રીક્ષાવાળાનો દીકરો IAS ની જાય તો ગરીબો/વંચિતો પ્રત્યે એમની સંવેદનશીતતા કેમ મરી જાય છે?

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર – ફેસબૂક મિત્ર ધૈર્યપાલસિંહ પુવારે 21 એપ્રિલ2021-National Civil Services Day નિમિત્તે એક વીડિયોમાં (જૂઓ કોમેન્ટ સેકશનમાં લિન્ક-1 ) આ સવાલો ઉઠાવ્યા હતા : “[1] એક રીક્ષાવાળાનો પુત્ર IAS/IPS બને છે; ત્યારે એમનું/એમના પરિવારનું આપણે સન્માન કરીએ છે. પરંતુ એ અધિકારી, વંચિતો/ગરીબો પ્રત્યે શામાટે સંવેદનહીન બની જાય છે? ચપરાસીનો દીકરો IAS/IPS બની જાય પછી ગરીબો અસ્પૃશ્ય કેમ બની જાય છે? સીસ્ટમમાં શામાટે સેટ થઈ જાય છે? [2] દેશભરની કોર્ટમાં 4 કરોડથી વધુ કેસો પેન્ડિગ છે; તેનું કારણ શું છે? જો કલેક્ટર/SP લોકોની ફરિયાદ સાંભળે અને નિકાલ કરે તો લોકોને કોર્ટ સમક્ષ જવાની જરુર જ ન પડે ! [3] લોકસભા/રાજ્યસભા/ રાજ્યોની વિધાનસભાઓ મળીને 5000થી વધુ નેતાઓ નથી. ન્યાયપાલિકામાં 24000થી વધુ જજ નથી; પરંતુ એક્ઝિક્યુટિવ બોડીમાં લાખો અધિકારીઓ છે. તેઓ જો ન્યાય આપે તો લોકોની હાલાકી દૂર થઈ શકે. [4] એક્ઝિક્યુટિવ બોડી દેશની કરોડરજ્જુ છે. જો કરોડરજ્જુમાં સડો હોય તો દેશ આગળ કઈ રીતે વધી શકે? જાતિ/ધર્મ/સંપ્રદાયથી ઉપર ઊઠીને અધિકારીઓએ કામ કરવું જોઈએ. [5] યુવાનો IAS/IPS શામાટે બને છે? સેવા કરવા માટે કે સેવા લેવા માટે? જો તેઓ સેવા કરવા જ આ કેડરમાં જોડાતા હોય તો દેશમાં આટલો ભ્રષ્ટાચાર કેમ? [6] સરકારી અધિકારીઓ ‘સરકારી દામાદ’ કેમ બની જાય છે? તેમની જવાબદારી નક્કી કરવી જોઈએ. IAS/IPSને બંધારણના આર્ટિકલ-311 હેઠળ રક્ષણ મળેલું છે; તેમણે પોતાની જવાબદારીઓ નિભાવવી જોઈએ.

ઉપરોક્ત બાબતે મારો પ્રતિભાવ હતો કે “સિવિલ સર્વન્ટ જ ભ્રષ્ટ છે. વાડ ચીભડાં ગળે છે. યુવાનો તેમાં ‘સર્વિસ-સેવા’ માટે નહીં; પરંતુ પ્રિવિલેજ મળે તે હેતુથી જોડાય છે. IAS/IPS વગેરે પરીક્ષામાં ‘સિલેક્શન મેથડ’ બદલવાની જરુર છે; તાલીમમાં બદલાવ લાવવાની જરુર છે. ગરીબ ઘરનો છોકરો/છોકરી તેમાં જોડાય પછી વંચિતો/ગરીબો પ્રત્યે તેમની માનસિકતા બદલાઈ જાય છે. એટલું જ નહીં. SC/ST/OBC વાળા ઉમેદવારો પણ પોતાના સમાજને ન્યાય આપતા નથી. સિવિલ સર્વન્ટ એટલે કાળા અંગ્રેજ !”

ત્યાર બાદ ધૈર્યપાલસિંહે 9 મે 2021 ના રોજ બીજો વીડિયો (જૂઓ કોમેન્ટ સેકશનમાં લિન્ક-2 ) સોશિયલ મીડિયા ઉપર મૂક્યો છે; તેઓ કહે છે : “[1] યુવાનો મનની પ્રફુલ્લતા માટે કોમેડી શો/ફિલ્મ વગેરે ભલે જૂએ; પરંતુ સાથોસાથ અમુક બાબતો ઉપર ગંભીર બની વિચારવું જોઈએ. યુવાનોએ જાગૃત બનવું પડશે. એકતામાં તાકાત છે. [2] રક્ષક ભક્ષક ન બને તે માટે ટ્રાન્સપરન્સી લાવવી પડશે; જવાબદારી ઠરાવવી પડશે. ભ્રષ્ટાચાર કરવા માટે સીસ્ટમને નોન-ટ્રાન્સપરન્ટ બનાવી દીધી છે.સરકાર પારદર્શકતાની વાતો કરીને લોકોને છેતરે છે. [3] ઈમાનદાર અધિકારી સરકારને ગમતા નથી. તેમની વારંવાર ટ્રાન્સફર કરે છે. ડિસમિસ કરે છે. કોર્ટ તેમને નોકરીમાં ફરી લેવા હુકમ કરે ત્યારે ખોટો હુકમ કરનાર સામે કાર્યવાહી કરવા માટે કોર્ટ કેમ આદેશ કરતી નથી? [4] ભ્રષ્ટ અધિકારીઓ સામે; ફેઈક એન્કાઉન્ટર કરનાર સામે; સરકાર પ્રોસીક્યુશનની મંજૂરી આપતી નથી. સુપ્રિમકોર્ટે અનેક વખત કહ્યું છે કે બંધારણના આર્ટિકલ-14નો ભંગ થાય છે. કાયદા સમક્ષ સૌ સમાન છે. બધાને ન્યાય મેળવવાનો હક્ક છે. [5] સરદાર પટેલે કહ્યું હતું કે સિવિલ સર્વિસ કેડર ‘Steel frame of India’ છે; પરંતુ આ ફ્રેમને કાટ લાગી ગયો છે.નિવૃતિ પછી જે અધિકારીઓ/જજ હોદ્દો ગ્રહણ કરે છે, તે ઈમાનદાર નથી. [6] કોરોના મહામારીની આપણે કોઈ પૂર્વ તૈયારી ન કરી. ઓક્સિજન પ્લાન્ટ ઊભા ન કર્યા. આગ લાગી ત્યારે કૂવો ખોદવા બેઠાં છે ! આ માટે PM ઉપરાંત બ્યુરોક્રસી પણ જવાબદાર છે. લોકોને છેતરવા માટે દરેક બાબતે નેહરુને જવાબદાર ઠરાવવામાં આવે છે ! આપણે એ ભ્રમમાં રહેવાની જરુર નથી કે કોઈ ‘ગંગાપુત્ર’/‘દિવ્ય અવતારી પુરુષ’ બચાવી લેશે ! કોઈ ભગવાન/ગોડ/અલ્લાહ બચાવવા આવશે ! આવી વાતો કરનારાઓ લોકોને ગુમરાહ કરે છે. આપણી સમસ્યાઓ આપણે જ ઉકેલવાની છે. આપણે જ જાગૃત બનવું પડશે.”ગુજરાતમાં 251 તાલુકા છે; તાલુકા દીઠ એક યુવાન જો ધૈર્યપાલસિંહની જેમ મશાલ પ્રગટાવે તો બદલાવ મુમકિન છે !rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *