આસ્વાદ : – રિન્કુ રાઠોડ’શર્વરી’ ની એક ગઝલ : નેલ્સન પરમાર

 

આ ગઝલનાં રચયિતા એટલે 40 વર્ષથી ઓછી વયના સર્જકો માટે ગુજરાતી સાહિત્યનું શ્રેષ્ઠ સન્માન ગણાતો ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા અપાતો ‘યુવા ગૌરવ પુરસ્કાર’ ૨૦૨૦ નું સન્માન મેળવનાર રીન્કુબેન રાઠોડ છે. એમના કવિતાઓમાં ‘અક્ષર સાડા પાંચ’ અને “દ્ર્શ્યો ભીનેવાન” નામે બે સંગ્રહો પણ પ્રકાશિત થયેલાં છે ત્યારે ફરી એક સુંદર ગઝલ માણીએ આજે….!

હવેથી દિલ વિશેની વાત કોઈ માંડવાની નૈં.
કહ્યું ને, શાંત જળમાં કાંકરીઓ નાંખવાની નૈ.

તમે આપી શકો તો સાથ આપો ને મુસીબતમાં,
બીજાની જેમ નહિતર બહુ સલાહો આપવાની‍ નૈં.

ગુનો કરતાં પહેલાં તેં નથી પરવાનગી લીધી,
પછી આવી અને માફી અમારી માંગવાની નૈં.

તમારી ધારણા જેવી નથી ફળતી બધાને એ,
અપેક્ષા કોઈ ખોટી જિંદગીથી રાખવાની નૈં.

અમે માણસ બની દુનિયા બરાબર જોઈ લીધી છે,
હવે ઈશ્વર બની ઈચ્છા વધારે જાણવાની નૈં.

– રિન્કુ રાઠોડ’શર્વરી’

નેલ્સન પરમાર : આ ગઝલ જ્યારે એમણે પોસ્ટ કરી ત્યારે પહેલી જ ૨૦ થી‌ ૩૦સેકન્ડમાં આખી વંચાઈ ગઈ હતી, મને શરૂઆતથી જ ગઝલનો પ્રત્યેક શેર અર્થસભર અને ચોટદાર લાગ્યો, બહું ઓછાં શબ્દોમાં જ્યારે કે, કેટલીય વાતો કરી લીધી હોય…; કવિયત્રી અહીં પહેલી જ લાઇનમાં કહી દે છે; અરે ના ચેતવણી આપે છે કે, હવે દિલ વિશેની વાત કોઈએ કરવી જ નહીં. આ ગઝલની જ્યાંથી શરૂઆત છે ને કે, ‘હવે’ મતલબ કે, હવે ની આગળ ચોક્કસ કોઈ કહાની હશે દિલની, અને એ કહાની માંથી બહાર આવીને કવિયત્રી પાછી એજ કહાની કે એના જેવી જ બીજી કોઈ દિલની કહાની શરૂ કરવાની ચોખ્ખી ના પાડી દે છે. દિલની વાત કરે ને ત્યારે કવિયત્રીને લાગે છે કે, શાંત પાણીમાં કાંકરીયો નાંખવી, આપણાને ખબર જ છે કે, શાંત જળમાં કાંકરિયો નાંખવાથી શું થાય, બસ, દિલની વાતમાં પણ એમ જ છે કંઈક, એટલે દિલની વાતોથી દુર જ રહેવાનું પંસદ કરે છે અહીં કવિયત્રી. એથી આગળ વધતાં સમજાવે છે કે, તકલીફમાં, મુસીબતમાં કે જ્યારે ખરેખર જરૂર હોય ને ત્યારે સાથ આપવો, બીજાની જેમ સલાહો નહીં, અહીં કવિયત્રી આ શબ્દો કોઈ અજાણ્યાને નથી કહેતા પણ પોતાના કોઈ અંગત વ્યક્તિને જ કહે છે. જે રીતે એ શબ્દોમાં ભાવ પ્રગટ કરેલ છે એ જોતાં લાગે છે કે, કોઈ અંગતને કહેવા માગે છે સમય આવે ત્યારે સાથ આપવો, પારકાં લોકોની જેમ સલાહો નહીં. આગળની લાઈન પણ કોઈ અંગત માટે જ પ્રયોજન કરેલ હોય એવી છે. ગુનો કરતાં પહેલાં તેં નથી પરવાનગી લીધી, પછી આવી અને માફી અમારી માંગવાની નહીં, એકદમ સરળ શબ્દોમાં સમજાય જાય આ લાઈનનો અર્થ એવો છે. અહીંયા જાણી જોઈને ખબર એ હોવા છતાં કે, જો આમ કરીશ તો એને હર્ટ થશે, દુ:ખ પહોંચશે, એ રીસાઈ જશે, છતાં એ ભુલ કે ગુન્હો કરવાની વાત છે, ને પછી આવી ને માંફીય માંગી લેશે, પણ અહીં તો પહેલાથી કવિયત્રી માફી માંગવા જ ન આવતો એમ કહી ના પાડી દે છે. આગળ એજ બધી વાતોને ધ્યાનમાં લઈ કવિયત્રી લખે છે કે, તમે જે વિચારો, તમે જે અપેક્ષાઓ રાખો, તમને મનગમતી ઇરછાઓ રાખો, તમે જે સારું સારું ધારી લો છો, પણ ખરેખર જીંદગી કાંઈ એમ નથી ચાલતી, જીંદગી તો બસ વહ્યાં કરે છે જે બાજું એને રસ્તો મળે, એટલે જીંદગી પાસે ખોટી અપેક્ષાઓ રાખીને કોઈ મતલબ નથી એમ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અહીં. છેલ્લે છેલ્લે આખીય વાતનો સાર, નિચોડ કવિયત્રી અહીં કહી દે છે, ઉપર જે પંક્તિઓ રજુ કરી છે એમાં જે ભાવ પ્રગટ થાય છે એ સમજતાં કવિયત્રી લખે છે કે, ” અમે માણસ બની દુનિયા બરાબર જોઈ લીધી છે ” અહીં જે દુનિયા જોવાની વાત છે એ તો માણસનો સ્વાર્થી સ્વાભાવ, લોભ, કપટ, અવિશ્વાસ, પલભરમાં ભરોસો તોડવો, લાગણીઓ સાથે રમવું, જીંદગીને મજાક બનાવી દેવી, આવી બધી બાબતોએ માણસ અવતાર લઈ કવિયત્રી એ અનુભવી લીધે છે, હવે આજ માણસ તોય સંતોષ માપતો નથી ને આખો‌ દિવસ ઈશ્વરને પોતાની ઈચ્છાઓ જાણાવ્યા કરે છે. એટલે કવિયત્રી કહે છે કે, માણસ હોવું પુરતું છે આટલા અનુભવ સાથે, ઈશ્વર બની બધું જ નથી જાણી લેવું. એકસાથે કેટલું બધું સમજાવી ‌દીધુ, દિલની વાત થી જ દુર, સાથ આપો સલાહ નહીં, ગુનો કરી માફી માંગવાની નહીં, જીંદગી તો એમ જ જીવાય, અપેક્ષા રાખવાની નહીં, એક નાનકડાં માણસમાં રહેલી કેટકેટલી લાગણીઓને આપે થોડા શબ્દોમાં વાંચા આપી દીધી, દરેક લાઈન નો આમ ગેહરો અર્થ નિકળે છે. ❤️

© નેલ્સન પરમાર 🖤

Leave a Reply

%d bloggers like this: