પોલીસ FIR નોંધતી નથી; જવાબદાર કોણ?

રમેશ સવાણી ( નિવૃત્ત આઇપીએસ અધિકારી ) : અમદાવાદ શહેર સેક્ટર-2ના JCP જોઇન્ટ કમિશનર ગૌતમ પરમાર 16 માર્ચ 2022 ના રોજ સાદા કપડાંમાં પોતાના તાબાના પોલીસ સ્ટેશનમાં ‘બોગસ ફરિયાદ’ લઈને ગયા તો PSO-પોલીસ સ્ટેશન ઓફિસર એટલે કે હેડ કોન્સ્ટેબલનો કડવો અનુભવ થયો હતો ! કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં JCP સ્કુટી ચોરાઈ ગયું છે અને તેની ડેકીમાં પાસપોર્ટ અને બીજા અન્ય અગત્યના ડોક્યુમેન્ટ છે તેવી ફરિયાદ લઈને ગયા હતા. PSOએ JCPને સલાહ આપી કે ‘આજુબાજુ તપાસ કરીને આવો પછી ફરિયાદ લઈશ.’ JCPએ ફરિયાદનો આગ્રહ કર્યો ત્યારે PSOએ JCPને એરેસ્ટ કરવાની ધમકી આપી હતી ! ત્યારબાદ અમરાઈવાડી પોલીસ સ્ટેશને જઈને JCPએ PSOને કહેલ કે ‘મારી સાથે મારી ભત્રીજી છે અને તેનો પતિ તેને માર મારે છે. ભત્રીજીની ફરિયાદ નોંધો.’ PSOએ JCPને સલાહ આપેલ કે તમારી ભત્રીજીનું પિયર ભાવનગર છે, ત્યાં ફરિયાદ કરો. JCPએ ફરિયાદ લેવાનો આગ્રહ કર્યો ત્યારે PSOએ કહેલ કે ‘પતિએ માર મારેલ હોય તો સારવારનું સર્ટિફિકેટ લઈને આવો. અથવા ચાર સાક્ષીઓ લઈને આવો જેમણે માર મારતા જોયો હોય !’ બન્ને કિસ્સામાં ફરિયાદ નોંધવાનો ઈન્કાર કરનાર PSOને સસ્પેન્ડ કરવામાં આવ્યા !

થોડાં પ્રશ્નો : [1] પોલીસ સ્ટેશનોમાં લોકોની ફરિયાદ બરાબર નોંધાય છે કે નહીં તેની ચકાસણી કરવા ગુજરાત પોલીસ મેન્યુઅલમાં ‘બોગસ ફરિયાદ’ની જોગવાઈ છે. ઉપરી અધિકારી કોઈને ફરિયાદ કરવા મોકલે અને PSO ફરિયાદ ન નોંધે તો તેમની સામે ફરજમાં નિષ્કાળજી સબબ ખાતાકીય તપાસ થાય. જો PSO ફરિયાદ નોંધી લે તો ઉપરી અધિકારી સ્ટેશન ડાયરીમાં નોંધ કરે કે બોગસ ફરિયાદ છે ! પરંતુ 2001 પછી બોગસ ફરિયાદની પ્રથા જ સમાપ્ત થઈ ગઈ. પોલીસનું ખૂબ ઓછું મહેકમ અને મહાસંમેલનોના બંદોબસ્તમાંથી પોલીસ ઊંચી ડોક કરી શકતી ન હતી. પોલીસ ભરતી પણ બંધ હતી. મોડે મોડે ભરતી ચાલુ કરી તો ફિક્સ પગારની ! ફરિયાદ નહીં નોંધવાનું/ગુનાનું બર્કિંગ કરવાનું કારણ શું? શું આના માટે માત્ર PSO-હેડ કોન્સ્ટેબલ કક્ષાના નાના કર્મચારીઓ જવાબદાર છે? [2] શું પોલીસ સ્ટેશનના PSO-હેડ કોન્સ્ટેબલને ફરિયાદ લખવાની સત્તા છે? પોલીસ સ્ટેશનમાં PSOનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. પોલીસ ઈન્સ્પેકટરની સૂચના મુજબ PSO કામ કરે છે; એટલે ફરિયાદ નોંધવી કે ન નોંધવી તે PSO નહીં, પોલીસ ઈન્સ્પેકટર નક્કી કરે છે ! આખરે પોલીસ કમિશ્નર ખુદ ઈચ્છતા હોય છે કે ક્રાઈમ કંટ્રોલમાં રહેવું જોઈએ. DGP/સરકારની ઈચ્છા હોય છે કે ક્રાઈમ કંટ્રોલમાં રહેવું જોઈએ. એટલે થાણા અધિકારી PSOને મૌખિક સૂચના આપે છે કે મને પૂછ્યા વિના FIR નોંધવી નહીં ! આ સ્થિતિમાં PSOની જવાબદારી ઠેરવવી કેટલી ઉચિત? [3] 2017માં, અમદાવાદ શહેરમાં હું JCP તરીકે હતો, તે સમયે પોલીસ કમિશ્નરે ક્રાઈમ કોન્ફરન્સમાં દાવો કરેલ કે છેલ્લા 20 વરસની સરખામણીમાં અમદાવાદ શહેરનું ક્રાઈમ ઘટ્યું છે ! એ સમયે ગુનાઓનું મેક્સિમમ બર્કિંગ થતું હતું. આ રીતે ક્રાઈમ ઘટાડીને વાહવાહી મેળવવાની વૃતિ એ મુખ્ય સમસ્યા છે. જ્યારે બેરોજગારી વધે/અસમાનતા વધે/શહેરીકરણ વધે ત્યારે ક્રાઈમ કઈ રીતે ઘટે? આ બાબતે સરકાર કેમ વિચારતી નથી? [4] પોલીસનું વર્તન ત્રાસદાયક/અપમાનજનક હોય છે. એટલે જ કોઈ IPS અધિકારી પોતાની પત્ની કે બહેનને પોલીસ સ્ટેશન મોકલતા સાત વખત વિચાર કરે છે ! શું IPS અધિકારીઓએ તાબાના સ્ટાફ સાથે ક્યારેય માનવીય વર્તન કરેલ છે? તેઓ હજુ પણ પોતાના ઓર્ડર્લી પાસે ગુલામ જેવું કામ કરાવે છે ! ઉચ્ચ અધિકારીઓ જ સંવેદનબધિર હોય ત્યાં નીચેના સ્ટાફનો શું વાંક કાઢવો? કૂવામાં હોય તેવું અવેડામાં આવે ! [5] ઉચ્ચ પોલીસ અધિકારીઓ વધારે જવાબદાર છે. તેઓ VVIP બંદોબસ્તમાં વધુ પોલીસ ફાળવે છે ! એટલે પોલીસ નવરી પડતી નથી. વસતિના અને ક્રાઈમના પ્રમાણમાં મહેકમ ખૂબ જ ઓછું છે. કામનું ભારણ સતત રહે છે. પોલીસ ફરિયાદ લેવામાં ઠાગાઠૈયા શામાટે કરે છે? ગુનો દાખલ કરે તો સ્થળ પંચનામું કરવું પડે/પુરાવા એકત્ર કરવા પડે/FSLને નમૂના મોકલવા પડે/નિવેદનો નોંધવા પડે/ચાર્જશીટ કરવું પડે/કોર્ટની મુદતે ધક્કા ખાવા પડે ! આ બધું નિવારવા પોલીસ કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ સાદી અરજીમાં લે છે ! કાગડાપીઠ/અમરાઈવાડી પોલીસ સ્ટેશનના PSO ની જેમ બહાના બતાવી ફરિયાદ નોંધવાનું ટાળે છે ! માની લઈએ કે IPS અધિકારીઓને લોકોની તકલીફ અંગે જાણકારી નથી; પરંતુ રાજ્યના ગૃહમંત્રીને ભૂતકાળમાં પોલીસનો કોઈ અનુભવ નહીં થયો હોય? પોલીસ સામાન્ય નાગરિકો સાથે કેવો વર્તાવ કરે છે, તેનાથી ગૃહમંત્રી અજાણ હશે? શામાટે પોલીસ-સુધારણા માટે રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ જોવા મળે છે? [6] ગુનાનું બર્કિંગ ઉપરી અધિકારીની સૂચનાથી થાય છે. તાબાના અધિકારી લોકોની ફરિયાદ લેવાનું શરુ કરે તો ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમની ટીકા કરે છે ! તેમના ACR-વાર્ષિક ખાનગી અહેવાલમાં વિપરિત નોંધ કરે છે કે ‘ક્રાઈમ ઉપર કંટ્રોલ નથી !’ આવી નોંધ પ્રમોશનમાં આડી આવે છે, એટલે ઉચ્ચ પોલીસ અધિકારીઓની જીહજુરી કરવામાં પીડિત લોકોની ફરિયાદો નોંધાતી નથી. કેટલાંક કિસ્સાઓમાં નાના પોલીસ કર્મચારીઓ/અધિકારીઓ આત્મહત્યા કરે છે. આનો કોઈ ઉકેલ છે?

શંકરસિંહ વાધેલા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગૃહવિભાગે એક પરિપત્ર બહાર પાડેલ કે ‘લોકોની ફરિયાદો મુક્તપણે નોંધાય તે માટે કોઈ પોલીસ અધિકારીના ખાનગી અહેવાલમાં ‘ગુનાઓના વધેલા આંકડાના આધારે ક્રાઈમ ઉપર કંટ્રોલ નથી’ તેવી વિરુદ્ધ નોંધ લખી શકાશે નહીં ! શું આ પરિપત્રનો અમલ કરાવવાની જરુર નથી? કાગડાપીઠ/અમરાઈવાડીના PSOને જવાબદાર ગણી તેમને સસ્પેન્ડ કર્યા, પરંતુ તે બન્ને પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર કઈ રીતે બચી ગયા? સૌથી મોટો સવાલ એ છે કે માત્ર કાગડાપીઠ/અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદીને કડવો અનુભવ થાય છે? ગુજરાતના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જાઓ; સરખો જ કડવો અનુભવ થશે ! જ્યાં સુધી ખરા જવાબદારને છાવરવામાં આવશે ત્યાં સુધી સમસ્યા હલ નહી થાય. શું સુપરવાઈઝરી અધિકારીની કોઈ જવાબદારી જ નહીં? ઉલટાનું નાના પોલીસ કર્મચારીઓમાં અસંતોષ વધતો જશે ! પોલીસનું સૌથી સશક્ત હથિયાર નાગરિકોનો ભરોસો અને વિશ્વાસ છે. નાગરિકો પોલીસ ઉપર ત્યારે ભરોસો કરે; જ્યારે પોલીસ યોગ્ય રીતે કામ કરે. આ સાદી સમજ સરકારના ગળે ક્યારે ઉતરશે? FIR નહીં નોંધવાની સમસ્યાનો ઉકેલ સરકાર ક્યારે લાવશે?rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *