બળાત્કારી; પીડિતાના આત્માને મેલો કરી મૂકે છે !

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર : એક ફેસબૂક મિત્રએ બે સવાલ ઊઠાવ્યા છે : [1] શું કોઈ મહિલા, કોઈ પૂરુષ સાથે બળજબરીથી સેક્સ નથી કરતી? મહિલા બળાત્કાર ન કરી શકે? [2] રેપના કેસમાં મહિલા સાચી જ હોય એવું કઈ રીતે માની શકાય? પીડિતાના દરેકે દરેક શબ્દો સાચા જ હોય એવું વલણ કેમ?

પ્રથમ મુદ્દો જોઈએ. કુદરતે મહિલાની શરીર રચના એવી બનાવી છે કે તેની ઈચ્છા ન હોય તોપણ તેની સાથે કોઈ પુરુષ રેપ કરી શકે છે; જ્યારે પુરુષની ઈચ્છા ન હોય તો કોઈ મહિલા રેપ કરી શકતી નથી. રેપની કોશિશ કરી શકે. બીજું આ પ્રકારનો કોઈ ગુનો છેલ્લા 30 વરસની અંદર ગુજરાતમાં નોંધોયો નથી. ટૂંકમાં મહિલા, પુરુષ ઉપર રેપ કરે; તેવી ઘટના ભાગ્યે જ બને. બીજો મુદ્દો જોઈએ. રેપ કેસમાં મહિલા સાચી જ હોય તેવું શામાટે માનવું જોઈએ? સહમતીથી શરીર-સંબંધ બંધાયો હોય; પ્રેમસંબંઘ હોય; પાછળથી વાંધો પડે; પૈસા માંગે અને ન આપે તો રેપની ફરિયાદ કરે; બ્લેકમેલ કરે. કોઈનું ચારિત્ર્યહનન કરવા રેપની ખોટી ફરિયાદ પણ થતી હોય છે. પરંતુ આ પ્રકારની ફરિયાદોનું પ્રમાણ સાવ જૂજ હોય છે. સમાજમાં બળાત્કારની સાચી ઘટનાઓનું પ્રમાણ સૌથી વધુ છે. રેપના કેસમાં મહિલાનું નિવેદન શા માટે ભરોસાપાત્ર છે? સુપ્રિમકોર્ટના ચૂકાદાઓ જોઈએ. 1998 માં, રંજિત હજારિકા વિરુધ્ધ આસામ રાજ્યના કેસમાં સુપ્રિમકોર્ટે કહ્યું હતું કે ‘પીડિતાના નિવેદન ઉપર વિશ્વાસ કરવો જોઈએ; કેમકે કોઈ પણ સ્વાભિમાની મહિલા કોર્ટમાં પોતાના સન્માન વિરુધ્ધ એવું નિવેદન આપવા આગળ ન આવે કે પોતાની સાથે બળાત્કારનો ગુનો બનેલ છે.’ 2008માં રાજૂ વિરુધ્ધ મધ્યપ્રદેશ રાજ્યના કેસમાં સુપ્રિમકોર્ટે કહ્યું હતું કે ‘સામાન્ય રીતે પીડિતાની જુબાની શંકાની નજરે ન જોતા, તેની ઉપર ભરોસો મૂકવો જોઈએ. જો પીડિતાની જુબાની ભરોસાલાયક હોય તો તેની જુબાનીનું સમર્થન- Corroboration જરુરી નથી.‘ પીડિતા, પતિ કે ઘરવાળાઓને રેપની વાત કરતા ડરે છે, ખચકાય છે. કેમકે તે ડરતી હોય છે કે પોતાને ઘૃણાની નજરે જોવામાં આવશે; પોતાનો જ વાંક કાઢવામાં આવશે. આ કારણસર રેપની FIR કરવામાં મોડું થઈ શકે છે. આપણો સમાજ પીડિતા ઉપર શંકા કરે છે; તેની સાથે સહાનુભૂતિ રાખવાને બદલે તેની સાથે ખરાબ વર્તન કરે છે. 1995માં, કર્નેલસિંહ વિરુધ્ધ મધ્યપ્રદેશના કેસમાં સુપ્રિમકોર્ટે કહ્યું હતું કે ‘રેપની ફરિયાદ કરવામાં વિલંબ થાય એનો અર્થ એ નથી કે ફરિયાદ જૂઠી છે.’

રેપના કેસમાં બળાત્કાર કરતાં મહિલાની વર્જિનિટી, પવિત્રતા અને ઈજ્જત ઉપર ભાર મૂકવામાં આવે છે. રેપના કેસમાં વિચિત્ર ચૂકાદાઓ ઉપર એક નજર કરીએ. તહેલકાના ચીફ એડિટર તેજપાલને રેપના કેસમાં સેશન્સ કોર્ટે એટલે છોડી મૂક્યો કે ‘પીડિતા; પીડિતા જેવી લાગતી ન હતી !’ 1992 માં સામાજિક કાર્યકર્તા ભંવરીદેવી ઉપર ગેંગ રેપ થયેલ તેના આરોપીઓને કોર્ટે છોડી મૂક્યા; કોર્ટે બીજા કારણો સાથે એક કારણ આપ્યું હતું કે ‘ઉચ્ચ જાતિના પુરુષ પછાત જાતિની મહિલા ઉપર રેપ કરે નહીં !’ 1977માં સુપ્રિમકોર્ટે ગેંગરેપના આરોપીઓને છોડી મૂકેલ કેમકે ‘પીડિતા રડી ન હતી, બૂમો પાડી ન હતી !’ 2019 માં આરોપી સ્વામિ ચિન્મયાનંદને નિર્દોષ ઠરાવતા કોર્ટે કહ્યું હતું કે ‘પીડિતા 10 મહિના સુધી ચિન્મયાનંદ સાથે હસતી-રમતી રહી. પીડિતાએ જાસૂસી કેમેરા દ્વારા અંગત પળોને કેદ કરી; પછી તેનો ઉપયોગ બ્લેકમેલ કરવા કર્યો !’ 2016માં કર્ણાટક હાઈકોર્ટે રેપના આરોપીઓને છોડી મૂકતા કહ્યું હતું કે ‘પીડિતાનો વ્યવહાર પીડિતા જેવો ન હતો; તે ગભરાયેલી કે ગુસ્સામાં ન હતી. પીડિતા એક એવી મહિલા છે જેને યૌન સંબંધોની આદત છે. આરોપીએ પીડિતાને ઢોસા-ઈડલી ખવડાવેલ !’ 2017માં રાજસ્થાન હાઈકોર્ટે કહેલ કે ‘પીડિતાના શરીર ઉપર સામનો કર્યાના કોઈ નિશાન નથી; મતલબ કે પીડિતાએ યૌન સંબંધ માટે સહમતી આપી હશે !’ 2020 માં કર્ણાટક હાઈકોર્ટે કહ્યું કે ‘રેપ બાદ પીડિતા સૂઈ ન જાય; ભલે તે ગમે તેટલી થાકેલી હોય !’ 2017 માં દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે ‘પીડિતાએ પર્યાપ્ત રીતે વિરોધ કર્યો ન હતો !’ 1971 માં 16 વર્ષની આદિવાસી છોકરી ઉપર ગઢચિરોલી પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં બે પોલીસવાળાએ રેપ કરેલ. જેમાં ટ્રાયલ કોર્ટે આરોપીને છોડી મૂકતા કહ્યું કે ‘પીડિતા જૂઠીછે અને યૌન સંબંધની આદત છે !’ બોમ્બે હાઈકોર્ટે બન્ને આરોપીઓને સજા કરી; જ્યારે સુપ્રિમકોર્ટે કહ્યું કે ‘પીડિતાનો વ્યવહાર સામાન્ય છે અને તેને સેક્સની આદત હતી ! બને કે તેણે જ પોલીસવાળાને સેક્સ માટે ઉશ્કેર્યા હોય !’ આ ચૂકાદા સામે મોટા સ્તર ઉપર વિરોધ થયો, જેથી પોલીસ કસ્ટડી દરમિયાન રેપ અંગે એવિડન્સ એક્ટમાં સુધારો થયો.

એવું નથી કે કોર્ટ વિવેકહીન છે. 2015 માં રોહિત બંસલ વિરુધ્ધ રાજ્યના કેસમાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે ‘બળાત્કાર પીડિતા કષ્ટદાયક અનુભવો સાથે જીવતી હોય છે. શરમથી ભરેલી યાદો તેનો પીછો છોડતી નથી. તેના કારણે તે પ્રત્યેક પળે ઉદાસ રહેતી હોય છે.’ 2013 માં સુપ્રિમકોર્ટે દિપક ગુલાટી વિરુધ્ધ હરિયાણા રાજ્યના કેસમાં કહેલ કે ‘એક બળાત્કારી કોઈ લાચાર મહિલાના આત્માને મેલો કરી મૂકે છે; પીડિતાના આત્મસન્માનને નેસ્તનાબૂદ કરી મૂકે છે.’rs

નેલ્સન પરમાર : આ સવાલ મારાં જ હતાં, બની શકે મારી જેમ ઘણાંને હશે જ, પણ આ વાંચીને મને તો જવાબ મળી ગયાં, મહિલા તરફી કાયદાઓને એટલે જ હું પ્રોત્સાહન આપું છું અને આપણાં દેશમાં એની જરુર છે જ.મહિલાઓ તરફી કાયદા કેમ જરુરી છે એ પણ આ લેખ વાંચી સમજાય જશે. ખરેખર આપણાં દેશમાં એ દુ:ખદ જ બાબત છે કે, ન્યાય ખરીદી પણ શકાય છે….! સમજણ બદલ આભાર Ramesh Savani સર

Leave a Reply

%d bloggers like this: