લોકો પોતાના હિત માટે; મફત શિક્ષણ/મફત આરોગ્ય સેવા/નાગરિક સ્વતંત્રતા-સુરક્ષા માટે જાગૃત નહીં થાય?

રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર : ભારતના બંધારણ મુજબ દેશના માલિક લોકો છે; MLA/MP/મિનિસ્ટર/CM/PM/IAS/IPS નહીં ! પરંતુ વાસ્તવમાં લોકો/નાગરિકો સાથે ગુલામ જેવો વ્યવહાર થાય છે. રાજકીય પક્ષો લોકોનું સાંભળતા નથી; ખોટા વચનો આપી છેતરી જાય છે. અચ્છે દિનના બદલે અતિ ખરાબ દિવસોનો અનુભવ થયો છે ! રાજકીય પક્ષો; કોર્પોરેટ કંપનીઓને/સ્થાપિત હિતોને વફાદાર રહે છે. રાજકીય પક્ષોમાં આંતરિક ચૂંટણીઓ થતી નથી; દરેકનું ચરિત્ર સરમુખત્યાર જેવું છે. હાઈ કમાન્ડ એટલે કે સર્વોચ્ચ નેતા કહે તેમ પક્ષનો વહિવટ ચાલે છે. હાઈ કમાન્ડ ગુનેગારોને/તડિપારોને/107 જેટલાં ગુનાઓ નોંધાયેલ હોય તેમને મિનિસ્ટર બનાવે છે અથવા પ્રદેશ પ્રમુખ બનાવે છે. હાઈ કમાન્ડ લોકો ઉપર નિર્ણય થોપે છે; એટલે પક્ષના ચાટુકારો મંદિરોમાં/ધાર્મિક સ્થળોમાં તેમની રજતતુલા કરે છે ! શું લોકો આવા ક્રિમિનલ નેતાઓને ચાહે છે? ના, મજબૂરીથી તેમને સ્વીકારે છે.

આ પણ વાંચો : ખંભાત ખાતે યોજાયેલ પ્રાર્થનાસભામાં ૧૨૯ સંસ્થાઓએ શિક્ષણવિદ ચંદ્રકાન્ત ઝવેરીને શ્રદ્ધાંજલિ પાઠવી

શામાટે આપણને ક્રિમિનલ નેતાઓ મળે છે? લોકોના મૌનના કારણે. હાઈ કમાન્ડ 107 ગુનાઓ કરનારને નેતા તરીકે મૂકે ત્યારે એક અવાજે તેનો વિરોધ થવો જોઈએ ! લોકો સંગઠિત નથી; કેમકે તે જાગૃત નથી. એટલે રાજકીય પક્ષો મનમાની કરે છે. વિપક્ષનો ગમે તેટલો ભ્રષ્ટ નેતા સત્તાપક્ષમાં જોડાય તો દેવદૂત બની જાય છે; પોલીસ તેને એરેસ્ટ કરતી નથી; CBI તેમની સામે ચાર્જશીટ કરતી નથી ! હાઈ કમાન્ડ/CM/PM પોતાના મંત્રી મંડળમાં એવા નેતાને પસંદ કરશે જે માત્ર તાળિઓ પાડતા હોય ! કાર્યક્ષમ નેતાને દૂર રાખશે. સત્તાપક્ષ સત્તામાં ટકી રહેવા માટે જાતજાતના કાવતરાં કરશે; MLA/MPને ખરીદશે ! દલિતોને અન્યાય થયો હોય છતાં સત્તાપક્ષના દલિત MLA/MP અવાજ ઉઠાવતા નથી. ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા હોય કે MSP મુજબ ખેતપેદાશોના ભાવ મળતા ન હોય છતાં સત્તાપક્ષના ખેડૂત MLA/MP ચૂપ રહે છે. આવા મૂંગા અને સંવેદનહીન નેતાઓ લોકપ્રતિનિધિ નથી; રાજકીય પક્ષના એજન્ટ છે. રાજકીય પક્ષોમાં નાત/જાત/વર્ણ/હિન્દુ-મુસ્લિમના ગજગ્રાહ ચાલતો રહે છે. સર્વત્ર નિરાશા છે; કટ્ટરવાદી ભક્તોની જમાત ઊભી થઈ છે.

આ સંજોગોમાં શું કરવું જોઈએ? લોકોને જવાબદાર નાગરિકો બનાવવા પડશે. પ્રત્યેક નાગરિકે રાજકારણમાં રસ લેવો પડે. રાજકારણ તો ગંદું છે; બધા ક્રિમિનલ છે; એમ માનીને નિષ્ક્રિય રહી શકાય નહીં. દરેક નાગરિકને મફત શિક્ષણ અને મફત આરોગ્ય સુવિધા શામાટે મળતી નથી? શાળા-કોલેજના અને હોસ્પિટલના ખર્ચાઓના કારણે લોકો દેવાદાર બને છે; વ્યાજખોરો શોષણ કરે છે. રાજ્ય કક્ષાએ નાગરિક મંચની રચના કરીને; સેવાભાવી લોકોને ‘લોક પ્રતિનિધિ’ તરીકે મૂકવાની પહેલ કરવી જોઈએ. સત્તાપક્ષની આર્થિક તાકાત/સત્તાનો-તંત્રનો દુરુપયોગ/IT Cellની મુસ્લમો પ્રત્યેની નફરતી ઝેરીલી ઝૂંબેશ/ગોદી મીડિયાના કારણે દિવ્ય પુરુષનું સર્જન વગેરે પરિબળોનો સામનો કરવો અતિ મુશ્કેલ છે; પરંતુ તેનો સામનો લોકસંગઠન/લોકજાગૃતિ વડે જ થઈ શકે છે; બીજો કોઈ રસ્તો નથી ! ગુજરાતમાં એક યળવળ એવી ચાલે છે કે ચૂંટણીમાં ‘લોકઉમેદવાર’ ઊભો રાખવો. એ રીતે ‘Zero Budget Election’ની નીતિ અમલમાં મૂકી શકાય. ચૂંટણીમાં થતાં ખર્ચની વસૂલી માટે પંચાયતના સભ્યો/નગર સેવકો/MLA/MP ભ્રષ્ટાચાર કરે છે. ‘લોકઉમેદવાર’ નક્કી કરવાનું કામ મુશ્કેલ જરુર છે; પરંતુ એ દિશામાં જાગૃત લોકો સાથે બેસી સહચિંતન કરી ઉકેલ શોધી શકે છે. દેશમાં ક્રિમિનલો/દુર્જનોની સંખ્યા બહુ ઓછી છે; અને સજ્જનોની સંખ્યા વિશાળ છે; એટલે નાગરિક ચિંતન જરુરી છે. સવાલ એ છે કે શું લોકો પોતાના હિત માટે; મફત શિક્ષણ/મફત આરોગ્ય સેવા/નાગરિક સ્વતંત્રતા-સુરક્ષા માટે જાગૃત નહીં થાય?rs

Leave a Reply

Your email address will not be published.