જાણો બળાત્કાર પીડિતાનું નામ/ફોટો જાહેર કરનારને કેટલો સમય જેલમાં રહેવું પડે?

હાથરસ ગેંગરેપ કેસની ઘટનાની પીડિતાનું મૃત્યુ 29 સપ્ટેમ્બર 2020ના રોજ થયું ત્યારથી પ્રિન્ટ/ઈલેક્ટ્રોનિક/સોશિયલ મીડિયામાં પીડિતાનું નામ/ફોટો/વીડિયો દેખાડાઈ રહ્યા છે. જવાબદાર મીડિયાએ પીડિતાનો ફોટો/વીડિયો એવી રીતે રજૂ કર્યો, જેથી પીડિતાની ઓળખ ન થાય; પરંતુ સોશિયલ મીડિયામાં પીડિતાનું નામ/ફોટો/વીડિયો રજૂ થયો; ન્યાયની લડતને ટેકો આપવા લોકો કોપી કરીને ફોરવર્ડ કરવા લાગ્યા. પરંતુ આવું કરી શકાય નહીં. લોકો ભૂલી ગયા કે વિક્ટિમને ન્યાય અપાવવાના નામે તેને અન્યાય કરી શકાય નહીં ! ડીસેમ્બર 2018માં, સુપ્રિમકોર્ટે કહ્યું હતું કે ‘મૃતકની પણ ગરિમા હોય છે અને એનું નામ લઈને એમની ગરિમાને ઠેસ પહોંચે તેવું કરી શકાય નહીં. રેપના કિસ્સામાં પીડિતા જીવતી હોય; ભલે તે બાળા હોય; પણ તેની ઓળખ છતી થાય તેવું કરી શકાય નહીં; કેમકે તેને નિજતા-Privacyનો અધિકાર છે. માતા-પિતાની સહમતીથી પણ સગીર બાળાની ઓળખ થાય તેવું કરી શકાય નહીં. આવું કલંક આખી જિંદગી એની સાથે શામાટે રહેવું જોઈએ? આ પ્રકારના કલંક સાથે જીવી ન શકાય !’

આ પણ વાંચો – પીએમ મોદીની ટીકા કરતુ પોસ્ટર પ્રોફાઈલ બનાવી રાહુલ ગાંધીએ કહ્યુ કે, મારી પણ ધરપકડ કરો. પ્રિયંકા ગાંધીએ પણ

કઠુઆ બળાત્કાર કેસમાં પીડિતાની ઓળખ જાહેર કરનાર 12 મીડિયા કંપનીઓને 10-10 લાખ રુપિયા દંડની સજાનો હુકમ દિલ્હી હાઈકોર્ટ કર્યો હતો. મીડિયા કંપનીઓએ હાઈકોર્ટ સમક્ષ માફી પણ માંગી હતી ! પીડિતાનું નામ પોલીસ પણ મીડિયા સમક્ષ જાહેર કરી શકે નહીં ! મીડિયા એટલા માટે પીડિતાનું નામ કાલ્પનિક આપે છે; જેમકે નિર્ભયા ! શું છે કાયદાની જોગવાઈ? IPC કલમ-228 (A) તથા POCSO Act-The Protection of Children from Sexual Offences Act, 2012 કલમ-23 મુજબ રેપ વિક્ટિમની ઓળખ થાય તેવું કંઈ કરી શકાય નહીં. જો કોઈ ઓળખ છતી થાય તે માટે પીડિતાનું નામ/ફોટો/વીડિઓ જાહેર કરે કે ફોરવર્ડ કરે તેને 2 વર્ષ સુધી જેલમાં રહેવું પડે અને દંડ પણ ભરવો પડે !

જાગૃતિના અભાવે આપણે બળાત્કારના ગુનેગારોને સજા કરાવવાના બદલે પીડિતાને જ ગુનેગાર બનાવી દઈએ છીએ; તે કેટલે અંશે ઉચિત કહેવાય? વિચારજો !rs

~ રમેશ સવાણી ( ભૂતપુર્વ આઈ.પી.એસ પોલીસ અધિકારી )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *