સત્તાપક્ષના પ્રમુખે જે કર્યું તે વિપક્ષના નેતાએ કર્યું હોત તો પાસા હેઠળ જેલમાં હોત !

રમેશ સવાણી – રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેર વધુ ઘાતક બની છે. કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. સુરતમાં,ગુજરાતના સત્તાપક્ષના પ્રમુખે 10 એપ્રિલ 2021ના રોજ પાર્ટી કાર્યાલય ખાતે 5000 રેમડેસિવિર ઈન્જેક્શનનું વિના મૂલ્યે લોકોને વિતરણ કર્યું. પક્ષપ્રમુખનું આ પરાક્રમ જ કહી શકાય; કેમકે આ ઈન્જેક્શન મેળવવા આખા ગુજરાતમાં સિવિલ હોસ્પિટલો ઉપર વહેલી સવારથી જ લોકોની લાઈન લાગેલી હતી; તેવા સમયે 5000 ઈન્જેકશનનો જથ્થો લઈ આવનારે ‘પોલીસગીરી’ કરી હોય તો જ મળી શકે ! જૂન 2020માં સરકારે આ ઈન્જેક્શન ઈમરજન્સીમાં જ વાપરવાની મંજૂરી આપેલી છે. પ્રિસ્ક્રિપ્શન વિના આ ઈન્જેક્શન આપી શકાય નહીં. ચોકલેટની જેમ આ ઈન્જેકશનનું વિતરણ થઈ શકે નહીં. આ ઈન્જેક્શન માત્ર હોસ્પિટલો અને મેડિકલ સ્ટોર જ રાખી શકે.

સૌથી આશ્ચર્યની વાત એ છે કે ગુજરાતના મુખ્યમંત્રીને પત્રકારોએ પૂછ્યું કે “રાજ્યમાં રેમડેસિવિર ઈન્જેક્શનો માટે લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહે છે; ત્યારે પક્ષપ્રમુખ પાસે 5000 ઈન્જેક્શનનો જથ્થો આવ્યો ક્યાંથી?” મુખ્યમંતત્રીએ પવિત્ર જવાબ આપ્યો : “મને ખબર નથી; પક્ષપ્રમુખને પૂછો !” જો મુખ્યમંત્રીને ખબર ન હોય તો તેઓ મુખ્યમંત્રી તરીકે લાયક નથી તેમ કહી શકાય અને જો ખબર હોય છતાં ઢાંકપિછોડો કરતા હોય તો તેઓ લોકો સાથે છેતરપિંડી કરે છે તેમ શકાય ! કોરોના મહામારી વેળાએ લોકો જે ઈન્જેક્શન માટે ટળવળતા હોય; તે 5000 જેટલા ઈન્જેક્શનનો પક્ષના કાર્યાલયે વિતરણ કરવામાં આવે તેની મુખ્યમંત્રીને ખબર ન હોય તેવું બને નહીં. તે 10 મિનિટમાં જાણી શકે છે. શું મુખ્યમંત્રી પોતાના પક્ષ પ્રમુખને ફોન કરીને પૂછી ન શકે? અને જો તેમને ન પૂછી શકે; તો ગુજરાતના લોકોની સેવા કઈ રીતે કરી શકે? 12 એપ્રિલ 2021 ના રોજ સરકારે ગુજરાત હાઈકોર્ટ રજૂઆત કરી હતી કે “પક્ષપ્રમુખે પક્ષના કાર્યાલય ઉપરથી રેમડિસિવિર ઇન્જેક્શનનું વિતરણ કર્યું; તેમાં કોઇ બદઇરાદો નહતો; પરંતુ લોકોને મદદ કરવાનો હેતુ હતો. ઉત્સાહનભેર દાન કરવાના હેતુથી આ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઇન્જેક્શન કાયદેસર રીતે મેળવવામાં આવ્યા હતા અને વિના મૂલ્યે લોકોને આપવામાં આવ્યા હતા. આ પ્રકારનું વિતરણ અટકાવી શકાયું હોત પરંતુ તેમાં કંઇ ખોટું થયું હોય તેમ લાગી રહ્યું નથી !”

પોતાની સરકાર છે એટલે ગુનેગાર પણ દેવદૂત બની જાય ! પરંતુ એટલું ચોક્કસ છે કે સત્તાપક્ષના પ્રમુખે જે કર્યું તે વિપક્ષના નેતાએ કર્યું હોત તો પાસા-The Gujarat Prevention of Anti-social Activities Act, 1985 હેઠળ જેલમાં હોત ! અને ગોદી મીડિયાએ કલાકો સુધી ડીબેટનું આયોજન કર્યું હોત !rs

– રમેશ સવાણી ( ભુતપૂર્વ IPS )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *