રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર – કોરોના મહામારીની બીજી લહેરમાં સરકારની લાપરવાહી અને ધૂર્તતા છતી થઈ ગઈ છે. સરકાર જાણે લાપતા હોય તેવી સ્થિતિ છે. સરકારની પ્રાથમિકતામાં કોરોના નથી; પ્રોપેગેન્ડા અને છબિ ચકચકિત કરવાનું છે. સરકારે પોતાનું મિસમેનેજમેન્ટ/નાગડદાઈ છૂપાવવા ‘પોઝિટિવિટી’નું અભિયાન શરુ કર્યું છે. આને ‘પોઝિટિવિટી-ટૂલકિટ’ પણ કહી શકાય ! કોર્પોરેટ બાબાઓ/ કથાકારો /સદગુરુઓ/ શ્રી શ્રીઓ/ મુનિઓ/ સ્વામિઓ/મોટિવેશનલ વક્તાઓ-લેખકો કહેશે કે “જેમ આપણે જૂના કપડાં બદલીએ છીએ; તેમ મનુષ્ય જૂનું શરીર ત્યાગીને નવું શરીર ધારણ કરી લે છે ! મહામારીથી થતા મૃત્યુ મિથ્થા છે ! હવામાંથી ઓક્સિજન લો; ગાયના છાણા અને ધી વડે હવન કરો ઘર ઓક્સિજનથી ભરાઈ જશે; ગૌમૂત્ર સેવન કરો; પીપળાના વૃક્ષ નીચે બેસો; પોઝિટિવ રહો; સરકારની ટીકા કરવાને બદલે પોઝિટિવ વિચાર કરો ! ગંગામાં તરતી કે રેતીમાં દટાયેલ લાશોના ફોટાઓ/વીડિઓ ન જૂઓ; પોઝિટિવ રહો !” સરકાર કોરોના મહામારીને નક્કર પગલા લઈને દૂર કરવા ઈચ્છતી નથી; પરંતુ પોઝિટિવિટીના ભાષણોથી કોરોનાને હરાવવા માગે છે !
સત્તાપક્ષ માને છે કે દરેક સમસ્યાનો ઉકેલ પ્રોપેગેન્ડા છે ! લોકો ભલે મરે; PMની છબિ બચવી જોઈએ ! સત્તાપક્ષના IT Cell ના હેડ અમિત માલવિય ટ્વીટ કરી ગ્રાફિકમાં આંકડાની માળાજાળ રચે છે કે “ભારતમાં કોરોનાથી ઓછા મોત થયા છે ! ભારતમાં એક લાખે 18 લોકો જ કોરોનાથી મર્યા છે; જ્યારે અમેરિકામાં 177; UKમાં 291; ઈટાલીમાં 204 અને બેલ્જિયમમાં 214 લોકોના મોત થયા છે !” IT Cell ઘા ઉપર મીઠું ભભરાવે છે. ભારતમાં મોતના આંકડા છૂપાવવાનું કારણ જ એ છે કે બીજા દેશોની સરખામણીમાં ભારતનો મૃત્યુદર નીચો રહે ! કુલ મોતમાં સરકારી આંકડા મુજબ અમેરિકા, બ્રાઝિલ પછી ભારત ત્રીજા સ્થાને છે. ભારતમાં 2,58,317 મૃત્યુ કોરોના કારણે થયેલ છે. પરંતુ IT Cell માત્ર 18 નો આંકડો દેખાડે છે. આ ચાલાકી છે ! સત્તાપક્ષ 18 નો આંકડો રજૂ કરીને એ નેરેટિવ/ધારણા સેટ કરવા ઈચ્છે છે કે “વડાપ્રધાન દિવસ-રાત કામ કરે છે ! આપ ભાગ્યશાળી છો કે કામઢા PM મળ્યા છે !” લાશો ગંગામાં વહી રહી છે; લાશ સાયકલ ઉપર જઈ રહી છે; લોકો હોસ્પિટલના પાર્કિંગમાં દમ તોડી રહ્યા છે. લોકો ટ્વિટર ઉપર ICU બેડ/ રેમડેસિવિર ઈન્જેક્શન/ ઓક્સિજન માંગે તો તેમની સામે અફવા ફેલાવવા સબબ ગુનો દાખલ કરવામાં આવે છે ! મદદ માંગવી તે ગુનો ! બીજી તરફ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ ઝડપથી ચાલી રહ્યો છે.
આ પણ વાંચો – જીવન જીવવાનો અધિકાર: બંધારણની દેન
લોકો પોઝિટિવ ક્યારે રહે? મહામારીમાં સરકાર કોઈ રાહત આપે તો આશાનો સંચાર થાય. જો પર્યાપ્ત સુવિધાઓ જોવા મળે તો આશાનો સંચાર થાય. પ્રોપેગેન્ડાના બદલે ઓક્સિજન અને મેડિકલ સુવિધાઓ મળે તો આશાનો સંચાર થાય. મીડિયા મેનેજમેન્ટના બદલે મહામારીને ગંભીરતાથી મેનેજ કરે તો લોકો આશાવાદી બને ! નહીં તો જૂઠી પોઝિટિવિટી તો પાણીના પરપોટા જેવી હોય છે ! સરકાર ‘પોઝિટિવિટી’ના અંચળા હેઠળ પોતાની નિષ્ફળતાઓ ઢાંકવા માગે છે. નક્કર વાસ્તવિકતાને જૂઠાણાંથી ઢાંકવા માગે છે. સરકાર જૂઠી પોઝિટિવિટીના અફીણ વડે લોકોને નશામાં રાખવા માગે છે. ટૂંકમાં પોઝિટિવ થવું એટલે સરકારી નાગડદાઈ સામે ચૂપ રહેવું !rs