પોલીસ પ્રધાનમંત્રીને પણ દંડ કરે; તેને રુલ ઓફ લો કહેવાય !

રમેશ સવાણી ( ભુતપૂર્વ IPS ) – ભારતમાં ગુનેગારોને લીલાલહેર છે. કાયદો તો ખિસ્સામાં રાખી ફરે છે. એમાંય જો ગુનેગાર સત્તાપક્ષનો હોય તો ચંબલના ડાકૂ કરતા વધુ ધાક ઊભી કરે છે ! કોરોના મહામારીમાં માસ્ક ન પહેરવા સબબ પોલીસ ગરીબ/લાચાર લોકોને હેરાન કરે છે; તમે કારમાં એકલાં જ હો અમે માસ્ક પહેર્યો ન હોય તો પોલીસ દંડ કરે છે; પરંતુ સત્તાપક્ષના નેતાઓ માસ્ક પહેર્યા વિના; સોશિયલ ડિસ્ટન્સિંગના અમલ વિના ચૂંટણી સભાઓ/રજતતુલાઓ/ કુંભ મેળાઓમાં ભીડ એકઠી કરે છે; છતાં તેમને કોઈ દંડ નહીં ! જાણે કોરોના પ્રોટોકોલ એમને લાગુ પડતો જ નહોય ! આપણા પ્રધાનમંત્રી અઢળક પૈસા ખર્ચી, ભીડ ભેગી કરે છે અને સાંજે સોશિયલ ડિસ્ટન્સિંગનો ઉપદેશ આપે છે ! સામાન્ય લોકો કાયદા/નિયમો અલગ છે, જે ખાસ લોકોને લાગુ પડતા નથી ! સત્તાપક્ષના નેતા કે તેમના ખાસ અધિકારીઓ સામેના કેસમાં CBI કોર્ટ તેમને નિર્દોષ છોડી મૂકે તો CBI એક પણ કેસમાં ઉપલી કોર્ટમાં અપીલ પણ કરતી નથી ! વિપક્ષના નેતા સામે CBI તપાસ કરતી હોય અને એ નેતા સત્તાપક્ષમાં જોડાઈ જાય તો CBIને તરત જ એ નેતા આરોપીને બદલે દેવદૂત લાગે છે અને કેસ અભરાઈએ ચડાવી દે છે !

આ સ્થિતિમાં ક્યારેક એવા સમાચાર જાણવા મળે છે કે આપણે માની જ ન શકીએ. નોર્વેના પ્રધાનમંત્રી Erna Solberg-એર્ના સોલબર્ગએ COVID ગાઈડલાઈન્સનું પાલન નહીં કરતા પોલીસે તેમને 20,000 ક્રાઉન્સ એટલે કે 1,75,648 નો દંડ કર્યો હતો ! પોલીસે 9 એપ્રિલ 2021 ના રોજ પ્રેસ કોન્ફરન્સ યોજી આ અંગે જાણ કરી હતી. PM એર્ના સોલબર્ગે ફેબ્રુઆરી 2021 ના અંતમાં માઉન્ટેન રીસોર્ટમાં પોતાના 60 મા જન્મદિવસે એક પાર્ટી યોજી હતી. જેમાં પરિવારના 13 સભ્યો સામેલ થયા હતા. નોર્વે સરકારે 10 થી વધુ લોકોને એક જગ્યાએ એકઠાં થવા સામે નિયંત્રણ મૂકેલ છે. પોલીસે કહ્યું કે “આ પ્રકારના કિસ્સામાં મોટા ભાગે અમે દંડ નથી કરતા. પરંતુ સરકારી નિયંત્રણો લાગુ પાડવામાં પ્રધાનમંત્રીની વિશેષ જવાબદારી હોય છે. આમ જનતામાં સામાજિક નિયંત્રણો પ્રત્યે વિશ્વાસ પ્રગટે તે માટે આ પ્રકારનો દંડ કરવો ઉચિત છે. નિયમો બધા માટે સરખા છે.” યાદ રહે કે પાર્ટીમાં માત્ર ત્રણ સભ્યો જ વધારે હતા !

ભારતની પોલીસ સત્તાપક્ષના નેતાને/PMને દંડ કરવાનું વિચારે તો એમની બદલી થઈ જાય ! શું નોર્વેની પોલીસ જેવી આપણી પોલીસ ન બની શકે? પોલીસ પ્રધાનમંત્રીને પણ દંડ કરે; તેને રુલ ઓફ લો કહેવાય !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *