બહુ ડાહ્યા બહુ ખરડાય ! વડાપ્રધાન ‘અજેય’ હોવાનો ભ્રમ ધરાવે છે; પરંતુ તેમની હાલત અમેરિકન પ્રિસડેન્ટ નિક્સન જેવી થવાની છે.

  • બહુ ડાહ્યા બહુ ખરડાય !
  • વડાપ્રધાન ‘અજેય’ હોવાનો ભ્રમ ધરાવે છે; પરંતુ તેમની હાલત અમેરિકન પ્રિસડેન્ટ નિક્સન જેવી થવાની છે.
  • મમતા બેનરજીએ Commission of Inquiry Act-1952 હેઠળ, પેગાસસ બાબતે તપાસપંચ નીમીને વડાપ્રધાન માટે મોટી મુશ્કેલી સર્જી દીધી છે !

રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર :  ઓગષ્ટ 2011ની વાત છે. હાલના વડાપ્રધાન ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા. તે વખતે તેઓ લોકાયુક્તની નિમણૂક કરવામાં ઠાગાઠૈયા કરતા હતા ! અન્ના હઝારેના આંદોલનને ટેકો આપેલ છતાં તેઓ લોકાયુક્તની નિમણૂંક કરતા ન હતા. એટલે ગુજરાતના રાજ્યપાલ કમલા બેનીવાલે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સાથે વિમર્શ કર્યા બાદ લોકાયુક્ત તરીકે જસ્ટિસ આર. એ. મહેતાની નિમણૂંક કરી. મહેતા પ્રામાણિક હતા એટલે મુખ્યમંત્રી ભડક્યા ! સરકાર હાઈકોર્ટમાં પહોંચી. જાન્યુઆરી 2012માં હાઈકોર્ટના મુખ્ય જસ્ટિસ સહાયે સરકારની અપીલ ફગાવી દીધી હતી અને ટીકા કરેલ કે “ગુજરાતના મુખ્યમંત્રી ‘અજેય’ હોવાનો ભ્રમ ધરાવે છે !” ગુજરાત સરકાર પહોંચી સુપ્રિમકોર્ટમાં. હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો અને ‘અજેય’ વાળી ટિપ્પણી દૂર કરવા માગણી કરી; પરંતુ સુપ્રિમકોર્ટે હાઈકોર્ટનો નિર્ણય અને ટિપ્પણી યથાવત રાખી હતી. બહુ ડાહ્યા બહુ ખરડાય એવો ઘાટ થયો હતો !

આ પણ વાંચો : લોકો પોતાના હિત માટે; મફત શિક્ષણ/મફત આરોગ્ય સેવા/નાગરિક સ્વતંત્રતા-સુરક્ષા માટે જાગૃત નહીં થાય?

ઈઝરાયેલી પેગાસસ સ્પાયવેરથી આતંકવાદીઓ/મોટા ગુનેગારોની જાસૂસી કરવાને બદલે પત્રકારો/ચૂંટણી કમિશ્નર/જજ/અધિકારીઓ/વિપક્ષના નેતાઓની જાસૂસી કરી હોવા છતાં કેન્દ્ર સરકારે/વડાપ્રધાન વતી પ્રવક્તાએ કહ્યું કે “પેગાસસ વિશે અમે કંઈ જાણતા જ નથી ! અમે કાયદેસર જાસૂસી કરીએ છીએ !” પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયા/એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા અને બીજા પત્રકારોના સંગઠનોએ સુપ્રિમકોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરવાની માંગણી કરી ચૂક્યા હતા. વડાપ્રધાને માન્યું હશે કે સુરક્ષા એજન્સીઓ પાસે પેગાસસ સ્પાયવેર છે તે ગુપ્ત છે; એની તપાસ થઈ શકવાની નથી; એ વહેમમાં અને જેણે મૂકી લાજ , તેને મોટું સરખું રાજની નીતિમાં માનતા હોવાથી વડાપ્રધાને પેગાસસ જાસૂસી બાબતે તપાસ કરવાનો ઈન્કાર કર્યો. 26 જુલાઈ 2021ના રોજ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ Commission of Inquiry Act-1952 હેઠળ, પેગાસસ બાબતે તપાસપંચ નીમીને વડાપ્રધાન માટે મોટી મુશ્કેલી સર્જી દીધી છે ! બહુ ડાહ્યા બહુ ખરડાય એવો ફરી ઘાટ થયો છે ! વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2002માં ગોધરાકાંડ અને ત્યારબાદ ગુજરાતમાં ફાટી નીકળેલાં હુલ્લડોની તપાસ માટે તેમણે નાણાવટી કમિશન નીમીને પોતાને બચાવી લીધા હતા. ઘરના ભૂવા અને ઘરના ડાકલાં અને મોસાળમાં જમણવાર અને મા પીરસનાર જેવી સ્થિતિને કારણે બચાવ થઈ શક્યો હતો ! પરંતુ મમતા બેનરજીએ પેગાસસ જાસૂસી કૌભાંડ બાબતે તપાસ પંચ નીમીને વડાપ્રધાનને અચંબામાં નાખી દીધા છે. મમતા બેનરજી કહે છે કે “પેગાસસ સ્પાયવેર મારફતે તૃણમૂલ કોંગ્રેસના MP અભિષેક બેનરજી તથા ચૂંટણી મેનેજમેન્ટ કરનાર પ્રશાંત કિશોરની જાસૂસી થઈ હતી. અમે ઇચ્છતા હતા કે પેગાસસ જાસૂસી કૌભાંડની તપાસ માટે કેન્દ્ર તપાચપંચની રચના કરે, પરંતુ કેન્દ્ર સરકાર કંઈ કરી રહી નથી. સુપ્રીમકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધિશ મદન લોકુર પંચના વડા રહેશે અને કોલકાતા હાઇકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધિશ જ્યોતિરમય ભટ્ટાચાર્ય સભ્ય રહેશે.” તપાસપંચ નીમવાની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને સત્તા છે; પરંતુ રાજ્ય સરકારે તપાસપંચ નીમેલ હોય ત્યારે તે બાબતે કેન્દ્ર સરકાર બીજું તપાસપંચ નીમી શકે નહીં. 2002ના કોમી તોફાનોના સંદર્ભે ઉતાવળે નાણાવટી કમિશનની રચના કરી કેન્દ્ર સરકારના હાથ બાંધી દીધા હતા; આ રીતે જ મમતા બેનરજીએ પણ વડાપ્રધાનના હાથ બાંધી દીધા છે ! તમામ વિપક્ષી દળોએ પેગાસસ જાસૂસી કાંડની તપાસ કરવા વડાપ્રધાનને વિનંતિ કરી હતી; ત્યારે વડાપ્રધાને માંગણી ફગાવી દીધી હતી; હવે ક્યા મોઢે જાસૂસી કાંડ અંગે કેન્દ્રીય તપાસપંચ નીમે?

વડાપ્રધાન ‘અજેય’ હોવાનો ભ્રમ ધરાવે છે; પરંતુ તેમની હાલત અમેરિકન પ્રિસડેન્ટ નિક્સન જેવી થવાની છે. હાથનાં કર્યાં હૈયે વાગવાના છે ! પેગાસસ તપાસ પંચ શું કરી શકે? [1] પંચ IB/NIA/CBI/RAW ના અધિકારીઓને સમન્સ ઈસ્યુ કરી તપાસ માટે બોલાવી શકે. [2] પંચને યોગ્ય લાગે તેવા ભારતના કોઈ પણ વ્યક્તિને પંચ સમક્ષ બોલાવી શકે. [3] પંચ ટેક્નિકલ એક્સપર્ટની મદદ લઈ શકે. [4] પંચની સત્તા કોર્ટ જેટલી હોય છે; જો કોઈ પંચ સમક્ષ હાજર ન થાય તો ‘કોર્ટના તિરસ્કાર’ સબબ કાર્યવાહી કરી શકે. [5] પંચ વિક્ટિમના નિવેદનો લઈ શકે અને તેમના ફોનની તપાસ ફોરેન્સિક નિષ્ણાત પાસે કરાવી શકે. [6] પેગાસસ સ્પાયવેર કોની સૂચનાથી/ક્યારે કેટલી કિંમતમાં ખરીદ્યું/કોની સૂચનાથી સર્વેલન્સ કરવામાં આવેલ તેની તપાસ કરી શકે. [7] જ્યારે કાયદા હેઠળ ફોન ઇન્ટરસેપ્ટ કરવાની જોગવાઈ છે; તેનો ઉપયોગ નહીં કરતા ગેરકાયદે સ્પાયવેરનો ઉપયોગ કરવાની કોણે મંજૂરી આપી? [8] કોની કોની જાસૂસી ક્યા સંદર્ભમાં કરવામાં આવી? [9] પેગાસસ સ્પાય સોફ્ટવેરનો ઉપયોગ થયો છે કે બીજા કોઈ સ્પાયવેરનો ઉપયોગ થયો છે? [10] પંચ 6 મહિનામાં અહેવાલ આપશે; જે કેન્દ્રના સત્તાપક્ષ માટે માથાનો/પેટનો દુ:ખાવો બની જાય ! [11] મમતા બેનરજીએ નીમેલ તપાસ પંચને કેન્દ્ર સરકાર ત્યારે જ રોકી શકે જ્યારે જુદા જુદા રાજ્યાોમાં જાસૂસી સબબ; વધુ ઊંડી અને વિસ્તૃત તપાસ કરવા કેન્દ્ર પોતાનું તપાસપંચ નીમે ! વડાપ્રધાન અવળા હાથે કાન પકડે? કહેવત છે કે ઘો મરવાની થાય ત્યારે અવાડે જાય !rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *