહીં સર્જનાત્મક કોન્ટ્રાસ્ટ રચાયો છે. એ જ રીતે ગંગાના વહેણ અને શબવાહિની વચ્ચે પણ અહીં કલાત્મક કોન્ટ્રાસ્ટ રચીને કવિએ અહીં કમાલ કરી છે.

આપણે સૌ જાણીએ છીએ કે, ગંગા આપણી પવિત્ર નદી છે. અને ગંગાને ‘મોક્ષદાયિની’ કહેવામાં આવે છે. અહીં ગંગાના વહેણમાં તરતાં મોક્ષ-માર્ગી મડદા જાણે કે, વિલંબિત ગતિએ, શબવાહિની રૂપ ‘વૈકુંઠ-રથ’માં ગંગાને કાંધે અંતિમયાત્રાએ નીકળ્યા છે. અને પારભાસી એવાં કફન – કંતાનમાંથી ગંગાના સુરમ્ય, સાફ-સુથરા ઘાટ નિહાળીને એક સાથે બોલી ઉઠે છે ‘સબકુછ ચંગા-ચંગા’.

અહીં મડદા એ વાતે પણ આનંદમાં છે કે, અમે તો આ ભવોભવની ઘટમાળમાંથી છૂટ્યા એટલે અમારે તો ‘સબકુછ ચંગા ચંગા’ – પણ અમે જતાં જતાં તમને શુભેચ્છાઓ આપીએ છીએ કે, તમને સૌને પણ કલ્પિત રામ-રાજ્યમાં ‘સબકુછ ચંગા ચંગા’ની પ્રાપ્તિ થાય.

પ્રથમ અંતરામાં કવિ લખે છે કે,

રાજ, તમારા મસાણ ખૂટયા, ખૂટયા લક્કડભારા,
રાજ, અમારા ડાઘૂ ખૂટયા, ખૂટયા રોવણહારા,
ઘરેઘરે જઈ જમડાં-ટોળી કરતી નાચ કઢંગા
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

અહીં પણ કવિએ હોસ્પિટલ, દવા, સારવાર, સાધનો વગેરેના અભાવને સદંતર અવગણીને એક વેધક સવાલ કર્યો છે કે, ‘જીવતાને જે સુવિધાઓ હાથોહાથ ને રાતોરાત એક પળના વિલંબ વિના ન આપી શકાઈ – એ તો ક્ષમ્ય છે. એનો કોઈ અફસોસ નથી. પણ સાધન – સુવિધાના અભાવે હવે જે મરી પરવાર્યા છે. એમનાં નસીબમાં શું બે ખપાટની ઠાઠડી પણ નથી? શાસ્ત્રોકત અંતિમસંસ્કારની કોઈને દરકાર પણ નથી?

લાકડાંની ખુરશી માંગો – તો તરત ન બને. ખુરશી બનાવવા માટે એને સુથારીકામની નિયત પ્રક્રિયામાંથી પસાર થવું જ પડે. – પણ અહીં તો એવી સ્થિતિ છે કે ખુરશી ઘડીના છઠ્ઠા ભાગમાં બની જાય છે. અને મસાણમાં લાક્ડાના ફાડિયાની તાણ વરતાય છે. એવાં સમયે જમડાની ટોળી ઘરે ઘરે ટીવી ઉપર પ્રગટ થઈને, બેશરમ બનીને બીભસ્ત નાચ કરતી હોય – તો એ જોઈને હવે ભીંત સાથે માથું પછાડવું કે માથા સાથે ભીંત? એ જ નક્કી થઈ શકતું નથી.

બીજાં અંતરામાં કવિ કથે છે કે,

રાજ, તમારી ધગધગ ધૂણતી ચીમની પોરો માંગે,
રાજ, અમારી ચૂડલી ફૂટે, ધડધડ છાતી ભાંગે
બળતું જોઈ ફીડલ વગાડે ‘વાહ રે બિલ્લા-રંગા’!
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

આપણાં શાસ્ત્રોમાં કહ્યું છે કે, ‘અતિ સર્વત્ર વર્જ્ય’. મધુર સંગીત પણ કલાકોના કલાકો સુધી સાંભળો – તો કર્કશ અને ઘોંઘાટ જેવું લાગે. અહીં લગાતાર અગ્નિદાહને કારણે મસાણની ચીમની ઓગળીને ઢળી પડી છે. એની જ વાત નથી. અહીં તો એક એવાં સુરજની પણ વાત છે. જે ચડતાં ચડતાં એટલો ઊંચે ચડી ગયો છે કે, એનો પ્રકાશ પછી તળેટીના ‘સર્વહારા’લોકો માટે દુર્લભ બની ગયો છે.

ટોચ ઉપર અજવાળું અને તળેટીમાં અંધારું. અને તળેટીમાં જે ચપટીક અજવાળું દેખાય છે. એ તો ઠેર ઠેર સળગતી ચિતાઓનું છે. ટોચ ઉપરથી આ બધું નિહાળતા ‘સત્તા અને તંત્ર’ (બિલ્લા અને રંગા) એ અજવાળાને ઉત્સવ માની બેઠાં છે. તળેટીમાં ઠેર ઠેર જે મરશિયા ગવાય છે. એને ટોચ પર બેઠેલાંઓ મધુર ગાન માની બેઠાં છે. એટલે ટોચ ઉપરથી ‘સર્વેસર્વા’ પણ તળેટી પર હિબકે ચડેલા ‘સર્વહારા’ સાથે સંગત કરવાં ટોચ ઉપરથી ફિડલ વગાડવામાં રત છે.

ત્રીજા અને અંતિમ અંતરામાં કવિ પારુલ ખખ્ખર સૌને સંબોધે છે કે,

રાજ, તમારા દિવ્ય વસ્ત્ર ને દિવ્ય તમારી જ્યોતિ
રાજ, તમોને અસલી રૂપે આખી નગરી જોતી
હોય મરદ તે આવી બોલો ‘રાજા મેરા નંગા’
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

આ અંતરામાં અને આગળના બેય અંતરામાં જે ‘રાજ તમારાં’નું પુનરાવર્તન થાય છે. એ ગીતની જાણે કે ધૃવ પંકિત સમાન છે. અહીં ‘રાજ તમારાં’એ કોઈ વ્યક્તિ કે વ્યક્તિ-વિશેષને સંબોધીને નથી. લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં ‘રાજ અને રાજા’ પ્રજા હોય છે.

‘પ્રજા રાજ્યમ્ ઈતિ લોક-કલ્યાણમ્’. જે રાજ્ય વ્યવસ્થામાં લોક-કલ્યાણ અર્થે લોકો મારફત ચૂંટીને લોકોના પ્રતિનિધિઓને રાજ્ય વ્યવસ્થા ચલાવવા માટે ઉત્તરદાયિત્વ સોંપવામાં આવે. એમાં સફળતાની સ્તુતિ પણ પ્રજાને ખાતે જમા થાય છે. અને નિષ્ફળતાની નિંદા પણ પ્રજાને ખાતે જ ઉધારાય છે. પ્રજાના પ્રતિનિધિઓ તો પ્રજાના સેવક છે. એ ક્યારેય પ્રજાના લમણાં ઉપર તમંચો ધરીને પ્રતિનિધિ નથી બન્યાં હોતાં. એટલે જેમ સુશાસનના સુફળ પ્રજાને મીઠાં લાગે છે. એમ કુશાસનના વિષ પણ પ્રજાએ ધરાર પીવા જ પડે છે.

એટલે જ અહીં પારુલ ખખ્ખર નકલી, તકલાદી ને છેતરામણા તેજસ – ઓજસના વરખને ઉખેડીને સૌને રોષપૂર્વક કહે છે કે, જોઈ લ્યો આ દિવ્ય-વસ્ત્ર પાછળનું બિમાર, જર્જર શરીર અને એમાં કુવિચારોથી ખદબદતી બિમાર, મેલી મથરાવટી અને જોઈ લ્યો આ દિવ્ય જ્યોતિ નીચેનું કાળમુખુ, બિહામણું અંધારું.

જ્યારે passion-show કરવાની તાતી જરૂર હોય ત્યારે જે fashion-show કરે એવાં શાસકથી ચેતવું.

જે શાસક election આવે ત્યારે actionમાં આવી જાય અને ભીંસ પડે ત્યારે ભાગી જાય – એવાં શાસકથી ચેતવું.

જે શાસકનું વકતૃત્વ ઉત્તમ હોત – પણ એ જ શાસકનું નેતૃત્વ ને કર્તૃત્વ જો કનિષ્ઠતમ હોય – તો એ શાસકને જનકલ્યાણાર્થે બનતી ત્વરાએ સત્તા ઉપરથી ઉતારી નાંખવો.

ગીતના અંતિમ અંતરાની અંતિમ પંક્તિમાં એટલે જ પારુલ ખખ્ખર પડકાર સૌને ફેંકે છે કે, મને જે સત્ય લાધ્યું. એ સત્ય જો તમને પણ લાધ્યું હોય … અને મારાંમાં જે હિંમત છે. એવી હિંમત તમારાંમાં પણ હોય – તો મારી સાથે તમે પણ બોલો ‘મેરા રાજા નંગા’.

અહીં નંગા એટલે ‘નિર્વસ્ત્ર’ એવો સ્થૂળ અર્થ નહીં. પણ નંગા એટલે ‘નાગાઈ’ … નંગા એટલે ‘નાગડદાઈ’… નંગા એટલે નિર્દોષ પ્રજાને વગર વાંકે ‘ખુલ્લેઆમ કુલે ડામ’.

શાસકોની આવી આવી ગેરહરકતો જોઈને પણ જે પ્રજા બીકની મારી મૂંગી બેઠી રહે છે. એ એનું પોતાનું તો નુકસાન કરે જ છે. પણ એનાં મૌનને કારણે એ સરવાળે રાષ્ટ્રને પણ ક્ષતિગ્રસ્ત કરે છે.

પ્રજા તરીકે આ સમય આપણાં સૌ માટે આત્મમંથન અને આત્મસંયમનો છે. ગેરવર્તનથી છૂટકારો મેળવવા માટે પરિવર્તન લાવવું જ પડશે. વ્યક્તિ-કેન્દ્રી રાજનીતિમાંથી લોકશાહીને ફરી સજીવન કરી, એને જનસમુદાય-કેન્દ્રી રાજનીતિ તરફ લઈ જવી જ પડશે.

કવિ પારુલ ખખ્ખરને આવાં સબળ, સમયોચિત અને શબને પણ સ્તબ્ધ કરી દે એવાં કાવ્યસર્જન બદલ અઢળક ધન્યવાદ અને ભવિષ્યમાં પણ આવાં બળકટ કાવ્યો રચો એવી મા શારદાના ચરણોમાં યાચના. અસ્તુ. •••

નોંધ: અહીં આ આ આસ્વાદમાં પારુલ ખખ્ખરને કવયિત્રી તરીકે ન સંબોધતા કવિ તરીકે જાણી જોઈને સંબોધ્યા છે. સર્જક એટલે સર્જક. એમાં જાતિ આધારિત ભેદભાવ શા માટે પાડવાં. સાહિત્ય ક્ષેત્રે હવે આવી લિંગ આધારિત ઓળખથી બહાર નીકળી જવાની જરૂર છે. •••

Leave a Reply

%d bloggers like this: