RTE હેઠળ ધો.1માં પ્રવેશ માટે આજથી ઓનલાઇન ફોર્મ ભરવાનો પ્રારંભ થશે

રાજ્યની ખાનગી સ્કુલોમાં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ માટે શુક્રવારથી ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહીનો પ્રારંભ થશે. રાજ્યમાં આવેલી 10 હજાર જેટલી ખાનગી પ્રાથમિક શાળાઓમાં 1 લાખ જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ માટે કાર્યવાહી યોજાશે. વાલીઓ RTE અંતર્ગત પ્રવેશ માટે 5 જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. ત્યાર બાદ ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે. આ વખતે પણ બે રાઉન્ડની કાર્યવાહી કરી વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવનાર હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી છે. RTE અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ માટે શિક્ષણ વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં શુક્રવારથી વાલીઓ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે. શુક્રવારથી શરૂ થનારી ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી 5 જુલાઈ સુધી ચાલશે. આમ, 10 દિવસનો સમય વાલીઓને ફોર્મ ભરવા માટે આપવામાં આવ્યો છે. ફોર્મ ભરવા માટે 10 જ દિવસનો સમય મળ્યો હોવાથી દિવસોમાં વધારો કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી પુર્ણ થયા બાદ 6 જુલાઈથી ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે. જિલ્લા કક્ષાએ ફોર્મની ચકાસણી કરી ફોર્મ મંજુર અથવા નામંજુર કરવાનું રહેશે. જો ફોર્મ નામંજુર કરવામાં આવશે તો તે અંગેનું સ્પષ્ટ કારણ પણ દર્શાવવાનું રહેશે. આ કાર્યવાહી 10 જુલાઈ સુધીમાં પુર્ણ કરી દેવા માટે સુચના આપવામાં આવી છે. 10 જુલાઈના રોજ ફોર્મ ચકાસણી પુર્ણ થયા બાદ શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશ યાદી જાહેર કરવામાં આવશે. RTE હેઠળ ખાનગી શાળાઓમાં 25 ટકા બેઠક ગરીબ બાળકો માટે અનામત રાખવામાં આવતી હોય છે. આ વખતે રાજ્યની 10 હજાર ખાનગી પ્રાથમિક સ્કૂલોની અંદાજે 1 લાખ જેટલી બેઠકો માટે કાર્યવાહી હાથ ધરવામાં આવનારી છે. RTEમાં પ્રવેશ માટે શહેરી વિસ્તારમાં આવક મર્યાદા રૂ. 1.50 લાખ નક્કી કરાઈ છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં રૂ. 1.20 લાખની આવક મર્યાદા રાખવામાં આવી છે. તમામ કાર્યવાહી પુર્ણ થયા બાદ શિક્ષણ વિભાગ દ્વારા 15 જુલાઈના રોજ પ્રથમ પ્રવેશ યાદી જાહેર કરવામાં આવશે. આ યાદી જાહેર થયા બાદ ખાલી પડેલી બેઠકો માટે બીજી યાદી જાહેર કરવામાં આવનાર હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

RTE ફોર્મ ભરવા વિશે વધું માહિતી આપેલ વીડિયોમાં.

Leave a Reply

%d bloggers like this: