વડાપ્રધાન શામાટે પ્રેસ કોન્ફરન્સ કરતા નથી?

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર – ભારત લોકશાહી દેશ છે અને વડાપ્રધાન આપખુદ છે ! આમ કહેવાનું એક કારણ એ છે કે વડાપ્રધાને રાષ્ટ્રીય કટોકટી/રાષ્ટ્રીય મહામારી/લોકોને સ્પર્શતા મહત્વના મુદ્દાઓ અંગે સાત વરસમાં એક પણ વખત પ્રેસ કોન્ફરન્સ કરી નથી. વડાપ્રધાનની ‘દિવ્ય ખાસિયત’ એ છે કે તેઓ બોલ્યા કરે છે; પરંતુ કોઈને સાંભળતા નથી. લોકોના મનની વાત સાંભળવા તૈયાર નથી; પરંતુ પોતાના મનની વાત લોકોને સંભળાવવા માટે હંમેશા આતુર રહે છે.

વડાપ્રધાન પ્રેસથી ભાગતા હોય એવી કોઈ ઘટના કોઈ લોકશાહી દેશમાં બની નથી ! UKના ‘સન્ડે ટાઈમ્સ’/ ઓસ્ટ્રેલિયાના ‘ધ ‘ઓસ્ટ્રેલિયન’/ USA ના ‘વોશિગ્ટન પોસ્ટ’/‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ વગેરે અખબારોએ વડાપ્રધાન વિશે લખ્યું છે કે “ઘમંડ/અંધ-રાષ્ટ્રવાદ/ક્ષમતાહીન નોકરશાહોએ ભારતમાં એવું મહાસંકટ ઊભું કર્યું છે; જેમાં રોજે હજારો લોકોના મોત થઈ રહ્યા છે; પરંતુ ભીડને ચાહનારા ભારતના વડાપ્રધાનને કોઈ ચિંતા નથી !” કોરાના મહામારીની બીજી લહેરના પરેશાન કરી મૂકે તેવા અહેવાલો દુનિયા ભરના મીડિયા અને સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગયા છે. ‘ધ ઈકોનોમિસ્ટ’ના ભારત ખાતેના રીપોર્ટર એલેક્સ ટ્રાવેલી કહે છે : “ભારતમાં લોકડાઉન પછી સાવધાની રાખવાની જરુર હતી; છતાં કુંભમેળો અને ચૂંટણીસભાઓ યોજી; એ લાપરવાહીનો નમૂનો કહેવાય !” વડાપ્રધાને 28 જાન્યુઆરી 2021 ના રોજ ‘WEF-વર્લ્ડ ઈકોનોમિક ફોરમ’ના Davos Dialogue ને વીડિયો કોન્ફરેસિંગ મારફતે કહ્યું હતું કે “અમે બીજી વેક્સિન લાવી રહ્યા છીએ; જે પૂરી દુનિયાને ઉપલબ્ધ કારવીશું ! અમે કોવિડ સ્પેસિફિક હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર વિકસિત કરવા ઉપર ધ્યાન આપ્યું. આજે ભારત એવા દેશોમાં સામેલ છે જ્યાં સંક્રમિત લોકો ઓછા થઈ રહ્યા છે. ભારતે કોરોનાને હરાવી દીધો છે !” પરંતુ બન્યું ઉલટું !

વડાપ્રધાને જો કાળુઘન શોધી કાઢ્યું હોય; અચ્છે દિન લાવ્યા હોય; રુપિયાને ડોલરના મુકાબલે મજબૂત કર્યો હોય; GDPનો દર વધાર્યો હોય; બેરોજગારી ઘટાડી હોય; નોટબંધીના ફાયદા થયા હોય; ત્રણ કૃષિ કાનૂન કિસાનોના ફાયદા માટે હોય; કોવિડ મહામારીનો સામનો કરવા પૂર્વતૈયારી કરી હોય; બંધારણીય મૂલ્યો અને માનવમૂલ્યોને દ્રઢ બનાવ્યા હોય તો શામાટે પ્રેસ કોન્ફરન્સ યોજી દેશને માહિતી આપતા નથી? ગોદી ચેનલો મારફતે માત્ર આરતી શામાટે ઉતરાવ્યા કરે છે? પોતાના IT Cell દ્વારા વિપક્ષના નેતાઓનું ચરિત્રહનન શામાટે કરાવ્યા કરે છે? ગરીબો, ડરેલો મધ્યમ વર્ગ, ઈલાજ માટે ભટકતા અમીરો અને સમર્પિત પાર્ટી-કાર્યકરોને એ સમજાતું નથી કે વડાપ્રધાને આવું શામાટે થવા દીધું? બધા સવાલો પૂછે છે પણ જવાબ આપનાર કોઈ નથી. સવાલો ઉઠાવવારાઓ દેશદ્રોહી છે; એમ કહીને વડાપ્રધાનની ટ્રોલસેના અને કોર્પોરેટ મીડિયા લોકોને ભ્રમિત કરી રહ્યાં છે ! હવે ભારતના લોકો પાસે માત્ર સવાલો બચ્યા છે અને વડાપ્રધાન જવાબ આપતા નથી ! ગંગાનદીમાં અસંખ્ય શબ તરી રહ્યા છે પણ ગંગામૈયા પણ ગંગાપુત્રને બોલાવતા ડરી રહી છે ! ગંગા પોતે શબવાહિની બની જાય તે કેવું રામરાજ્ય? વડાપ્રધાન ફિલ્મ અભિનેતા અક્ષયકુમારને ઈન્ટરવ્યૂ આપે છે; અને ‘રાષ્ટ્રીય પ્રશ્ન’ પૂછે કે કેરી કાપીને ખાવ છો કે ચૂસીને? પરંતુ વડાપ્રધાન પત્રકારોથી દૂર ભાગે છે. વડાપ્રધાન શામાટે પ્રેસ કોન્ફરન્સ કરતા નથી? સવાલોથી ભાગે છે કેમ? બે કારણ છે : [1] અંગ્રેજીમાં પૂછાયેલ પ્રશ્નનો જવાબ તેઓ આપી શકતા નથી. કરણ થાપરને ઈન્ટરવ્યૂ આપ્યો ત્યારથી ડર બેસી ગયો છે. [2] પોતાને કોઈ સવાલ કરે તે તેમને ગમતું નથી !rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *